26 December 2018

એસટી ડેપોમાં દુર્ઘટના બાદ પણ નિયમ મુજબ બસ મૂકાતી નથી


નવસારી એસટી ડેપો ખાતે ગતરોજ સાંજના સમયે અમલસાડ જતી બસના ચાલકે બસ રિવર્સને બદલે પૂરઝડપે સીધી જ હંકારીને મુસાફરો રાહ જોતા હતા ત્યાં જ લાવીને પ્લેટફોર્મ બેરીયર કુદાવીને પ્લેટફોર્મના ઓટલા પર બસ ચઢાવી 4ને અડફેટે લીધા હતા. જેમાં 3ના મૃત્યુ અને 1ને ઈજા થઈ હતી. આ ઘટનામાં રિવર્સ પ્રોસિજરના નિયમનો ભંગ થતો હોય મંગળવારે પણ ડ્રાઈવર દ્વારા સામેની બાજુએ જ બસ પ્લેટફોર્મ આગળ લાવતા મુસાફરોમાં ભયની લાગણી ફેલાઈ હતી.

નવસારી એસટી ડેપોમાં સાંજના સમયે ગતરોજની દુર્ઘટના બાદ પણ રિવર્સ પ્રોસિજરના નિયમ મુજબ બસના ચાલકોએ બસ રિવર્સમાં લાવવાને બદલે આજે પણ દરેક બસચાલકો પોતાની બસ સીધી જ પ્લેટફોર્મ ઉપર લાવતા હતા. એસટી નિગમના રિવર્સ પ્રોસિજરના નિયમ મુજબ દરેક કંડકટરોએ ફરજીયાત સ્ટેન્ડ ઉપર કે કોઈપણ જગ્યાએ બસને પાછળ લેતી વખતે ડ્રાઈવરને રિવર્સ લેવડાવી અને વ્હિસલ વગાડીને ડ્રાઈવરને સચેત કરવાનો ફરજીયાત અમલ કરવો. આ નિયમનું પાલન દરેક એસટી ડેપોના બસના કંડકટરો અને ડ્રાઈવરોએ કરવાનો હોય છે. મંગળવારે સવારે ગતરોજની દુર્ઘટના બાદ એસટી ડેપોના મેનેજર, ટીઆઈ અને એપીઆઈ દ્વારા રિવર્સ પ્રોસિજરની સમજ પાડી ન હતી કે પછી તેમને મુસાફરોની સલામતીની કોઈ ચિંતા ન હોય તેવું લાગી રહ્યું હતું. જો રિવર્સ પ્રોસિજરની સમજ કંડકટર અને ડ્રાઈવરને હોત તો આ ગોઝારી ઘટનાનું નિર્માણ ન સર્જાતે અને ત્રણ જિંદગી બચી જતે. નવસારીના એસટી ડેપોના અધિકારીઓ એસટી નિગમ તથા મોટર વ્હિકલ એકટના નિયમો કર્મચારીઓને આપે તેવી માગ ઉઠી છે.