5 January 2019

ડૂબી ગયેલા યુવાનની ભાળ 25 કલાકે પણ નહીં


વિજલપોરના રામનગર સ્થિત ચંદન તળાવમાં ડૂબેલા યુવાનની ભાળ શુક્રવારે 25 કલાકે પણ મળી ન હતી. યુવાનને શોધવા સુરતની રેસ્ક્યુ ટીમ તળાવમાં ઉતરી હતી.

વિજલપોરના રામનગર સ્થિત ચંદન તળાવમાં આંબેડકરનગર ખાતે રહેતો 46 વર્ષીય બબલુ ઉર્ફે અજય શર્મા ગુરૂવારે સાંજે પાંચેક વાગ્યે ડૂબી ગયાની વાત બહાર આવી હતી. ગુરૂવારે યુવાનને ખોજવા નવસારી-વિજલપોર પાલિકાનાં ફાયરના યુવાનોએ જહેમત આદરી હતી પરંતુ ભાળ મળી ન હતી.

આજે શુક્રવારે સુરત મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમનાં જવાનોને સાધનો સાથે બોલાવાયા હતાં. સવારે 7 વાગ્યાથી આ રેસ્ક્યુ ટીમે તળાવમાં ઉતરી ડૂબી ગયેલા યુવાનને શોધવાની કામગીરી શરૂ કરી હતી. શુક્રવારે આખો દિવસ સાંજ સુધી આ ટીમે અનેક નવા સાધનો સાથે તળાવભરમાં ઘૂમી યુવાનની ભાળ મેળવવાની જહેમત આદરી હતી. આમ છતાં સાંજે 6 વાગ્યા સુધીમાં યુવાનની ભાળ મળી ન હતી. ઘટના બન્યાનાં શુક્રવારે સાંજે 25 કલાક થયા છતાં ભાળ મળી નથી. શનિવારે પણ ખોજવાની કામગીરી જારી રહેવાની માહિતી મળી છે.

ચંદન તળાવનું પાણી ઘેરાયેલું છે અને ઠંડુ છે તેથી ફ્રિઝરનું કામ કરી રહ્યું છે. આ સ્થિતિમાં ડૂબી ગયેલાનું શરીર ખરાબ થતું નથી અને શરીર ઉપર પણ જલદી આવતું નથી. જેથી ખોજવામાં મુશ્કેલી પડે છે. તળાવ 15 ફૂટ ઉંડું હોવાનું પણ જાણવા મળે છે.