26 December 2018

નવસારી બસ ડેપોમાં અકસ્માત સર્જી ભાગેલો ડ્રાઇવર મરોલીથી ઝડપાયો


મોબાઈલના લોકેશનને આધારે મરોલીથી સુરત રસ્તા વચ્ચેથી પોલીસે તેને અટક કરી હતી. પૂછપરછમાં ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લાગ્યો ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ ડ્રાઇવરે એક્સીલેટર પર પગ મુકી રાખ્યો હોવાનું લાગી રહ્યું છે.

નવસારીના એસટી ડેપોના પ્લેટફોર્મ નં. 4 ઉપર ગતરોજ સાંજના સમયે નવસારીથી અમલસાડ જતી બસ (GJ-18-Y-6575)ના ચાલક પ્રવિણ ધાંધલ (રહે. નવસારી એસટી ડેપોની પાછળ)એ બેકાળજી રાખીને બસ સીધી જ મુસાફરો રાહ જોતા હતા તે પ્લેટફોર્મ ઉપર ચડાવી દીધી હતી. જેમાં વર્ષા હળપતિ, ભદ્રાબેન પટેલ, કનૈયાલાલ વેકરીયાનું મોત નીપજ્યા હતા. એકને ઈજા થતાં જ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની મૃતક ભદ્રાબેન પટેલના પતિ દિપક પટેલ (રહે. ખેરગામ)એ ટાઉન પોલીસમાં ફરિયાદ આપતાં પીઆઈ સગર, અન્ય પોલીસ મથકના અધિકારીઓએ જુદી જુદી ટીમ બનાવી ડ્રાઈવર પ્રવિણ ધાંધલની તપાસ માટે મોકલાવી હતી. મંગળવારે સાંજે મોબાઇલ લોકેશનથી ફરાર ડ્રાઈવર પ્રવિણને મરોલીથી નવસારી રોડ વચ્ચેના સ્થળેથી ઝડપી પાડ્યો હતો.

ડ્રાઇવરને માદક પીણું પીધુ હોવાનો ઇન્કાર
તપાસ કરનારા ટાઉન પીઆઈએ કહ્યું કે ડ્રાઈવર પ્રવિણે દુર્ઘટના થઈ ત્યારે માદક પીણાનું સેવન કર્યું હોવાનો ઈનકાર કર્યો હતો, છતાં સિવિલમાં ચેકઅપ કરાવીને રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. 4 ડિસેમ્બરે સરકારની ડ્રાઈવરની સીધી ભરતીથી નિમણૂક પામેલા પ્રવિણ ધાંધલે એમએનો અભ્યાસ કર્યો છે બાદ ખાનગી વાહનો, લકઝરી બસ ચલાવતો હોવાનું જણાવ્યું હતું.