20 January 2019

નવસારીમાં હાલ તૂટેલા માર્ગો નવા નહીં, પેચવર્ક જ કરાશે


નવસારી શહેરમાં ચોમાસાની મોસમમાં મહત્તમ મુખ્ય રસ્તા તૂટી ગયા હતા ત્યારે પાલિકાએ આ માર્ગ નવા રિકાર્પેટ કરવાની જગ્યાએ હાલ માત્ર પેચવર્ક કરવાનો નિર્ણય જ લીધો છે.

નવસારી શહેરમાં આંતરિક રસ્તાઓની સાથે મુખ્ય રસ્તાઓ ઘણા છે. આમ તો ગત ચોમાસાની મોસમ અગાઉ સુધી તો રસ્તાઓ પ્રમાણમાં સારા હતા પરંતુ ચોમાસાની મોસમમાં વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ખાડાઓ પડી ગયા છે અને તૂટી પણ ગયા છે.

શહેરના ઝવેરીસડક, સ્ટેશન વિસ્તાર, કોટન મિલ વિસ્તાર, ટેકનિકલ સ્કૂલથી લુન્સીકૂઈ જતો માર્ગ, ડેપો માર્ગ, લાયબ્રેરી માર્ગ સહિત મહત્તમ માર્ગો ઠેકઠેકાણે તૂટી ગયા છે.

આ મુખ્ય રસ્તાઓની હાલત બગડી ગયાને ઘણો સમય થયો છે પરંતુ ઠીકઠાક કરાયા નથી. ખાડા યથાવત જોવા મળી રહ્યા છે. હવે પાલિકા જાગી તો છે પરંતુ સમસ્યાને પૂર્ણત: હલ નહીં કરવા પરંતુ થીંગડા મારવાનો જ નિર્ણય લીધો છે.

નવસારી પાલિકાએ હાલ શહેરમાં રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પુરવા પેચવર્ક કરવાનો હાલ નિર્ણય લીધો છે. અંદાજે 20 લાખના ખર્ચે આ કામ કરાશે. તૂટી ગયેલા મુખ્ય માર્ગોને રિકાર્પેટ તુરંત થશે નહીં.

આ અંગે પૂછતાછ કરતા જાણવા મળ્યું કે, મુખ્ય માર્ગોને રિકાર્પેટ કરવા પાલિકામાં અંદાજો તૈયાર કરાઈ રહ્યા છે. બાદમાં કમિટી અને સામાન્ય સભામાં ઠરાવ કરી મંજૂરી બાદ ટેન્ડરીંગ કરાશે. જેમાં ખાસ્સો સમય જશે અને ઉનાળો પણ આવી જશે. શું પાલિકા આગોતરી તૈયારી કરી દિવાળી ટાણે રસ્તાનું કામ શરૂ ન કરી શકે ω દર વર્ષે ઉનાળામાં રસ્તા બનાવાય છે અને ચોમાસામાં તૂટતા હોવાની બૂમરાણ મચે છે.