3 January 2019

નવસારીમાં પાણીનાં બોરનું સ્થાનિકોએ જ ખાતમૂહુર્ત કર્યુ


નવસારીનાં રેલરાહત કોલોની ખાતે પાણીની અછત નિવારવા માટે પાણીના બોર માટે ગત માસે મુલાકાત લેવા આવેલા સાંસદ સી.આર.પાટીલને રજૂઆત કરી હતી, જેથી આજરોજ બોર માટેનું મશીન આવતા સ્થાનિકોએ ખાતમૂહુર્ત સ્વહસ્તે કર્યુ હતું. આ બોર થવાથી દશેરા ટેકરીનાં રેલરાહત કોલોનીમાં 3000 થી વધુ લોકોની પાણીની અછત દૂર થશે. આ બોર પાલિકા હસ્તક જ રહેશે અને પાણી વિતરીત કરશે.

નવસારીનાં સાંસદ સી.આર.પાટીલ ગત ઓગષ્ટ માસમાં દશેરા ટેકરીમાં બનતા પ્રધાનમંત્રી આવાસના નિરીક્ષણ માટે આવ્યા હતાં. ત્યારે રેલરાહત કોલોની વિસ્તારનાં નિલેશ ગુરવ, અશોકભાઇ મનિષાબેન, ભરત પટેલ, મનિષ રાઠોડ સહિત સ્થાનિકોએ સાંસદને પાણીની તકલીફ બાબતે રજૂઆત કરી હતી. જે બાબતે ગતરોજ નવસારી પાલિકા દ્વારા સ્થાનિક કાર્યકર નિલેશભાઇને જાણ કરી હતી કે બોર માટે મશીન આવવાના છે. આજરોજ સવારે 8 વાગ્યાનાં સુમારે બોર ખોદાણ માટેના મશીન આવતા સ્થાનિકોએ તેમનું સ્વાગત કર્યુ હતું અને જે સ્થળે ખોદકામ કરવાના હતાં તે સ્થળે કંકુ ચોખા તથા નાળિયેર ફોડીને સ્થાનિક મહિલાઓએ ખાતમૂહુર્ત કર્યુ હતું. આજરોજ રેલરાહત કોલોનીમાં પાણીની સમસ્યા ટૂંક સમયમાં દૂર થશે તેમ હોય આનંદનો માહોલ છવાયો હતો.

નવસારી શહેરમાં પણ નવસારી પાલિકા દ્વારા હાલ એક જ ટાઇમ બોર મિશ્રિત પાણી વિતરણ થઇ રહ્યું છે. જેમાં ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી છે. ત્યારે નવસારીના ધારાસભ્ય પણ જ્યાં સમસ્યા છે ત્યાં પાણીનાં બોર ખોદાવીને લોકચાહના પ્રાપ્ત કરે તેવી માંગણી ઉઠી છે.

300 ફૂટ ઉંડો બોર, રૂ.8 લાખનો ખર્ચ
દશેરા ટેકરીનાં રેલરાહત કોલોનીમાં સાંસદનાં અનુદાનથી બનનાર આ બોર 300 ફૂટ ઉંડો ખોદાશે. તેની અંદર મોટા પાઇપો મુકાશે. ત્યારબાદ જૂની પાણીની લાઇનનું કનેક્શન આ જોડાણમાં અપાશે. અંદાજે રૂ.8 લાખની ગ્રાંટમાંથી બનનારા આ બોરથી કાયમ માટે રેલરાહત કોલોનીના લોકોને પાણીની સમસ્યાથી મુક્ત થશે.

વર્ષોની પાણીની સમસ્યા દૂર થશે
ગત ઓગષ્ટ માસમાં સાંસદ સી.આર.પાટીલને પાણીની સમસ્યા દૂર કરવા રજૂઆત કરી અને તેમણે તેમની ગ્રાંટમાંથી બોર ખોદાવી આપવા જણાવ્યું તે આજે પુરી થઇ છે. આ બોર ખોદાવાથી 350 થી વધુ ઘરોને પૂરા ફોર્સથી પાણી મળશે. વર્ષોની પાણીની સમસ્યા દૂર થશે. - નિલેશ ગુરવ, રહીશ રેલરાહત કોલોની