6 January 2019

નવસારીમાં ૧૦૦ કરોડનાં ખર્ચે બનતા એસ.ટી. ડેપોનું બાંધકામ હાલ ઠપ્પ


નવસારીમાં રૂ. ૧૦૦ કરોડનાં ખર્ચે અદ્યતન એસ.ટી. ડેપો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં મલ્ટીપ્લેક્ષ, ફૂડ પ્લાઝા, શો-રૂમ, ગેમીંગ ઝોન સહિતની આધુનિક સુવિધાઓ રહેશે. જોકે, સ્ટ્રક્ચરની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી છેલ્લા એક મહિનાથી ડેપોનું કામ ઠપ્પ થયું છે.

નવસારી ખાતે રૂ. ૧૦૦ કરોડનાં ખર્ચે આધુનિક સુખ સુવિધાયુક્ત અદ્યતન એસ.ટી. ડેપોના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. રાજ્યમાં આવેલા મોટા ડેપોમાં નવસારી ડેપોની ગણના થાય છે. દરરોજ ૭૭ શિડયુલ દ્વારા ૩૩ હજાર કિલો મીટર રનીંગનું સંચાલન નવસારી ડેપો થકી થાય છે. વલસાડ વિભાગીય નિયામક કચેરી હસ્તકમાં આવતાં ડેપો પૈકી નવસારી ડેપો સૌથી મોટો ગણાય છે. રાજ્ય સરકારે જ્યારે રાજ્યનાં મોટા એસ.ટી. ડેપોનાં નવનિર્માણ પીપીપી ધોરણે કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં અમદાવાદનાં ગીતા મંદિર, સુભાષ બ્રિજ, મહેસાણા, અડાજણ, વડોદરાનાં મકરપુરા, નડિયાદ અને નવસારીનો સમાવેશ થાય છે. જે પૈકી કેટલાંક ડેપો બની ગયા છે. જ્યારે કેટલાંક નિર્માણાધીન છે.

છેલ્લા કેટલાય વર્ષોથી નવસારીનો એસ.ટી. ડેપો સબજેલની સામે કાર્યરત છે. ડેપો ઉત્તર દક્ષિણ એમ બે સ્થળે વિભાગમાં આવેલ છે. જેમાં દક્ષિણમાં ડેપોનું સંચાલન થતું આવ્યું છે. જ્યારે ઉત્તરમાં તેનો વર્કશોપ સહિતની કામગીરી થાય છે. હાલમાં ઉત્તરે ડેપોને હંગામી ધોરણે બનાવી ચલાવામાં આવી રહ્યો છે. દક્ષિણ દિશામાં નિર્માણધીન નવા ડેપોનું કામ છ મહિનાથી ચાલી રહ્યું છે. આ ડેપો મલ્ટીપ્લેક્સ બોડીંગ, એલઆઈડી, ટુરિસ્ટ ઈન્ફોરમેશન સેન્ટર, વહીવટી ઓફીસ, જનરલ બેઠક વ્યવસ્થા, કેન્ટીન, બેઝમેન્ટ, વોટરરૂમ ડોરમેટરી, મુસાફરો માટે ટોયલેટ-બાથરૂમ, સ્ટાફ માટે રૂમ, કંટ્રોલ કેબીન, મોનીટરીંગ રૂમ, સીસીટીવી, ગેમીંગઝોન,શો રૂમ-બેઝમેન્ટ પાર્કીંગ, ફૂડકોર્ડ, પ્લાઝા વગેરે સુવિધાઓ રહેશે. આ કામગીરી ડી.આર.અગ્રવાલ નામની એજન્સી કરી રહી છે. જેનો અંદાજીત ખર્ચો રૂ. ૧૦૦ કરોડ (૧ અબજ) થવાનો છે.

સ્ટ્રક્ચરની ડિઝાઈનમાં થયો છે ફેરફાર
નવસારી ખાતે નિર્માણધીન એસ.ટી. ડેપોનું કામકાજ છેલ્લા એક મહિનાથી બંધ કરવામાં આવ્યું છે. જેનાં કારણોમાં ઈજારદાર કંપનીને કામનાં રૂપિયા સમયસર ચુકવવામાં નહીં આવતાં હોવાથી કામ બંધ કર્યું છે. જ્યારે બીજી ચર્ચામાં બાંધકામ સંબંધી કોર્ટ મેટર થઈ હોવાથી મનાઈ હુકમ થયો હોવાનાં કારણે કામ બંધ થયું છે એવી ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે આ બાબતે વલસાડ વિભાગીય નિયામક કચેરી સ્થિત આ કામ જોનાર છે. એસ.ટી. નાં ડેપ્યુટી ઈજનેર પરેશભાઇ પટેલને પુછતા તેમણે જણાવ્યું કે ટાયટલ ક્લીયર છે. કોઈ કોર્ટ મેટર નથી. કામ બંધ થવા અંગે તેમણે કહ્યું કે, બાંધકામની સ્ટ્રક્ચર ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની મંજૂરી આવ્યા બાદ કામ શરૂ થશે. અન્ય કોઈ કારણ નથી!