17 January 2019

નવસારી પાલિકાની ઈ નગર યોજના શરૂ ઘર બેઠા બેઠા શહેરીજનોને સીધો લાભ થશે


નવસારી નગરપાલિકા દ્વારા ઈ-નગર યોજના અંતર્ગત લોકોને ઘરબેઠા સુવિધા મળે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. enagar.gujarat.gov.in પોર્ટલ બનાવી પાલિકાએ લોકો સમક્ષ ખુલ્લી મુકી તેનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. જાન્યુઆરીના પ્રારંભથી જ તેનો પ્રારંભ થયો હોવા છતાં આજદિન સુધી શહેરની 25 જેટલી હોસ્પિટલો તેનો લાભ લેવાનું શરૂ કર્યુ છે, જ્યારે અન્ય જનતાએ તેમાં રસ નહીં દાખવતા પાલિકાના અધિકારીઓ માટે આ બાબત ચિંતાજનક સાબિત થવાના એંધાણ છે. પાલિકા સત્તાધિશો દ્વારા આ પોર્ટલ અંગે લોકજાગૃતિ કેળવવાનો યોગ્ય પ્રયાસ નહીં કરાતા લોકો સુવિધાથી વંચિત રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. 15 દિવસમાં જન્મ મરણની અંદાજે 500 નોંધણી કરવામાં આવી છે.

આધુનિક યુગમાં હવે લોકોને ઘરબેઠા સુવિધા મળે તેવા હેતુ સાથે સરકાર દ્વારા ઈનગર યોજના અમલમાં મુકી છે. જેમાં જન્મ-મરણ, લગ્ન, દુકાન લાયસન્સ, પ્રોફેશનલ ટેક્સ, કમ્પ્લેઈન એન્ડ ગ્રીવનન્સીસ સેવા ઓનલાઈન કરવામાં આવી છે પરંતુ લોકજાગૃતિના અભાવે કે લોકો સુધી તે અંગે પૂરી માહિતી નહીં હોવાના અભાવે સરકાર કે પાલિકાનો હેતુસર થયો નથી. enagar.gujarat.gov.in પોર્ટલ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પોર્ટલ ઉપર નાગરિકોએ પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી પાલિકા સંબંધિત સેવાનો લાભ મેળવી શકે તેમ છે પરંતુ લોકોમાં તે બાબતે હાલના તબક્કે ઉદાસીન વલણ જોવા મળ્યું છે, તેના કારણે જ પાલિકા સત્તાધિશોએ આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે પરંતુ લોકો સુધી આ સુવિધાનો લાભ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.

ત્રણ માસ પહેલા જ આ પોર્ટલ માટેની તજવીજ શરૂ કરાઈ હતી. જોકે તે પછી જાન્યુઆરીમાં શહેરીજનોને તેની સુવિધા ઉપલબ્ધ થાય તેવી શક્યતા પ્રબળ બની છે તેમ છતાં અત્યારસુધીમાં માંડ જન્મ-મરણના દાખલા માટે શહેરની 25 જેટલી હોસ્પિટલોએ આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવી તેનો લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે અન્ય સેવા માટે શહેરીજનોએ તેમાં ઉદાસીનતા દાખવી છે. નવસારી નગરપાલિકાની અંદાજિત 1.80 લાખની વસતિ છે ત્યારે આ શહેરીજનો માટે ઘરબેઠાં ઓનલાઈન પાલિકાની સેવા મળે તો આર્થિક અને સમયની બચત થઈ શકે તેમ છે પરંતુ લોકોને હજી સુધી તેનો લાભ યોગ્ય રીતે મળ્યો નથી.

આ રીતે કામ કરશે પોર્ટલ
પાલિકાની ઈનગર પોર્ટલમાં સૌ પ્રથમ દરેક વ્યક્તિએ મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એ પછી પાલિકાની તમામ સુવિધાઓ ઓનલાઈન જોઈ શકાશે અને તેનો લાભ લોકો લઈ શકશે. રજીસ્ટ્રેશન થયા પછી પાલિકાના જે તે વિભાગમાં તે પહોંચશે અને ઓટોમેટીક તે જનરેટ થશે. એ પછી રસીદ કે જે તે ડોક્યુમેન્ટ અપલોડ થશે. જેના થકી કલાકોનો વેડફાતો સમય અને આર્થિક ભારણ લોકોને ઘટશે. ઉપરાંત પાલિકા કચેરીએ પણ લોકોનો ધસારો ઘટશે.

કઈ કઈ સુવિધાઓ પોર્ટલમાં મળી રહેશે
પાલિકા દ્વારા શરૂ કરાયેલી ઈનગર યોજનાથી જન્મમરણ, લગ્ન, શોપ્સ લાયસન્સ, પ્રોફેશનલ ટેક્સ, કમ્પ્લેઈન એન્ડ ગ્રીવન્સીસનો ઓનલાઈન લાભ મેળવી શકાશે.

સિવિલ હોસ્પિટલમાં હજી પણ ફોર્મ સિસ્ટમ
નવસારી સિવિલ હોસ્પિટલમાં રોજ અંદાજિત 5 બાળકોના જન્મ થાય છે. આ જન્મના દાખલા માટે નવસારી પાલિકાએ જ ફોર્મથી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. હજી સુધી પોર્ટલનો લાભ લેવાયો નથી. આગામી 26મી જાન્યુઆરી પછી આ પાલિકાના પોર્ટલનો સીધો લાભ મળશે તેવી શક્યતા છે. તે માટેના પ્રયાસો શરૂ કરાયા જ છે. - ડો. કોડનાની, સર્જન, નવસારી સિવિલ હોસ્પિટલ

ઓનલાઈન સુવિધાનો લાભ લેવો જોઈએ
સરકારની યોજના મુજબ લોકોની સુવિધા માટે ઈ નગર યોજના શરૂ કરાઈ છે. લોકોને તેનાથી ફાયદો થશે. પાલિકા સંબંધિત સેવાઓને તેમાં આવરી લેવાય છે. - દશરથસિંહ ગોહિલ, ચીફ ઓફિસર, નવસારી પાલિકા