6 January 2019

ઝવેરીસડક પર કચરાપેટી છતાં જાહેરમાં જ કચરો નાંખતા લોકો


નવસારીના ઝવેરી સડક વિસ્તારમાં કચરાપેટી નવસારી પાલિકા દ્વારા મુકી હોવા છતાં લોકો જાહેરમાં કચરો નાંખતા આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભુ થયું છે. જેથી અહીંથી પસાર થતા લોકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. હાલમાં નવસારી પાલિકા દ્વારા ‘નો ડસ્ટબીન’ એરિયા માટે અભિયાન ચલાવે છે ત્યારે ઝવેરી સડક વિસ્તાર કચરાથી ખદબદી રહ્યો છે.

નવસારી શહેરમાં સ્વચ્છતા અભિયાન માટે પાલિકા સારી કામગીરી કરી રહી છે. જેમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવા માટે વાહન દરેક વિસ્તારમાં આવે છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા શહેરોમાં સ્વચ્છતા અભિયાન સર્વેક્ષણ ચલાવાઈ રહ્યું છે. જેમાં શહેરીજનોને કચરો નાંખવા બાબતે માર્ગદર્શિકા આપવામાં આવી છે અને ઠેર ઠેર સ્વચ્છતાને લગતા બેનરો-પોસ્ટરો મુકવામાં આવ્યા છે ત્યારે નવસારીના ઝવેરી સડક વિસ્તારમાં આવેલા વીણા ચેમ્બર્સની બાજુમાં નગરપાલિકાએ કચરાપેટીએ મુકી હોવા છતાં લોકો તેમાં કચરો નાંખતા નથી અને બહારની તરફ નાંખી જતા કચરાપેટીની આસપાસ ગંદકી જમા થતી હોય છે અને તેને લીધે ગાય-કૂતરા આવીને તે વિસ્તાર વધારે પ્રદુષિત કરી રહ્યા છે.

સુકો-ભીનો કચરો અલગ આપવો
નવસારી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેરમાં અપીલ કરાઈ હતી કે 25મી ડિસેમ્બર પછી પાલિકા દ્વારા આપવામાં આવેલા સૂકા-ભીના કચરા માટેના ડસ્ટબીનમાં અલગ અલગ કચરો ડોર ટુ ડોર કચરો ઉઘરાવનાર કર્મચારીઓને આપો પરંતુ આ અપીલનું પણ નવસારી પાલિકા કરાવી શકી નથી.