13 January 2019

પતંગની દોરીના વીજતાર સાથે પેચ, વિજલપોરમાં અંધારપટ


નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરના કેટલાય વિસ્તારમાં વીજતાર ઉપર પતંગ ભેરવાય જતા બે પ્રવાહ સાથે થવાને કારણે બે જગ્યાએ ફોલ્ટ થતા સાંજના વીજપુરવઠો ખોરવાયો હતો. જેના કારણે લોકો પરેશાન થયા હતા. બે કલાક સુધી અંધારપટને કારણે સાંજના સમયે ગૃહિણીઓની સ્થિતિ બગડી હતી.

નવસારી શહેરને અડીને આવેલા વિજલપોર શહેરમાં બે અલગ અલગ જગ્યાએ વીજફોલ્ટ થતા 20 હજારથી વધુ લોકોના ઘરોમાં અંધારપટ છવાયો હતો. સાંજે 5.00 કલાકની આસપાસ આ ઘટના ઘટી હતી. વનગંગા સોસાયટી અને છાપરા નજીક બે જગ્યાએ ફોલ્ટ થયો હતો. જેના કારણે વિજલપોર શહેરના લોકોએ સાંજના સમયે અંધારપટ સહન કરવું પડ્યું હતું. હાલ ઉત્તરાયણનો માહોલ છે ત્યારે શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ થવાની શક્યતા છે. વીજપોલ વીજ કંપનીના અધિકારીઓએ વીજતાર ઉપરની દોરી કે પતંગ નહીં ખેંચવા અંગે કેમ્પેઈન શરૂ કર્યું હતું પરંતુ તે અંગે લોકજાગૃતિનો અભાવ જણાઈ રહ્યો છે અને તેના કારણે જ વિજલપોર તતા નવસારીમાં પણ વીજફોલ્ટ થતા વીજ ડુલ થવાના બનાવો બની રહ્યા છે. જોકે, વીજ કંપનીના અધિકારીઓએ પાવર કટ બે કલાકની મહેનત બાદ વિજલપોરનો વીજ પુરવઠો પુન: કાર્યરત કર્યો હતો.

સ્કૂલોમાં કેમ્પેઈન પણ કરાયું હતું
વિજલપોર સહિત નવસારીમાં આવેલી સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉત્તરાયણમાં અકસ્માતથી બચવા માટેનું કેમ્પેઈન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ઉત્તરાયણમાં વીજતાર ઉપર લટકેલી દોરી અને પતંગથી દૂર રહેવા તાકીદ કરાઈ હતી. વીજતાર ઉપર લાગેલી દોરી અને પતંગથી કેટલીક વખત મોટી દુર્ઘટના થવાની શક્યતા અંગે પણ વીજ કંપનીના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.

પતંગની દોરી કાઢવા જતા ઘટના બની
વિજલપોર વીજ કંપનીના કર્મચારીઓ જ્યારે ફોલ્ટ શોધીને રિપેર કરવા પહોંચી ત્યારે વીજતાર ઉપર પતંગ અને દોરી લટકેલા હતા. કોઈકે તે ખેંચતા બે ફેઈસ સાથે મળી જતા ફોલ્ટ થતા વીજપુરવઠો ખોરવાયો હતો.

આ વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો
વિજલપોર શહેરમાં અલકાપુરી સોસાયટી, શિવાજી ચોક, વનગંગા સોસાયટી, વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જેના કારણે લોકોએ 5થી 7 કલાક સુધી હાલાકિ વેઠવી પડી હતી.

ફોલ્ટ શોધી વીજપુરવઠો શરૂ કરાયો
ફોલ્ટ શોધી કાઢીને લોકોને તાત્કાલિક વીજપુરવઠો મળે તે હેતુથી કામગીરી કરી વીજપુરવઠો શરૂ કરાયો હતો. જોકે પતંગરસિકોએ પણ વીજતાર ઉપરથી દોરી ખેંચવું નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.કમલેશ ગાંધી, ડેપ્યુટી એન્જિનિયર, વિજલપોર સબડિવિઝન

સાંજનો શિડ્યુલ ખોરવાયો
વીજપાવર સાંજના 5.00 વાગ્યાની આસપાસ જવાથી રસોઈ બનાવવાની તકલીફ પડી હતી. જોકે, મોડે મોડે પણ પાવર આવતા રાહ થઈ હતી. જોકે સાંજનું શિડ્યુલ ખોરવાઈ ગયો હતો.ધર્મિષ્ઠાબેન માલી, વિજલપોર

જનતાએ આ મુદ્દાઓ પર ધ્યાન રાખવું
- કોઈપણ વીજલાઈન ઉપર પતંગ ભેરવાય તો ખેંચવું નહીં
- ઝંડા લઈને પતંગ પકડવા જાય છે તો ઘણી વખત લોખંડની વસ્તુનો ઉપયોગ ન કરવો.
- થાંભલા ઉપર કે ટ્રાન્સફોર્મર ઉપરથી ભેરવાયેલો પતંગ પાડવા ચઢવું નહીં.
- ઘરની બારી કે અગાસી ઉપરથી પણ ડંડાથી પતંગ પકડવું નહીં.
- જો ચાઈનીઝ દોરી હોય તો કરંટ લાગવાની શક્યતા છે.
- દોરીથી ગળું કે શરીરનું અંગ કાપવાની શક્યતા છે.
- બે વીજતારના ફેઝ ભેગા થાય ત્યારે ફોલ્ટ થાય છે તો વીજળી બંધ થાય છે.