1 January 2019

વિજલપોર શિવાજી ચોક પાસે જર્જરિત વીજ થાંભલો પડતા પુરવઠો ખોરવાયો


વિજલપોરનાં શિવાજીચોક પાસે આજે મોડી સાંજે ડીજીવીસીએલનો જર્જરીત લોખંડનો થાંભલો પાર્ક થયેલ રિક્ષા પર પડ્યો હતો. જોકે આ ઘટના ઘટી ત્યારે રિક્ષામાં કોઇ બેસેલું ન હતું. જેથી મોટી જાનહાનિ ટળી હતી. વીજપોલ થાંભલા ઉપર પડતા રીક્ષાનો ખુરદો વળી ગયો હતો.

વિજલપોરનાં શિવાજી ચોક પાસે સોમવારે સાંજે 4 થી 5 વાગ્યાનાં સુમારે રિક્ષા નં.જીજે.21.એક્ષ.1882 નાં ચાલક કોઇ મુસાફરને લઇને આવ્યો હતો અને આ રિક્ષા રસ્તા પર મૂકી કોઇ કામ અર્થે ત્યાંથી દૂર જતાં અકસ્માતે આ સ્થળે આવેલા લોખંડનો વીજ થાંભલો મૂળમાંથી જર્જરીત હોય તે ડાયરેક્ટ રિક્ષા પર પડી જતાં રિક્ષાનો ખૂરદો વળી ગયો હતો અને વીજ થાંભલા ઉપરનાં તાર પણ તુટીને રસ્તા ઉપર પડ્યા હતાં.જોકે આ જર્જરીત વીજ થાંભલો રસ્તા પર પડ્યો ત્યારે તે સ્થળે કોઇ ન હોય દુર્ઘટના ટળી હતી. જોકે આ બાબતે ત્યાનાં સ્થાનિકોએ જીઇબીને જાણ કરી હતી.

આ ઘટના બાદ જીઇબીનાં અધિકારીઓ ઘટનાં સ્થળે આવીને આ વીજલાઇનને રીપેર કરાવી હતી. રીપેરીંગ મોડે રાત સુધી ચાલતા અડધુ વિજલપોર શહેરમાં અંધાર પટ છવાયો હતો.

રિક્ષાચાલક માટે વળતરની વ્યવસ્થા કરી
વિજલપોર સબડિવિઝનનાં અધિકારી કમલેશ ગાંધીને પુછતા જણાવ્યું કે અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી ચાલતી હતી ત્યારે થાંભલા પરથી વીજ વાયરો કાઢી નંખાયા હતાં પણ અકસ્માતે થાંભલો પડી ગયો હતો. રિક્ષા ચાલકને જરૂરી વળતર મળે તે માટેની વ્યવસ્થા કરી છે.

વિજલપોરમાં આ વર્ષે 850 મીટર વીજળીના વાયરો અંડર ગ્રાઉન્ડમાં
વિજલપોર સબડીવીઝનમાં આ વર્ષે 850 મીટર અંડર કેબલ ગ્રાઉન્ડ માટે બજેટ પાસ થયું હતું અને હાલ હાલમાં 99 ટકા કામગીરી થઇ છે.