27 December 2018

વિજલપોર પાલિકામાં કમિટીની પુન:રચનાની સભા તોફાની


વિજલપોર પાલિકાની મળેલી ખાસ સભામાં પોણા બે કલાકની શોરબકોર અને બબાલને અંતે પ્રમુખે તમામ 17 કમિટીઓની પુન:રચના કરી હતી. વિપક્ષે સમિતિની પુન:રચનાને ગેરકાયદે ગણાવી ભારે વિરોધ કર્યો હતો.

વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખે વર્તમાન કમિટીઓની અઢી વર્ષની મુદત પૂર્ણ થઇ નથી ત્યાં અધવચ્ચે જ તમામ કમિટીઓની પુન:રચના કરવા માટે ખાસ સામાન્ય સભા આજે બુધવારે બોલાવી હતી. સભામાં કમિટીઓની પુન:રચના કરવા માટે ખાસ સામાન્ય સભા આજે બુધવારે બોલાવી હતી. સભામાં કમિટીઓની પુન:રચના કરવા માટેની દરખાસ્ત કરાતા જ વિપક્ષી સભ્ય ગંગાધર શુક્લાએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે હાલ સુધી ચાલી આવતી કમિટીઓ બરખાસ્ત કરાઇ નથી ત્યારે નવી સમિતિઓનું ગઠન કઇ રીતે થઇ શકેω

બીજું કે સમિતિના પુન:ગઠન માટે કારણ આપવું પડશે. ગંગાધરના સુરમાં ભાલચંદ્ર પાટીલ, સંતોષ બોરસે, ઉપપ્રમુખ સંતોષ પુંડકર વિગેરેએ પણ સમિતિની પુન:રચનાની કાર્યવાહીને ગેરકાયદે ગણાવી હતી. સામે પક્ષે પ્રમુખ જગદીશ મોદી અને ત્યારબાદ ચીફ ઓફિસર ચાંડપ્પાએ કમિટીઓની કરાઇ રહેલ પુન:રચનાને નગરપાલિકા અધિનિયમ ટાંકી કાયદા મુજબ થઇ રહ્યાંના ખુલાસા કર્યા હતાં. જોકે પ્રમુખના ખુલાસા પાલિકાનાં અસંતુષ્ટ જુથ (વિજલપોર વિકાસ મંચ) અને વિરોધ કરવાનું જારી રાખ્યું હતું. વિપક્ષી સભ્યોએ લોકશાહીનું હનન થઇ મનમાની કરાઇ રહ્યાંનો આક્ષેપ કરી કમિટીની રચનાનો વિરોધ જારી રાખ્યો હતો. લગભગ દોઢથી પોણા બે કલાક સભામાં આક્ષેપ-પ્રતિ આક્ષેપ, શોરબકોર, હૂંસાતૂંસીનો માહોલ રહ્યાં બાદ અંતે સભા અધ્યક્ષ એવા પાલિકાપ્રમુખ મોદીએ વધુ મતોથી તમામ 17 કમિટીઓની જાહેરાત ભારે શોરબકોર વચ્ચે જ કરી સભા પૂર્ણ કરેલી જાહેર કરી દીધી હતી.

કમિટીઓમાંથી અસંતુષ્ટ જૂથનો સફાયો કરાયો
પાલિકાની કમિટીઓની પુન:રચના કરવાનો એક હેતું અસંતુષ્ટો પાસે રહેલી કમિટીઓની ચેરમેનશીપ લેવાનો હતો અને તે ચેરમેનશીપ લઇ પણ લેવાઇ હતી પરંતુ નોંધનીય બાબત એ હતી કે અસંતુષ્ટ જૂથ પાસે 18 સભ્યો (અડધો અડધો) હોવા છતાં કોઇપણ કમિટીમાં સભ્યપદ પણ ન આપી ‘સફાયો’ કરાયો હતો.

સભાધ્યક્ષની ગરિમા ન જળવાઇ
ખાસ સભાનું ડેકોરસ જળવાઇ એવું કઇ રહ્યું ન હતું. સભાધ્યાક્ષની ગરિમા પણ જળવાતી ન હતી જેને લઇને ભાજપના શભ્યોએ અધ્યક્ષની ગરિમા જાળવવા સામેના જુથને કહ્યું તો વળતો જવાબ મળ્યો કે સભાધ્યક્ષ સભ્યોની ગરિમા જાળવતા નથી તેનું શું?

સભાધ્યક્ષે પોલીસને કોલ આપ્યો પણ
ખાસ સામાન્ય સભામાં સભાધ્યાક્ષ એવા પ્રમુખ જગદીશ મોદીને સભા સંચાલન કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. અનેક સભ્યો સભાધ્યક્ષ ભણી ધસી આવી વિરોધ કરતા હતાં જેને લઇને પ્રમુખે પોલીસને કોલ આપી સભ્યોને બેસાડવા કહ્યું હતું. જોકે તેનો અસંતુષ્ટ, વિપક્ષી સભ્યોએ વિરોધ કરતા પોલીસ સભામાં આવી ન હતી.

કમિટીઓનાં ચેરમેનોની નામાવલી
કારોબારી-દશરથ પટેલ, બાંધકામ-દિલીપસીંહ ભદોરીયા, ગાર્ડન-વિપુલ સાવલીયા, ડ્રેનેજ-નરેશ પુરોહિત, પાણી-શુભમ મુંડીયા, ટી.પી અને ગુમાસ્તા-નીતુ શાહ, મહેકમ-સીમા શાહ, રમતગમત-મુક્તિ ટંડેલ, લાઇટ-રમીલા પટેલ, ફાયર-કરૂણા ઝા, ડિસ્પેન્સરી-જયા લાંજેવાર, કાયદા-જ્યોત્સના પ્રજાપતિ, માઇનોર-જાગૃતિ દેસાઇ, સમાજકલ્યાણ-ભીખુ પટેલ, આરોગ્ય-સોનાલી રસાળ, વાહનવ્યવહાર ગેરેજ સવિતાબેન ચૌધરી