25 December 2018

નવસારી ડેપોમાં ડ્રાઇવરે એક ફૂટની પાળી કૂદાવી બસ સીધી મુસાફરો પર ચઢાવી દીધી


નવસારીના એસટી ડેપો સંકુલમાં સાંજે 6 વાગ્યાના સુમારે નવસારીથી અમલસાડ જતી બસના ચાલકે બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સીધી જ બસની રાહ જોતા પ્લેટફોર્મ નં. 4 ઉપર ચડાવી દીધી હતી. મુસાફરો રાહ જોઈ તે પહેલા જ કાળમુખી બસે 3ને અડફેટે લેતા બેના ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક મુસાફરનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. જોકે આ ઘટના બાદ એકત્ર લોકટોળાનો રોષ જોઈ બસચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

નવસારીના નવા એસટી ડેપો ખાતે સાંજે નવસારીથી અમલસાડ જતી બસ (નં.જીજે-18-વી-6575) પ્લેટફોર્મ નં. 4 ઉપર મુસાફરો રાહ જોઈ રહ્યા હતા. મુસાફરો પ્લેટફોર્મ ઉપર ઉભા હતા ત્યારે બસના ચાલક દ્વારા બસ પ્લેટફોર્મ ઉપર લાવે તે પહેલા બસમાં અચાનક ખામી સર્જાતા કે અકસ્માતે ચાલકે બસ પૂરઝડપે હંકારી લાવીને પ્લેટફોર્મ આગળ બનાવેલા એક ફૂટના બમ્પને પણ કુદાવીને પ્લેટફોર્મ પર રાહ જોતા મુસાફરોને અડફેટે લીધા હતા. આ ઘટના સમયે પ્લેટફોર્મ ઉપર 30થી 40 લોકો હતા. બસ અચાનક જ પ્લેટફોર્મ પર ચઢી આવતા લોકો હેબતાઈ ગયા હતા. આ અકસ્માતમાં વર્ષા રાજુ હળપતિ (ઉ.વ. 35, રહે. ખડસુપા, નવસારી), કનૈયાલાલ વેકરીયા (રહે. સુરત) અને ભદ્રાબેન પટેલ (રહે. ખેરગામ)ને ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે મોનિકાબેન પટેલ (ઉ.વ. 35, રહે. ડાંભર, નવસારી)ને પગે ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

આ અકસ્માત થતા લોકટોળુ ઘટનાસ્થળે ધસી જતા બસના ચાલક લોકરોષનો ભોગ બને તે પહેલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ઉપસ્થિત મુસાફરોએ જ ઘાયલ વ્યક્તિને સારવાર માટે વાહનની સુવિધા કરી હતી અને પોલીસને જાણ કરતા નવસારીના પીઆઈ ગૌસ્વામી તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં બસડેપોના સીસીટીવી કેમેરાને કારણે બસ ચાલકે કેવી રીતે બસ પૂરઝડપે હંકારીને સીધી જ પ્લેટફોર્મ પહેલા મુકેલા બમ્પર કુદાવી સીધા જ મુસાફરોને અડફેટે લીધાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.

દુર્ઘટના બસ ડેપોના શેડમાં ઘુસી અકસ્માતમાં મોતને ભેંટનાર સંબંધીઓનો કલ્પાંથ શરૂ થયો હતો
નવસારી એસટી ડેપોમાં સોમવારે સાંજે નવસારીથી અમલસાડ જતી બસના નવા ડ્રાઇવરે એક ફૂટનો સ્પીડબ્રેકર કૂદાવી બસ પ્લેટફોર્મના બદલે સીધી જ ડેપોના શેડમાં ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં બસે 5 મુસાફરોને અડફેટે લીધા હતા, જે પૈકી ત્રણના મોત નીપજ્યા હતા. આ અકસ્માત બાદ ડેપોમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવાયો હતો.

માતાનું મોત થતા બાળકો નિરાધાર બન્યા
નવસારીથી વાયા અડદા-અમલસાડ જતી બસની રાહ જોતા મુસાફરો અચાનક સીધી તેમના તરફ બસ આવતી જોતા થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. બસને જોઈ કમળાબેન રાઠોડ, સપના હળપતિ તથા તેમની ત્રણથી 4 બહેનપણીઓ (અડદા અને ખડસુપા) તરત ખસી જતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમની બહેનપણી વર્ષા રાજુ હળપતિ અડફેટે આવી ગઈ હતી. વર્ષાબેનનું મોત થતા તેના બે સંતાન દીકરો અને દીકરી માતા વિના નિરાધાર બની ગયા હતા.

ઘટનામાં આ ત્રણ લોકોના મોત થયા
વર્ષાબેન રાજુભાઈ હળપતિ (ઉ.વ. 35) | નવસારી ઘરકામ કરવા દરરોજ આ બસમાં આવતી હતી. આજે પણ આવી હતી અને બસ દુર્ઘટનામાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
કનૈયાલાલ વેકરીયા | નવસારી આવેલા કનૈયાલાલ વેકરીયા સુરત જવા બસની રાહ જોતા હતા. અચાનક આવેલી બસે તેમનો ભોગ લીધો હતો. તેઓ નવસારી પાસપોર્ટ એજન્ટને મળવા માટે આવ્યા હતા.
ભદ્રાબેન દિપકભાઈ પટેલ (ઉ.વ. 57) | ખેરગામ તાલુકા ખાતે રહેતી ભદ્રાબેન તેમની વિજલપોર ખાતે રહેતી બહેન જાગૃતિ પટેલને મળવા આવી હતી અને ત્યારબાદ ઘરે જવાના હોય પ્લેટફોર્મ નં. 4 ઉપર પતિ સાથે રાહ જોતા હતા અને મોત મળ્યું. તેઓ હંમેશા ગાડીમાં જ ફરતા હતા પરંતુ આજે બસમાં જવાનું પસંદ કર્યું હતું અને કાળનો કોળિયો બનતા પટેલ પરિવાર શોકગ્રસ્ત બન્યો હતો.

અગાઉ ફેક્ચર થયુ હતુ એ પગમાં જ વાગતા સળિયા તૂટી ગયા
ડાંભર ગામના મોનિકા પટેલ (ઉ.વ. 35) સોમવારે પોતાના ગામ જવા બસ ડેપોના પ્લેટફોર્મ નં. 4 ઉપર રાહ જોતી હતી. એ દરમિયાન અચાનક ધસી આવેલી બસે અડફેટે લીધી હતી. તેમના પગલ ઉપર ગંભીર ઈજા કરી હતી. આ દુર્ઘટનામાં કમનસીબી એ હતી કે મોનિકાબેનને અગાઉ પગે ફ્રેકચર થતા સળિયા મુક્યા હતા. એજ પગમાં ફ્રેકચર થતા આ સળિયા પણ તૂટી ગયાની વિગતો હોસ્પિટલ સૂત્રો પાસેથી મળી છે.