26 December 2018

કબીલપોરમાં પાયાની સુવિધા ન આપવા બદલ ગ્રામજનોએ સભામાં ઉભરો ઠાલવ્યો


કબીલપોર ખાતે સોમવારે સરપંચની અધ્યક્ષતામાં મળેલી ગ્રામસભામાં ગ્રામજનોએ પોતાને મળતી પાયાની સુવિધા બાબતની કામગીરી પ્રત્યે અસંતોષ જાહેર કર્યો હતો. ગ્રામજનો માટે પાણી,રસ્તા, ગટરલાઈન, સરકારી જમીન (ગૌચર)માં દબાણ હટાવવા, રસ્તા ઉપર બિનજરૂરી દબાણ દૂર કરવા, તળાવ ઉંડુ કરીને બ્યુટીફીકેશનના કામો અંગે ચર્ચા દરમિયાન વાતાવરણ ઉગ્ર થયું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

નવસારી નજીક આવેલા કબીલપોર ખાતે સોમવારે ગ્રામસભાનું આયોજન સરપંચ છનાભાઈ જોગી, તલાટી કમ મંત્રી મહેશ ચેતનાની તથા વોર્ડ સભ્યો હાજર રહ્યા હતા. ગ્રામસભાની શરૂઆતમાં સરપંચના ઘરની આસપાસ પીવાના પાણીની લાઈન અને ગટરલાઈનમાં જોડાઈ જતાં ગંદુ પાણી આવે છે. જેથી તેમના જ મહોલ્લાના લોકો ગંદુ પાણી લઈને આવીને ફરિયાદ કરી હતી. કબીલપોરના મુખ્ય રસ્તા ઉપરથી ગ્રીડ સત્યમનગર સુધી બાંધેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં પણ રજૂઆત થઈ હતી.

જોગટીવાડ ખાતે આવેલા ગૌચરની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરીને ખુલ્લી જગ્યા કરવાની પણ રજૂઆત થઈ અને તળાવને ઉડુ કરવાની સાથે તેની આજુબાજુ પ્રોટેકશન વોલ બનાવવા માટે તુરંત કામગીરી કરવામાં આવે, ઉપસરપંચ મુકેશ અગ્રવાલના વોર્ડના સમાવિષ્ટ જગજીતનગરમાં સ્ટ્રીટલાઈટ ન હોય તે મુકવા સ્થાનિકોએ રજૂઆત કરી હતી. આ સભામાં ગ્રામજનોએ સરપંચને તુરંત પ્રજાકીય કામો થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું હતું. સરપંચ અને ઉપસ્થિત ગ્રામજનો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થયાનું જાણ‌વા મળ્યું હતું.

બે અઠવાડિયાથી મામરી તબિયત ખરાબ છે
મારી તબિયત છેલ્લા બે અઠવાડિયાથી ખરાબ છે. ગંદુ પાણી બાબતે અમારા વિસ્તારના લોકોને જણાવ્યું કે પાણીની લાઈનના નવા કનેકશન નંખાવી આપીશું. સરપંચ તરીકે ચૂંટાયા બાદ તમામના કામો કરીશું પણ થોડીવાર લાગશે. - છના જોગી, સરપંચ, કબીલપોર

કચરો લેવા ન આવતા ગંદકી વધે છે
કબીલપોરના હળપતિવાસ ખાતે મંજૂર થયેલા આવાસો, બ્લોક, ડ્રેનેજનું કામ થતું નથી. કચરો લેવા પંચાયતનું વાહન સોસાયટીમાં ફરે અને હળપતિવાસ કે પછાત વિસ્તારમાં ન જતા લોકો ખુલ્લામાં કચરો નાંખે છે અને ગંદકી વધે છે. - મિરલ પટેલ, સ્થાનિક, કબીલપોર

ગામનો વિકાસ દેખાય
જોગટીવાડના તળાવમાં સ્થાનિકો કચરો નાંખી ગંદુ કરી રહ્યા છે. જગ્યા સરકારી હોવાથી દબાણ દૂર થાય તેને ઉંડુ કરવા ઠરાવ થયો છે અને આજુબાજુ પ્રોટેકશન વોલ બનાવી બ્યુટીફિકેશનના કામો જલદી થાય તો વિકાસ દેખાય. જેના માટે જિ.પં.એ રૂ. 9 લાખ તથા સ્વભંડોળમાં 14મા નાણાંપંચના 15 લાખની જોગવાઈ કરી છે. - પરિમલ પટેલ, સ્થાનિક યુવા, કબીલપોર