2 January 2019

દિકરીના લગ્નમાં જ પિતાનું જરૂરિયાતમંદ ‘કન્યાઓ માટે દાન’


પોતાની દિકરી માટે ‘કન્યાદાન’ તો બધા જ પિતા કરે છે પરંતુ પારકી દિકરીને પણ પોતાની ગણી તે કન્યાઓ માટે દાન કરે એવા ખૂબ ઓછા લોકો હોય છે. નવસારીમાં એક પિતાએ પોતાની સગી દિકરીના લગ્નના દિવસે જ પોતાની દિકરીને કન્યાદાન કરે તે અગાઉ જરૂરિયાતમંદ ગરીબ દિકરીઓને આ લગ્નમાં તેડી આ ‘કન્યાઓ માટે દાન’ કરી નોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

મૂળત: સૌરાષ્ટ્રના પાલીતાણા પંથકનાં બેચરભાઇ આહીર વરસોથી નવસારીના જમાલપોર વિસ્તારની શિવપાર્વતી સોસાયટીમાં રહે છે. ખેતીના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. ન્યુઝીલેન્ડમાં રહેતી તેમની દિકરી નેન્સીના 30મીને રવિવારે ઇટાળવા બીઆર ફાર્મમાં લગ્ન હતાં. આ લગ્નમાં બેચરભાઇએ તેમના સગાવ્હાલા મિત્રો તથા અન્યોને તો આમંત્રણ આપ્યું જ હતું પરંતુ સાથોસાથ વિરવાડી સ્થિત કન્યા છાત્રાલયમાં રહેતી જરૂરિયાતમંદ કન્યાઓને પણ લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ તો આપ્યું સાથે પોતાનાં પરિવાર સાથે ફોટાઓ પણ પડાવ્યા હતાં. ઉલ્લેખનીય બાબત તો એ હતી કે બેચરભાઇએ લગ્નમાં પોતાની દિકરીને કન્યાદાન કર્યુ તે પહેલાં લગ્નમાં આવેલી વીરવાડીની જરૂરિયાતમંદ ‘કન્યાઓ માટે 1 લાખનું દાન’ કર્યુ હતું.

આ પારકી દિકરીઓને પોતાની ગણી કરેલ દાને સમાજ માટે નોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ સમયે વિરવાડી ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઇ ધોરાજીયા, ટ્રસ્ટી જીતુભાઇ પટેલ (ઉદ્યોગનગર) વિગેરે પણ હાજર રહ્યાં હતાં.અહીં ઉલ્લેખનીય છે કે વિરવાડીની કન્યા છાત્રાલયમાં તરછોડાયેલી, મુશ્કેલીમાં મુકાયેલ કન્યાઓનાં ભણતર સહિતનો ભણતર સહિતનો ઉછેર કરાવાય છે.

આ અનોખા દાન અંગે વીરવાડી ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઇ ધોરાજીયાએ જણાવ્યું કે, ‘બેચરભાઇએ પોતાની દિકરીનાં લગ્નમાં જરૂરિયાતમંદ વિરવાડીની કન્યાઓ માટે ‘દાન’ કરી સમાજ માટે પ્રેરણાદાયી કામ કર્યુ છે.’

જેનું કોઇ નથી તેને કંઇક આપ્યું
મને દિકરીઓ ખૂબ જ વ્હાલી છે. મને ખબર હતી કે જીતુભાઇ અશોકભાઇ (ધોરાજીયા) વીરવાડીમાં મા-બાપ વગરની જરૂરિયાતમંદ દિકરીઓ માટે સંસ્થા ચલાવે છે. તેને માટે ખર્ચો કરે છે. તેથી મને થયું કે મારી પાસે તો પૈસા છે તેથી મારી દિકરી માટે તો હું ખર્ચ કરું જ છું. પરંતુ જેનું કોઇ નથી તેને પણ કંઇક આપું એવું મને થતાં દાન આપ્યું છે. - બેચરભાઇ આહિર, જમાલપોર