28 December 2018

નવસારીમાં ઠંડીનો ચમકારો, 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો


નવસારી પંથકમાં ગુરૂવારે સવારે તાપમાને રેકર્ડ તોડ્યો હતો. સવારે લઘુત્તમ 4.5 ડીગ્રી થઇ જતાં ભારે ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. છેલ્લાં 25 વર્ષની ઠંડીનો રેકર્ડ તૂટ્યો હતો.

નવસારી પંથકમાં છેલ્લાં કેટલાક દિવસથી તાપમાન ઘટતાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. જોકે સવારનાં તાપમાનમાં ઉતાર ચઢાવ થતો રહે છે. જે અંતર્ગત 23મીએ 10 ડીગ્રી, 24મીએ 12.2 ડીગ્રી, 25મીએ 12.6 ડીગ્રી અને 26મીએ 10 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે આજે ગુરૂવારે વહેલી સવારે (5 થી 5.30 વાગ્યાનાં અરસામાં) વાતાવરણમાં ભારે પલટો આવી તાપમાનનો પારો ખૂબ જ નીચે ઉતરી 4.5 ડીગ્રીએ સ્થિર થયો હતો. એક જ દિવસે તાપમાન 5.5 ડીગ્રી ઘટી માત્ર 4.5 ડીગ્રી જ થઇ જતા રીતસર ‘શીતલહેર’ પ્રસરી ગઇ હતી. લોકોએ ભારે ઠંડીનો અનુભવ કર્યો હતો. વહેલી સવાર બાદ દિવસ દરમિયાન પણ ઠંડીનું પ્રમાણ જારી જ રહેતા જનજીવન પ્રભાવિત થયું હતું. આખો દિવસ મહત્તમ લોકો ગરમ વસ્ત્રો ધારણ કરેલ જોવા મળ્યા હતાં. અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 25 વર્ષમાં સૌથી ઓછું તાપમાન તા.16.1.97 નાં રોજ 5 ડીગ્રી નોંધાયું હતું. જેનાથી 5 ઓછું તાપમાન આજે 27મીએ નોંધાયું હતું.

વહેલી સવારે તાપમાનમાં ભારે ઘટાડો થવા સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી 99 ટકા થઇ જતાં શીતલહેર વ્યાપી હતી. ગુરૂવારે બપોરનાં સમયે મહત્તમ તાપમાન 27.5 ડીગ્રી અને ભેજનું પ્રમાણ 35 ટકા રહ્યું હતું. પવન મધ્યમ ગતિનો રહ્યો હતો. દિવસ દરમિયાન 6.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ઉત્તર-પૂર્વ દિશાનો રહ્યો હતો.


વધુ ઠંડીના અનેક કારણો જવાબદાર
હાલમાં ઠંડી વધવાનું મુખ્ય કારણ ઉત્તર ભારતમાં થઇ રહેલ ભારે બરફવર્ષા તથા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સછે. પવનની ગતિ પણ ઉત્તર-પૂર્વ હોઇ આપણે ત્યાં વધુ અસર થઇ રહી છે. આ ઉપરાંત પણ સ્થાનિક કેટલાક કારણો કારણભૂત બને છે. અનેક કારણોને લઇ આજે ગુરૂવારે તાપમાન રેકર્ડબ્રેક નીચું ગયું છે. આગામી દિવસો દરમિયાન તાપમાન નીચે (સંભવત: 4.5 ડીગ્રીની નીચે ન જાય) જ રહેવાની શક્યતા છે.ડો.નિરજકુમાર, હવામાન શાસ્ત્રી, નવસારી યુવા વૈજ્ઞાનિક એવોર્ડ વિજેતા

નવસારી શહેર મધ્યે તાપમાન થોડુ વધુ હશે
નવસારી શહેરના મધ્યમમાં નહીં પરંતુ શહેર નજીક જ આવેલી કૃષિ યુનિવર્સિટીનાં વર્લ્ડ મટીરીયોલોજીકલ ઓરગેનાઇઝેશન પ્રમાણિત સાધનો દ્વારા જે તાપમાન નોંધાયું છે તે ગુરૂવારે 4.5 ડીગ્રી હતું. આ વિસ્તાર ગ્રીનરીવાળો હોય તાપમાન શહેરથી થોડું ઓછું રહે છે. નવસારી શહેરનાં સીમેન્ટ કોંક્રીટવાળા વિસ્તારમાં આ તાપમાન થોડું વધુ રહેવાની શક્યતા હોવાનું હવામાન શાસ્ત્રી ડો.નિરજકુમારે જણાવ્યું છે. નવસારી શહેરમાં સરકારના સરિતામાપક વિભાગમાં તાપમાન માપવાનું બે-અઢી વર્ષથી બંધ થયું છે.