13 January 2019

ગ્રીડ હાઈવે પર ટેમ્પો રેલિંગ તોડી રોંગ સાઈડ પર ધસી કાર સાથે અથડાઈ પડ્યો


નવસારીના ગ્રીડ સ્વામીનારાયણ મંદિરની સામે પસાર થતા હાઈવેના મુંબઈથી અમદાવાદ ટ્રેક પર શનિવારે સવારે યાર્ન ભરી જતા આઈસર ટેમ્પોચાલકે પોતાનો ટેમ્પો પૂરઝડપે હંકારતા રેલિંગ તોડીને બીજા ટ્રેક મુંબઈથી અમદાવાદ જતા બુટવાલા પરિવારની ઈનોવા કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતને પગલે ટેમ્પો ઉંધો વળી જતા રસ્તા પર યાર્નના ઢગલા થયા હતા. જોકે ટેમ્પોચાલક ગભરાઈને ઘટનાસ્થળેથી ભાગી ગયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.

મુંબઈ ખાતે રહેતા હકુમુદ્દીન જેનુદ્દીન બુટવાલા તેમના પરિવાર સાથે ઈનોવા કાર (નં. એમએચ-01-ડીબી-7956) લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ને.હા.નં. 48 ઉપર સવારે 6થી 7 વાગ્યાના સુમારે સ્વામીનારાયણ મંદિર પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા એ વેળાએ અચાનક બાજુની મુંબઈથી અમદાવાદ ટ્રેક ઉપર યાર્ન ભરેલો આઈસર ટેમ્પો (નં. ડીએન-09-જેકે-9446)ના ચાલકે ટેમ્પો પૂરઝડપે હંકારીને લોખંડની રેલિંગ તોડીને રોંગ સાઈડ પર આવી જઈ તેમની કારને ટક્કર મારી ઉંધો વળી ગયો હતો.

આ અકસ્માતને પગલે ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો યાર્નના પાર્સલો રસ્તા ઉપર પડી ગયા હતા. આ અકસ્માતને પગલે ટેમ્પોચાલક ઘટનાસ્થળે ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો. જોકે, ત્યાં રહેલા ચાલકોએ યાર્નને એક બાજુએ મુકીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કર્યો હતો. આ ઘટનામાં બુટવાલા પરિવારમાં કોઈને પણ ઈજા થઈ ન હતી. મુંબઈના હકુમુદ્દીન બુટવાલાએ અજાણ્યા ટેમ્પો ચાલક વિરૂદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હે.કો. એ.કે. પરમારે હાથ ધરી છે.

અકસ્માતને કારણે આખો દિવસ ટ્રાફિક જામ જેવી સ્થિતિ બની
નવસારીના ગ્રીડ ખાતે અકસ્માતની ઘટનામાં આઈસર ટેમ્પોચાલક યાર્ન ભરી સુરત તરફ જતો હોવાના ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. અકસ્માતમાં ટેમ્પો ઉંધો વળી જતા તે ઘટનાસ્થળેથી ભાગી ગયો પરંતુ યાર્ન રસ્તા ઉપર ફેલાઈ ગયા હતા. જેના કારણે અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક ઉપર યાર્ન જ દેખાતા હતા. જોકે સમયસૂચકતા વાપરીને કેટલાક વાહનચાલકોએ આ યાર્નનો ટેમ્પો પાસે ઢગલો કરીને ટ્રાફિકજામ ન થાય તે માટેની સગવડ કરી હતી. આ અકસ્માત બાદ હાઈવેના ત્રણ લેન પૈકી માત્ર એક જ લેનમાંથી જ વાહનો પસાર થતા હોય બપોર સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.