24 December 2018

સરકારની આંખ ઊઘડી, હવે ગાંધી સ્મૃતિ સ્ટેશનનું બ્યુટીફિકેશન થશે


ગાંધીજીની સ્મૃતિમાં હાંસાપોર નજીક બનેલ ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશનનું બ્યુટીફિકેશનની શરૂઆત થઇ છે. સ્ટેશન બન્યાનાં 22 વર્ષ આ કામગીરી હાથ ધરાઇ છે. સને 1930 માં મીઠાના કાળા કાયદાનો વિરોધ કરવા મહાત્મા ગાંધીએ અમદાવાદથી દાંડી સુધીની દાંડીકૂચ કરી હતી.

આ સ્ટેશન પર ગાંધીજીની 1930માં અંગ્રેજોએ ધરપકડ કરી હતી તે સ્મૃતિ જળવાય તે જરૂરી બન્યું છે. આ દાંડીકૂચ દરમિયાન સત્તાધારી અંગ્રેજ સરકારે બાપુની ધરપકડ કરી તેમને હાંસાપોર નજીક પુના જઇ રહેલ ‘ફ્રન્ટીયર મેલ’ ને ઉભો રખાવી પુના યરવડા જેલ લઇ જવાયા હતાં. ગાંધીજીને જ્યાંથી ટ્રેનમાં બેસાડાયા એ હાંસાપોર નજીકની જગ્યાએ કેન્દ્ર સરકારે નવું સ્ટેશન બનાવી તેને ગાંધીજીની સ્મૃતિમાં ‘ગાંધી સ્મૃતિ’ સ્ટેશન 1996-97 માં આપવામાં આવ્યું હતું. આજે આ સ્ટેશન બન્યાને 22 વર્ષ થયા છે.

આ વર્ષો દરમિયાન ફ્લેગ સ્ટેશન રહેલા ગાંધીસ્મૃતિ સ્ટેશને ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી ન હતી. પ્લેટફોર્મ, શેડ સહિતની નહિવત સુવિધાઓ અહીં જોવા મળે છે. જોકે હવે સ્ટેશને સુવિધાઓ વધારી સ્ટેશનનું બ્યુટીફિકેશન કરવાની કામગીરી હાથ ધરાઇ છે. ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશને હાલ જમીનથી ઉંચો પ્લેટફોર્મ બનાવી પેવરબ્લોક લગાવાઇ રહ્યાં છે. ત્યારબાદ શેડ પણ સ્ટેશને બનાવાશે. ક્રમશ: સ્ટેશને જે સુવિધા નથી તે પણ ઉભી કરાનાર હોવાની જાણકારી મળી છે. મહાત્મા ગાંધીને અંગ્રેજો અહીં ધરપકડ કરીને લઈ ગયા હતા. આથી, આ સ્ટેશનનું નામ ગાંધીસ્મૃતિ આપવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ હાલ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની થનાર ઉજવણી અંતર્ગત કામગીરી કરાઇ રહ્યાની જાણકારી મળી છે. સ્ટેશને દરરોજ અંદાજે 350 જેટલા મુસાફરોની આવજા રહે છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.

શૌચાલય, મૂતરડી જ નથી
રેલવે સ્ટેશને 7 ટ્રેનો થોભે છે અને 350 જેટલા મુસાફરો આજ-જા કરે છે છતાં અહીં શૌચાલય, મૂતરડી જ નથી. જેને લઇને અહીંથી મુસાફરી કરતા મુસાફરો (ખાસ કરીને મહિલાઓ) ની હાલત કફોડી થઇ રહી છે. શું તંત્ર આ સુવિધા ઉભી કરશે?

ઓફિસ પતરાંથી બનાવેલ છે
રેલવે સ્ટેશને દીવાલ નહીં ‘પતરાં’ લગાવી ઓફિસ બનાવાઇ છે. પતરાં અનેક બાજુ તૂટી ગયા છે અને ઓફિસ તકલાદી બની છે. ઝાડ પડે તો ઓફિસ તૂટી જાય એમ છે. ઓફિસમાં કોઇપણ ઘૂસી જઇ શકે છે. ચોરી પણ થઇ છે. ઓફિસ વ્યવસ્થિત બનાવાય એ જરૂરી છે. હસમુખ કટારીયા, સ્ટેશન હિતેચ્છુ, હાંસાપોર

સ્ટેશન એ ‘ઐતિહાસિક ધરોહર’ છે
ગાંધીસ્મૃતિ સ્ટેશન એ માત્ર રેલવે સ્ટેશન જ નથી ઐતિહાસિક ધરોહર છે. તે સ્ટેશને સુવિધા વધારવા માટે આપણા સાંસદ સી. આર. પાટીલ ખાસ રસ લઇ રહ્યાં છે. આ અંગે તેમણે મારી સાથે પણ વાતચીત કરી છે. - ઉદયસિંહ સ્ટેશન માસ્તર, નવસારી સ્ટેશન

આ સ્ટેશને માત્ર 7 ટ્રેનો જ થોભે છે
ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશને અગાઉ તો એકલ-દોકલ ટ્રેનો જ ઉભી રહેતી હતી પરંતુ હવે વધુ ટ્રેનો થોભે છે. જે 7 ટ્રેનો થોભે છે. તેમાં 69149 ડાઉન મેમુ, 69141 ડાઉન મેમુ, 09069 ડાઉન પેસેન્જર ટ્રેન, 69150 અપ મેમુ, 69142 અપ મેમુ, 09070 અપ વિરાર ટ્રેન અને 59442 અપ વિરમગામ મુંબઇનો સમાવેશ થાય છે.