8 January 2019

છેલ્લાં 2 વર્ષથી 3.75 કરોડના બ્લોકપેવિંગના કામો માત્ર કાગળ પર, છતાં વધુ 1 કરોડના કામોને


નવસારી નગરપાલિકાનાં સત્તાધીશો લોકોને સગવડ આપવાનાં બહાને લોલીપોપ આપી રહ્યાં હોય તેવો માહોલ ઉભો થઇ રહ્યો છે. 2 વર્ષ પહેલાના પોણા ચાર કરોડના જુના બ્લોક ઉખાડી નવા નાંખવાની કામગીરી શરૂઆત શુધ્ધા કરાઇ નથી. ત્યાં રૂ.1 કરોડનાં નવા બ્લોકપેવીંગના કામો કરવાના તખ્તો ઘડી કાઢ્યો છે. ‘મુંગેરીલાલ કે હસીન સપને’ ની માફક પાલિકા સત્તાધીશોના અણઘડ વહીવટથી હજીય કેટલા વિસ્તારોમાં જરૂરી બ્લોકપેવીંગના કામો નહીં કરતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અગાઉ નવસારી શહેરમાં રસ્તાના કામો જ થતાં હતાં પરંતુ 12-15 વર્ષથી મોટું બજેટ બ્લોકપેવીંગના કામો પાછળ પણ ખર્ચવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાનાં ખર્ચે માર્ગને લાગુ જગ્યા તથા રહેણાંક વિસ્તારોમાં પણ બ્લોકપેવીંગ કરવામાં આવ્યા છે. જોકે છેલ્લાં કેટલાક સમયથી શહેરમાં બ્લોકપેવીંગના કામોમાં બ્રેક લાગી ગઇ છે. પાલિકાએ કરોડો રૂપિયાનાં બ્લોક પેવીંગના કામો મંજુર તો કર્યા પરંતુ કામ થયા નથી.

મળતી માહિતી મુજબ છેલ્લાં 2 થી 3 વર્ષમાં નવસારી પાલિકાની પબ્લીક વર્કસ કમિટી તથા સામાન્ય સભામાં પણ 55 થી વધુ બ્લોકપેવીંગના કામો કરવાને મંજૂરી અપાઇ હતી. જે માટે 3.75 કરોડ (પોણા ચાર કરોડ) નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. એક યા બે વોર્ડ નહીં પરંતુ શહેરનાં તમામ 11 વોર્ડના કામો તેમાં લેવામાં આવ્યા હતાં. કમિટી તથા સભામાં ઠરાવ કરી ઉક્ત કામોને મંજૂરી તો અપાઇ પરંતુ કામ હજુય કરવામાં આવ્યા નથી. જે બ્લોકપેવીંગના કામો મંજૂર કરાયા છે. તેમાં મહત્તમ કામો શહેરમાં જે વર્ષો પહેલા બ્લોક નંખાયા હતાં અને જૂના થઇ ગયા છે. તેને ઉખેડી નવા નાંખવાનાં કામો છે. મંજુર થયેલા કામો ઘણા સમયથી નહીં કરાતા કાઉન્સીલરોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. મંજૂર થયેલ કામો શરૂ ન કરાતા સવાલો પણ ઉભા થઇ રહ્યાં છે. નવસારી પાલિકામાં બ્લોકપેવીંગના કામોને મંજૂરી આપી કરવામાં નોખો જ ચીલો જોવા મળી રહ્યો છે. જૂના કરોડોના કામો તો થતાં નથી અને નવા-નવા કામોને કાગળ ઉપર મંજૂરી અપાઇ રહી છે. જ્યાં પોણા ચાર કરોડનાં કામો કાગળ ઉપર જ છે ત્યાં વધુ કરોડના કામોને મંજૂરી અપાઇ હતી.

બ્લોકના કામોમાં સતત વિવાદો
ભૂતકાળમાં પાલિકામાં બ્લોકપેવીંગના કામોને લઇ પબ્લીક વર્કસ કમિટી વિવાદોમાં રહી હતી. જુના બ્લોકો ક્યાં જાય છે, વગદારોને બ્લોકપેવીંગનું કામ આપવું, બ્લોકોની ગુણવત્તા, વિપક્ષની અવગણના થવી સહિતના અનેક આક્ષેપો થયા હતાં અને કલેક્ટરાલયમાં ફરિયાદો પણ થઇ હતી. જોકે પાલિકામાં ચેરમેન બદલાયા છે અને જયંતિ ગોપાણીના સ્થાને કર્ણ હરિયાણી આવ્યા છે ત્યારે કમિટીની છાપ સુધરશે ખરી?

કોણીએ ગોળ ચોંટાડવા જેવી વાત
કેટલાક કામો 5 વર્ષ અગાઉ મંજૂરી અપાઇ, તે કરાયા નથી અને નવા મંજૂર કરાય છે તે ‘કોણીએ ગોળ ચોંટાડવા’ જેવી વાત છે. -પિયુષ ઢીંમ્મર, વિપક્ષી કાઉન્સીલર, નવસારી પાલિકા

અગ્રીમતાના ધોરણે કામો કરાશે
મંજૂર કામો તો કરવાનાં જ છે. પરંતુ અગ્રીમતાના ધોરણે ક્રમશ: કામો થશે. મંજૂર કામોનો એસ્ટીમેટ વધુ છે. આ કામ ગ્રાંટ અને સ્વભંડોળમાંથી થશે. -કાંતિભાઇ પટેલ પ્રમુખ, નવસારી પાલિકા