21 December 2018

વિજલપોરમાં વીજકેબલ નાંખતી વેળા પાણીની લાઇનમાં ભંગાણ, 50 હજાર લી. પાણી વેડફાયું


વિજલપોરમાં ચંદનવન સોસાયટી નજીક વીજકંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાંખતી વેળા પાલિકાની પાણીની લાઇન તોડી નાંખતા હજારો લોકોને બપોર અને બપોર પછી પાણીની તકલીફ પડી હતી.

કેટલાક સમયથી વિજલપોર શહેરનાં પૂર્વ વિભાગના વિસ્તારમાં પણ દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી ચાલું કરાઇ છે જે માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આજે ગુરૂવારે બપોરે 12.15 વાગ્યાનાં અરસામાં શિવાજીચોક નજીક આવેલા ચંદનવન સોસાયટી વિસ્તાર પાસે ખોદકામ ચાલતું હતું ત્યારે અંડરગ્રાઉન્ડ પાલિકાની પાણીની મેઇન લાઇન તોડી નાંખી હતી. લાઇન તૂટી જતાં પાણીનો જથ્થો બહાર આવવા લાગ્યો હતો. પાલિકા તંત્રને ખબર પડતાં પાણીનો સપ્લાય બંધ કરાયો હતો. જોકે લાઇનમાં રહેલ પાણીનો જથ્થો સતત વહેતો જ રહ્યો હતો. આ પાણી ચંદનવન સોસાયટી નજીકથી પસાર થતાં આશાપુરી મુખ્ય માર્ગ ઉપર ઠલવાયું હતું અને માર્ગ પાણીથી તરબતર થઇ ગયો હતો. ચોમાસાના વરસાદી પાણી ભરાવાનો માહોલ સર્જાયો હતો. માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકો અસરગ્રસ્ત થયા હતાં.

પાલિકા સૂત્રમાંથી મળતી માહિતી મુજબ પાણીની લાઇન તૂટવાથી પૂર્વ વિભાગનાં આવેલ અંદાજે 15 રહેણાંક વિસ્તારનાં લોકોને બપોરનું બીજા સમયનું પાણી મળી શક્યું ન હતું. આ વિસ્તારોમાં, શિવાજીનગર, સંભાજીનગર, અંબાજીનગર, રાધાનગર, રેલવે કોલોની, રામનગર નજીકનો વિસ્તાર, વિઠ્ઠલમંદિર નજીકના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે. પાલિકા સૂત્રે લાઇન તૂટવાથી અંદાજે ત્રણેક હજાર લોકોને અસર થયાનું જણાવે છે. જોકે કેટલાક આનાથી વધુને અસર થયાનું જણાવે છે. સાંજ સુધી લાઇનની મરામત થઇ ન હતી.કારણ કે પાણીની સી.આઇ.લાઇન હોય તેની મરામત કરનારા ઓછા છે, જેને નવસારીમાંથી બોલાવવાનાં પ્રયત્નો પાલિકા તંત્ર કરી રહી હતી.

એક ટાઇમ તો પાણી અપાયું હતું
વીજ કંપનીનાં કેબલ નાંખવાની કામગીરીથી પાલિકાની લાઇન બપોરે તૂટી હતી. રહીશોને સવારના સમયનો પાણીનો પુરવઠો તો અપાઇ જ ગયો હતો. બપોરનો પુરવઠો કેટલાક વિસ્તારમાં આપવામાં તકલીફ પડી હતી. એક ટાઇમ પાણી મળી ગયું હોય મોટી તકલીફ પડી ન હતી. જોકે પાલિકા વહેલી તકે મરામત કરી લાઇન પૂર્વવત કાર્યરત થાય તેવા પ્રયત્નો કરી રહી છે. શશી પટેલ, સીટી ઇજનેર,વિજલપોર પાલિકા

પાલિકા રોજ 96 હજાર લિટર પાણી આપે છે
પાણીની લાઇનમાં ભંગાણ પડવાની ખબર પડતા પાણીનો સપ્લાય બંધ તો કરવામાં આવ્યો હતો પરંતુ લાઇનમાં રહેલ પાણી સતત વહેતું રહ્યું હતું. ભંગાણ બાદ 1 કલાક પાણી બહાર આવતું રહ્યું હતું. જેના કારણે અંદાજે 50 હજાર લીટર પાણીનો વ્યય થયો હોવાનો અંદાજ પાલિકાનાં સૂત્રેએ મુક્યો હતો. પાલિકા રોજ શહેરીજનોને અંદાજે 96 લાખ લીટર પાણી આપે છે.

થોડી તકલીફ પડી
અમારે ત્યાં સવારનાં સમયે તો પાણી આવ્યું નથી. પરંતુ બપોર અને ત્યારબાદ સાંજ સુધી પાણી આવ્યું ન હતું. શિવાજીનગર, અંબાજીનગર વિગેરે વિસ્તારમાં આ સ્થિતિ બપોરબાદ પાણી ન મળતાં થોડી તકલીફ પડી હતી. ભાલચંદ્ર પાટીલ રહીશ, શિવાજીનગર

અગાઉ ગેસની લાઇન તૂટી હતી
વીજ કંપની દ્વારા કેબલ નાંખતા અંડરગ્રાઉન્ડ ખોદકામ થવાથી અગાઉ ગેસની લાઇન પણ પૂર્વ વિભાગમાં જ તૂટી ગઇ હતી. આ સમયે ગેસની લાઇન તૂટતા આશાપુરી માર્ગ વિસ્તારમાં જ ગેસ પુરવઠો ખોરવાતાં સાંજના સમયે હજારો લોકોને સાંજનું ભોજન બનાવવામાં તકલીફ પડી હતી.