31 December 2018

નવસારીમાં વધુ એક ગાર્ડન સ્નેહસાગરમાં નવું બનાવાયું


નવસારી શહેરમાં વધુ એક ગાર્ડન લાખોના ખર્ચે બનાવાયું છે. નવું ગાર્ડન વોર્ડ. 9ના સ્નેહસાગર વિસ્તારમાં બનાવાયું છે.

નવસારી શહેરમાં વધુ એક નવું ગાર્ડન બનાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર-9માં સ્નેહસાગર વિસ્તારમાં આ નવું ગાર્ડનનું લોકાર્પણ ધારાસભ્ય પિયુષ દેસાઇએ પાલિકા પ્રમુખ કાંતિભાઇ પટેલ, ગાર્ડન ચેરમેન શીલાબેન દેસાઇ વિગેરેની ઉપસ્થિતિમાં કર્યુ હતું. 22.50 લાખના ખર્ચે બનાવાયેલ આ નવીન ગાર્ડનમાં સ્થાનિક લોકોનો પણ આર્થિક સહયોગ મળ્યાનું શીલાબેન દેસાઇએ જણાવ્યું છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં શહેરમાં નવા ગાર્ડન બનવાની સાથે જુના ગાર્ડનને પણ નવા બનાવાઇ રહ્યાં છે. અજગરવાળો ગાર્ડન, લુન્સીકુઇ સ્થિત વિપુલ હિરેન પાર્ક, ફુવારાનો જ્યુબીલી પાર્કને ટીપટોપ બનાવાઇ રહ્યો છે. આ ઉપરાંત સરબતીયા તળાવ અને જલાલપોરના થાણા તળાવ ફરતે પણ ‘લેક ગાર્ડન’ બનાવાઇ રહ્યાં છે.

પિયુષભાઇને ‘પટેલ’ બનાવાયા
સ્નેહસાગરના નવીન ગાર્ડનનું લોકાર્પણ ઉદઘાટન ધારાસભ્ય પિયુષ દેસાઇએ કર્યુ હતું. જે અંગે ગાર્ડનની કાચી તક્તીમાં ઉદઘાટક તરીકે પિયુષ દેસાઇની જગ્યાએ પિયુષ ‘પટેલ’ ભૂલથી લખાઇ ગયું હતું. લોકાર્પણ વેળા તક્તી જોતાં રમૂજ પેદા થઇ હતી. જોકે સુધારા માટે તુરંત તકતી ઉતારાઇ હતી.