7 January 2019

નવસારીમાં રીક્ષા ચાલકની ઇમાનદારી, પાંચ લાખ ભરેલી બેગ પરત કરી


નવસારીમાં એનઆરઆઇ રીક્ષામાં ૫ લાખની મત્તાનું બેગ ભુલી ગયા હતા. જેને રીક્ષા ચાલકે એનઆરઆઇ મુસાફરોનો પત્તો લગાડી તે બેગ પરત કરતા આભાર માન્યો હતો.

નવસારીના દશેરા ટેકરીમાં રહેતા અનિલભાઇ ચંપકભાઇ દંતાણી છેલ્લા ૧૦ વર્ષથી રીક્ષા ચલાવે છે. ગત ૩જીએ અનિલભાઇએ સાંઢકુવા થી ૩ એનઆરઆઇ મુસાફરોને બેસાડ્યા હતા. અને તે ૩ એનઆરઆઇ મુસાફરો ત્રણ બેગ લઇને બેઠા હતા. જેને અનિલભાઇએ શાંતાદેવી રોડ પર તેમના ઘર પાસે ઉતાર્યા હતા. ત્યારે તે એનઆરઆઇ ત્રણ બેગ પૈકી બે બેગ લઇને રીક્ષાભાડુ ચુકવી રીક્ષામાંથી ઉતરી ગયા હતા. થોડા સમય બાદ અનિલની નજર સીટની પાછળ મુકેલા બેગ ઉપર ગઇ હતી. અને અનિલભાઇએ તે બેગમાં તપાસ કરી હતી. જેમાં ભગવાનના ફોટા, સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા અને જરૂરી કાગળો હતા. જેથી અનિલભાઇએ તે બેગ એનઆરઆઇ મુસાફરોને પરત આપવા માટે રીક્ષા એસોસિએશનના પ્રમુખને વાત કરી હતી. અને તે એનઆરઆઇ મુસાફરોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. અનિલભાઇએ જ્યાં એનઆરઆઇ મુસાફરોને ઉતાર્યા હતા. ત્યાં જઇને તપાસ કરી હતી. પરંતુ ત્યાં તેમનું ઘર બંધ મળ્યું હતુ.

૨ દિવસબાદ રવિવારે સવારે અનિલભાઇ પરત તે એનઆરઆઇના ઘરે ગયા ત્યારે બેગ ગુમ થઇ હોવાની ચિંતામાં બેસેલા એનઆરઆઇ કૌશિકભાઇ ઝવેરી અને તેમનો પરિવાર અનિલભાઇને જોઇને આર્શ્ર્યચકિત થઇ ગયા. અનિલભાઇએ તે બેગ એનઆરઆઇ કૌશિકભાઇને પરત કરતા કૌશિકભાઇએ અનિલભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો. અને ઇનામ સ્વરૂપે અનિલભાઇને રોકડ રૂપિયા આપ્યા હતા.

આ વાતની જાણ નવસારીના રીક્ષા એસોસિએશનને થતા તેમણે અનિલભાઇને સન્માનિત કરી બિરદાવ્યો હતો. તેમજ સમગ્ર દેવીપુજક સમાજના લોકોએ અનિલભાઇને બિરદાવ્યો હતો.