30 December 2018

નવસારી શહેરમાં દીપડાએ આંટાફેરા શરૂ કર્યા


નવસારી શહેરના હદ વિસ્તારમાં આવેલા જલાલપોરના ફાર્મહાઉસમાં છેલ્લા 15 દિવસથી દીપડો આંટાફેરા કરી રહ્યો છે અને અનેક કૂતરા દબોચી ગયો છે.

નવસારીની પશ્ચિમે શહેરના હદ વિસ્તારમાં જ જલાલપોર વિસ્તાર આવેલો છે. આ જલાલપોરમાં બોદાલી ગામને લાગુ મૂળત: સૌરાષ્ટ્રવાસી હાલ જલાલપોર અમૃતનગરમાં રહેતા બિલ્ડર હસમુખભાઈ પટેલ ઉર્ફે ‘બાલકભાઈ’નું ફાર્મહાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં ખેતીકામ ધીરુભાઈ નામનો વ્યક્તિ કરે છે. બાલકભાઈના આ ફાર્મ હાઉસમાં છેલ્લા 15 દિવસથી દીપડો આંટાફેરા કરી રહ્યો છે.

મળતી માહિતી મુજબ શરૂઆતમાં તો ફાર્મ હાઉસ માલિકને ફાર્મ હાઉસમાં આવતા એકલદોકલ કૂતરા ન દેખાતા કૂતરા અન્યત્ર ચાલી ગયાનું લાગ્યું હતું પરંતુ સતત એક પછી એક એમ વધુ કૂતરા ઓછા થતા શંકા ગઈ હતી. સાથોસાથ વાડીમાં પાણીવાળી જમીન ઉપર ‘મોટા પગલા’ પણ દેખાયા હતા. સાથોસાથ ફાર્મ હાઉસમાં ખેતી કરતા ધીરુભાઈએ નરી આંખે દીપડો જોતા આ જંગલી જાનવર આંટાફેરા કરી રહ્યાનું ચોક્કસ થયું હતું. જેને લઈને બાલકભાઈએ જંગલ વિભાગને જાણ કરતા એકાદ અઠવાડિયા અગાઉ ફાર્મ હાઉસમાં પાંજરુ મુક્યું હતું. જોકે હજુ દીપડો ઝબ્બે થયો નથી. આ ફાર્મ હાઉસ નજીક શેરડીના ખેતરો પણ આવેલા છે. અહીં ઉલ્લેખનીય છે કે, જલાલપોરના જે વિસ્તાર (ફાર્મહાઉસ)માં દીપડો દેખાયો છે એ બોદાલી ગામની લગોલગ વિસ્તાર છે અને નવસારી શહેરનો મધ્ય, હાર્દસમો વિસ્તાર નથી પરંતુ નવસારી શહેરની જ હદમાં આવે છે.

નવસારી મધ્યે આવવાના સિગ્નલ છે?
હાલ જે દીપડો દેખાયો છે એ જલાલપોર-બોદાલીની બોર્ડરે ખેતીવાળા વિસ્તારમાં છે. જોકે તે શહેરની હદમાં તો છે જ. હજુ સુધી શહેરની મધ્યે માનવવસતિથી ધમધમતા વિસ્તારમાં આવ્યો નથી. શું જલાલપોર વિસ્તારમાં દીપડો દેખાવો એ નવસારી શહેરની મધ્યે આવવાના સિગ્નલ તો નથી?

અગાઉ શહેર નજીક દેખાયો હતો
નવસારી શહેરમાં દીપડો દેખાયો હોય એવું અગાઉ બહાર આવ્યું ન હતું. જોકે શહેરને અડીને આવેલી કૃષિ યુનિવર્સિટીમાં ત્રણેક વર્ષ અગાઉ અનેક વખત દેખાયો હતો. આ ઉપરાંત શહેર નજીકના ચોવીસીના ખેત વિસ્તારમાં પણ દીપડો દેખાયો હતો.

બચ્ચુ પણ હોવાની ધારણા
જલાલપોરમાં દીપડાના પગલાં દેખાયા છે. એક બચ્ચુ હોવાની પણ ધારણા છે. બચ્ચાના પણ ફૂટપ્રિન્ટ જોવાયા હતા. દીપડો વાડ ઓળંગે ત્યારે તેના ‘વાળ’ પણ છોડી ગયાનું જણાયું છે. અગાઉ પાંજરુ મુકાયું હતું, તે ભાળી ગયો હોય તેમાં આવતો ન હતો. જેથી હવે નવુ પાંજરુ મુકી જગ્યા બદલી છે. - ચિંતન ગૌતમ મહેતા, વાઈલ્ડ લાઈફ એક્ટીવિસ્ટ, નવસારી

બેથી ત્રણ વખત નજરોનજર પણ જોવાયો
ફાર્મ હાઉસમાં ખેતી કરતા ધીરુભાઈએ બે-ત્રણ વખત દીપડાને જોયો છે. પરમ દિવસે પાંજરા નજીક જોયો હતો. 7થી 8 દિવસ અગાઉ રાત્રે પાણી વાળવા ગયા ત્યારે પણ જોયો હતો. હાલના દિવસોમાં જ દીપડો ફાર્મહાઉસમાં આંટાફેરા કરી રહ્યાનું જણાયું છે. - હસમુખભાઈ પટેલ, ફાર્મહાઉસના માલિક, જલાલપોર