20 January 2019

2017માં સ્વચ્છતા એવોર્ડ મેળવનાર નવસારી આ વખતે જોજનો દૂર


હાલ ચાલી રહેલી દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં પુન: ઈનામ મેળવવા અહીંની નવસારી પાલિકાએ શહેરમાં અનેક સ્વચ્છતાલક્ષી સુ‌વિધાઓ તાબડતોડ ઉભી તો કરી દીધી છે પણ હજુય કચરાના વર્ગીકરણથી લઈને કચરાપેટી વિહોણા શહેર બનાવવામાં કામયાબી મળી નથી.

સ્વચ્છતા સર્વેક્ષણ 2017મા અહીંની નવસારી પાલિકાને સમગ્ર પશ્ચિમ ભારતની નગરપાલિકામાં પ્રથમ સ્થાન મળ્યું હતું. જોકે 2018મા ઘણું પાછળ રહી ગયું હતું. હવે હાલ જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ 2019 ચાલી રહ્યું છે ત્યારે અહીંની નવસારી પાલિકાએ સર્વેક્ષણમાં સારો દેખાવ કરી અવ્વલ આવવાના છેલ્લા ઘડીએ પ્રયાસ કર્યો છે. જેમાં ઢંગધડા વગરના પે એન્ડ યુઝ ટીપટોપ કરાયા, શહેરમાં કેટલાક જાહેર સ્થળોએ ડસ્ટબીન મુકાઈ, કચરાની ડમ્પીંગ સાઈટે કચરાનું વર્ગીકરણ તથા ખાતર બનાવવાની પ્રક્રિયા સર્વેક્ષણના દેખાડા પૂરતી મેન્યુલી હાલ શરૂ કરી દેવાઈ છે.

પાલિકાએ સર્વેક્ષણને લઈ સ્વચ્છતાની નવી સુવિધા હાલ ઉભી કરવા પ્રયત્નો (યા દેખાવ) તો કર્યા છે પરંતુ હજુય નવસારી શહેરમાં સ્વચ્છતાના માપદંડો પાલિકા પરિપૂર્ણ કરી શકી નથી. કચરાના વર્ગીકરણ અને ખાતર બનાવવાની પ્રક્રિયા મહદઅંશે થઈ નથી. જાહેર સ્થળોની સ્વચ્છતાની ઉણપ, હજુય કેટલીય જગ્યાએ કચરાપેટીઓની હયાતી અને પેટીમાંથી ઉભરાતો કચરો જોવા મળે છે. આ તમામ બાબતોને લઈને નવસારી શહેરમાં હજુય સ્વચ્છતાની અનેક ખામીઓ છે અને તે 2017ની એવોર્ડ વિનર પાલિકા પરિપૂર્ણ કરી શકી નથી.

નવસારી સ્વચ્છતામાં હજુ આ બાબતે પાછળ
- ઘણાં શહેરીજનો પાસેથી ભીનો અને સૂકો કચરો અલગ મેળવાતો નથી.
- કચરાની ડમ્પીંગ સાઈટે ભીના કચરાનું ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ થયો નથી.
- ઘણાં જાહેર સ્થળોએ કચરો નાંખવા ડસ્ટબીનો જ મુકાયા નથી.
- હજુ ઘણી જગ્યાએ જરૂરિયાત છતાં જાહેર પે એન્ડ યુઝ શૌચાલય નથી.
- 'ગાર્બેજ ફ્રી સિટી' અંતર્ગત તમામ કચરાપેટી ઉઠાવાઈ નથી. ઘણી જગ્યાએ કચરાપેટી છે અને તેમાંથી કચરો ઉભરાય છે.
- ઠેર ઠેર હોર્ડિંગો, બેનર છતાં ઘણાં શહેરીજનો પણ સ્વચ્છતામાં જાગૃત નથી.

સ્વચ્છતા સર્વેક્ષણમાં માર્કિંગની ટકાવારી
- 25 ટકા સર્વેક્ષણ ટીમનું સીધુ નિરીક્ષણ
- 25 ટકા સિટીઝનોનું ફીડબેક
- 25 ટકા કચરાનું કલેકશન
- 25 ટકા સર્વિસ લેવલ પ્રોગ્રેસ, જેમાં કામગીરીનું પ્રેઝન્ટેશન.

સર્વેક્ષણની હાલ ફરી રહેલી ટીમ
સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં દિલ્હીથી આવતી સર્વે ટીમ હાલ નવસારીમાં ફરી રહ્યાની જાણકારી મળી છે. જોકે આ વખતે પાલિકા તંત્રને જાણ વિના પોતાની રીતે જ નિરીક્ષણ કરી રહી છે અને શહેરીજનોના 'ફીડબેક' પણ લઈ રહી છે.

કેટલીક જગ્યાએ લોકોનો સહયોગ પણ મળી રહ્યો નથી
કચરામાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ ડમ્પીંગ સાઈટે મશીન ફીટ થઈ જાય એટલે નજીકના દિવસોમાં પાલિકા દ્વારા શરૂ કરી દેવામાં અવાશે. આ ઉપરાંત કેટલીય જગ્યાએ કચરાના નિકાલ માટે લોકોનો પણ સહયોગ મળતો નથી. નવસારી પાલિકાનો ટેમ્પો કચરો લેવા આવે ત્યારે કચરો ન આપે અને ખૂણેખાંચરે ઠાલવી જાય છે. શહેરના અનેક જાહેર સ્થળોએ ડસ્ટબીનો મુકવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.  - હિંમતભાઈ પટેલ, ચેરમેન, સેનેટરી કમિટી, નવસારી પાલિકા