28 December 2018

નવસારીની સહારા ઇંડિયાની કચેરીમાં રોકાણકારોને કર્મચારીઓએ માર માર્યો


નવસારીમાં વિજલપોર ક્રેડીટ સોસાયટી કાચી પડ્યા બાદ વધુ એક ક્રેડીટ સોસાયટીમાં લોકોના લાખો રૂપિયા અટવાયા હોવાની વાતો ઉઠવા પામી છે. જેમાં ગુરુવારે નવસારીના છાપરા રોડ ખાતે આવેલી સહારા ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી લિ.માં પાકતી મુદ્દતે નવસારીના રોકારણકારને રૂપિયા ન આપી સોસાયટીના કર્મચારીઓએ માર મારતા હોબાળો થવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જાકે ઢળતી સાંજે બંને પક્ષોને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવા મોકલ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ.

મળતી માહિતી અનુસાર, નવસારીના માલાભાઇ પરમાર તથા અને નવીનભાઇ કુહાડિયાએ ૨૦૧૩ માં નવસારીના છાપરા રોડ ખાતે દેવલ કોમ્પલેક્ષમાં આવેલી સહારા ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી લિ. માં રોકાણ કર્યુ હતુ. દર મહિને રોકાણ કરતા માલાભાઈ અને નવીનભાઇની રોકણની મુદ્દત પુરી થતા આજે સહારા ક્રેડિટ સોસાયટીની ઓફિસે રૂપિયા ક્યારે મળશે એની પુછપરછ કરવા પહોંચ્યા હતા. જયાં તેમની અને સહારાના કર્મચારીઓ વચ્ચે કોઈક બાબતે માથાકૂટ થતા વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં સહારાના કર્મચારીઓએ માલાભાઈ, નવીનભાઈ અને નવીનભાઈના બે પુત્રોને માર મારતા હોબાળો થવા પામ્યો હતો. જેમાં નવીનભાઈના બંને પુત્રોને માર મારતા એકના કપડા પણ ફાટી ગયા હતા, જ્યારે અન્યને માથામાં ઇજા થઇ હતી. ઘટનાની જાણ કોઇકે પોલીસને કરતા નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને સાંભળ્યા બાદ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જાકે હોબાળા દરમિયાન દર મહિને ત્રણથી ચાર રોકાણકારો તેમના પાકતી મુદ્દતે રૂપિયા લેવા આવતા હોવાનુ અને તેમને પણ વાયદાઓ અપાતા હોવાનુ સ્થાનિકોએ જણાવ્યુ હતુ.

સહારાની ઓફિસમાં કાતર અને પત્થરો પડેલા હોય છે
એક રાજસ્થાની યુવાને સમગ્ર મામલે જણાવ્યું હતું કે, દર મહિને આવા ત્રણ ચાર કેસ આવે છે અને સહારાવાળા તેમને માર મારીને તગેડી મુકે છે. પરંતુ ગુરુવારે આ લોકોએ પણ સામે વિરોધ કરતા વાત બહાર આવી છે. જાકે બાદમાં પોલીસે સહારાની ઓફિસમાં જઇને જાતા ત્યાં માર ખાનારા રોકાણકારોના જણાવ્યાનુસાર, કાતર અને પત્થરો પડેલા જણાયા હતા. જેથી પોલીસે અોફિસમાં હાજર તમામના નામો પુછયા બાદ બંને પક્ષોને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જવાનું જણાવ્યુ હતુ. જાકે આ મુદ્દે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયા નોંધાઈ હોવાની માહિતી મળી શકી ન હતી.