21 January 2019

વિજલપોરના 1 લાખ લોકોને નવા વર્ષ 2019માં ‘ફિલ્ટરેશન’નું શુદ્ધ અને મીઠું પાણી મળશે


વસ્તીની દૃષ્ટિએ નવસારી જિલ્લામાં બીજા નંબરનું શહેર ગણાતા વિજલપોર શહેરના અંદાજિત 1 લાખ લોકોને નવા 2019નાં વર્ષમાં આખરે ફિલ્ટરેશન પ્લાન્ટનું મીઠું, શુધ્ધ પાણી પીવાનું મળી શકશે. હાલ સુધી શહેરીજનો પાલિકા દ્વારા કરાયેલ બોરીંગનું અપાતું પાણી જ પી રહ્યાં છે.

અંદાજે 1 લાખની વસ્તી ધરાવતું વિજલપોર શહેર વસ્તીની દૃષ્ટિએ નવસારી જિલ્લામાં નવસારી પછી બીજા નંબરનું શહેર છે. ભૂતકાળમાં અહીં ગ્રામ પંચાયત અને નગર પંચાયત હતી પરંતુ 1994-95 માં વસ્તી વધતા ‘નગરપાલિકા’ અસ્તિત્વમાં આવી હતી. પાલિકા બન્યાને આજે 24 વર્ષ થયા છતાં અહીંના શહેરીજનોને પાલિકા ‘બોર’નું જ પાણી પીવા માટે આપી રહી છે. જોકે, હવે આગામી દિવસોમાં અહીનાં લોકોનાં પાણી માટે દિવસો સુધરવાની શક્યતા છે.

થોડાં વર્ષો અગાઉ વિજલપોર શહેર માટેની મીઠા પાણીની યોજના માટે સરકારે ગ્રાંટ મંજુર કરી હતી. આ યોજના જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) એ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ પાણી યોજનાનું કામ પૂર્ણ થઇ ગયું છે. આ યોજના અંતર્ગત ઉકાઇ-કાકરાપાર કેનાલનું પાણી વિજલપોરના રામનગર સ્થિત ચંદન તળાવમાં ઠાલવી ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી મીઠું પાણી શહેરીજનોને આપવામાં આવશે. આ યોજના અંતર્ગત કેનાલનું પાણી જે નવસારી પાલિકાને મળી રહ્યું છે. તેમાંથી પાણીનો જથ્થો વિજલપોરને આપવાનો કરાર થઇ રહ્યો છે.

પાલિકા સાથે વિવાદ થયો હતો
નવસારી જે કેનાલનું પાણી મેળવે છે તે પાણી વિજલપોરને આપવા વિવાદ થયો હતો અને મામલો કલેક્ટર સમક્ષ ગયો હતો. કલેક્ટરે વિજલપોર પાલિકાને પાણી આપવાનું નવસારી પાલિકાને પાણી આપવાનું નવસારી પાલિકાને જણાવ્યું હતું. અહીં ચાલુ સાલ ડેમમાં પૂરતું પાણી ન હોવાથી નવસારીને પાણી ઓછું મળે છે, જેથી તે વિજલપોરને કેટલું પાણી આપી શકશે તે જોવું રહ્યું!

પાણીની ગુણવત્તામાં સુધરો થશે
વિજલપોરમાં બોરિંગનું પાણી અપાતા આ પાણીમાં ‘હાર્ડનેસ’ (ભારી) વધુ રહેતી હતી, જે પાચનતંત્રમાં તથા અન્ય રીતે મુશ્કેલી ઉભી કરતી હતી. બોરનું સીધું જ પાણી અપાતા રેતી, માટી, અશુધ્ધતા રહેવાની પણ શક્યતા હતી. હવે વરસાદનું ડેમમાં ઠલવાયેલું કુદરતી પાણી જ ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર કરી અપાતા શુધ્ધ અને મીઠું પાણી મળી શકશે એમ ગુણવત્તામાં ફર્ક પડશે.

વિજલપોરમાં ‘પાણી’ આંકડામાં
  • વસ્તી- 1 લાખ અંદાજે 
  • મિલકતો- 25 હજાર 
  • કુલ બોર- 14 
  • પાણી યોજનાનો ખર્ચ- 18 કરોડ અંદાજે 
  • ટાંકીનો ઉપયોગ- 3 
  • દૈનિક પાણીનો કુલ વપરાશ- 96 લાખ લીટર 
  • માથાદીઠ વપરાશ- 110 લીટર 
  • પાણી યોજનામાં વપરાતું તળાવ-1 

માર્ચમાં યોજના શરૂ થવાની આશા
નવસારીના પાણીના લેણાંનું સમાધાન આવી જાય એટલે નવસારી પાલિકા સાથે કેનાલના પાણીનો કરાર કરાશે. ત્યારબાદ પાણી મેળવવાનો માર્ગ મોકળો થઇ જશે. મારી ધારણા મુજબ માર્ચ મહિનામાં નવી યોજના કાર્યરત થઇ જશે. -જગદીશ મોદી પ્રમુખ, વિજલપોર પાલિકા