25 January 2019

કબીલપોર કોંક્રીટના જંગલમાં આનંદપ્રમોદ ખોવાયો


કબીલપોર નવસારી શહેરનું આર્થિક પાટનગરની ઉપમા ધરાવે છે. અનેક સોસાયટીઓ હોવાથી નગરપાલિકા બને એટલી વસ્તી ધરાવે છે. તેમ છતાં બાળકો-યુવકો અને વૃદ્ધો માટેના આનંદપ્રમોદ માટે કોઈ જ સુવિધા નથી. અંદાજે પોણા બે કરોડની વિવિધ વેરા સહિતની આવક ધરાવતી કબીલપોર પંચાયતના વર્ષ ૧૯-૨૦ના આયોજનમાં પણ કોઈ લોકોપયોગી કામો લીધા નથી.

કબીલપોર આર્થિક રીતે સદ્ધર છે અને પંચાયત પણ સદ્ધર છે. તેમ છતાં બાળકો માટે ગાર્ડન નથી તેમજ તેઓના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવા કોઈ સાધન નથી. આ બાબતે ચૂંટણી પહેલા હાલની ચૂંટાયેલી પાંખે તે સમયે સ્વપ્ન બતાવ્યું હતું પણ તેમાંનું એક પણ કાર્ય થયું નથી. કબીલપોરમાં સિમેન્ટ કોંક્રીટના અનેક પ્રોજેક્ટ જોવા મળશે પણ પર્યાવરણ શુદ્ધ બનાવે અને બાળકોના આનંદપ્રમોદ માટે ગાર્ડન (બગીચો) નથી.

યુવાનોની વાત કરીએ તો લાઈબ્રેરી તેમજ ઉપસરપંચે આપેલું વચન કે પંચાયત પોતે જિમ (કસરત) માટે અને મહિનામાં એકવાર એક યુવા પ્રતિભાને ઉચ્ચકક્ષાએ લઈ જવા માટે તજજ્ઞો દ્વારા સેમિનારનું આયોજન કરીશું આ બધી વાત હવામાં કરી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે.

વૃદ્ધોની માટેની વાત કરીએ તો સિનિયર સિટીઝન માટે કબીલપોર પંચાયત દ્વારા આજદિન સુધી કોઈપણ એવું કાર્ય થયું નથી કે તેઓને એમ થાય કે અમારા માટે પણ પંચાયત કંઈ વિચારે છે.

ગામમાં ચોખ્ખું પાણી મળે તે માટે એક વોટરટેન્ક ઊભી કરીને ફિલ્ટરેશન પ્લાન્ટ નાખીને સમગ્ર ગામને શુદ્ધ અને પીવા લાયક પાણી આપો તો પણ લેખે લાગે. સ્વચ્છતા જાળવવામાં પણ સો ટકા સફળતા મળે નથી. ગ્રામ પંચાયત ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતના શાસકો પણ કબીલપોરમાં પુરતી સુવિધા માટે રસ દાખવે આવશ્યક બન્યું હોવાનું જણાય છે.

ગંદકીથી ખદબદતું તળાવ વિકસાવવાનું કેમ સૂઝતું નથી?
ગ્રામ પંચાયત કચેરી પાસે આવેલી ગંદકીથી ખદબદતા જામપીર તળાવની ગંદકી દૂર કરવાનું પણ પંચાયતને સૂઝતું નથી. સરકારી જમીન પર આવેલું આ તળાવ જો વિક્સાવવામાં આવે તો બારેમાસ આ તળાવ પાણીથે છલોછલ રહી શકે જેને લીધે ભૂગર્ભ જળ પણૅ રિચાર્જ થઈ શકે. તળાવની ફરતે વોકપાથ બનાવી બેસવા માટેના બાંકડા મૂકવામાં આવે તો લોકો મોર્નિંગ વોક માટે તેનો ઉપયોગ કરી શકે. તદઉપરાંત ગામના વરિષ્ઠ નાગરિકો પણ તળાવને કિનારે નિરાંતથી બેસીને સમય પસાર કરી શકે છે. સરકારી માલિકીના આ તળાવનું લોકોએ પૂરાણ કરીને તેની ઉપર ઘરો તાણી દીધા છે. કુદરતી તળાવો, ખાડી, કાંસ વગેરેનું પૂરાણ કરવું એ સભપાત્ર ગુનો હોવા છતાં પંચાયતના શાસકો અત્યાર સુધી આ બાબતે આંખ આડા કાન કરતા આવ્યા છે. આ તળાવના વિકાસ દ્વારા ગ્રામ પંચાયત યુવાનો-વડીલો સૌને માટે એક જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે.