30 January 2019

94માંથી એક પણ કામની ચર્ચા કર્યા વિના હોહા કરી નવસારી નગરપાલિકાની સભા પતાવી દેવાઈ


કોંગ્રેસનો કલેક્ટર સમક્ષ નવસારી પાલિકાની સભાના એજન્ડા ઉપર મૂકાયેલા રસ્તાના કામોનાં અંદાજ મુકવામાં ક્ષતિ અને ગોબાચારી હોવાનો આક્ષેપ કરવાના મુદ્દે આજે મંગળવારની સભા તોફાની બની હતી. અડધો કલાક સભામાં હોહા ચાલ્યા બાદ ફરી એકવાર સામાન્ય સભામાં 94 કામોમાં ચર્ચા વિના મંજૂર કરી પૂરી થયેલી જાહેર કરી દેવાઇ હતી.

નવસારી પાલિકાની સભા મંગળવારે પ્રમુખ કાંતીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. શરૂઆત પાણી સમિતિના ચેરમેન ત્રિભોવન ચાવડાએ કરી હતી. તેમણે સોમવારે કલેક્ટરને કોંગ્રેસે આપેલા આવેદનપત્રનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, વિપક્ષે રસ્તાના કામોનાં અંદાજ મૂકવામાં ગોબાચારી અને ક્ષતિ હોવાનો આક્ષેપ કર્યો છે તે પાયાવિહોણો છે. સભાના આગળના દિવસે કલેક્ટરને ફરિયાદ કરવાની કોંગ્રેસની નીરિરીતિને વખોડી વળતો કોંગ્રેસ સામે પ્રહારો કર્યા હતાં. ત્રિભોવનભાઇનાં પ્રહાર સામે કોંગ્રેસીઓ ઉભા થઇ ગયા હતાં. કાલુભાઇના નિવેદન સામે વાંધો ઉઠાવી નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસીઓની સામે શાસક પક્ષ ભાજપના કાઉન્સીલરો પણ ઉભા થઇ બંને પક્ષે શાબ્દિક તડાફડી થઇ હતી.

એજન્ડા ઉપરનાં 94 કામો ઉપર તંદુરસ્ત ચર્ચા કરવાની જગ્યાએ અડધો કલાક એજન્ડા બહારના કલેક્ટરને કોંગ્રેસે આપેલા આવેદન મામલે જ આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને હોહા ચાલી હતી. અંતે 94 માંથી કોઇ પણ કામ ચર્ચા વિના જ મંજુર કરી સભા અધ્યક્ષે રાષ્ટ્રગીત ગાઇ સભા પૂર્ણ કરી હતી. 30મીએ વડાપ્રધાન આવે છે ત્યારે પાલિકાની સભામાં ‘લોકશાહીની ધજ્જીયાં’ ઉડેલી જોવા મળી છે.

સભાનું સ્ટાન્ડર્ડ હજુ નીચે જશે?
નવસારી પાલિકાની સામાન્ય સભા હવે મશ્કરીરૂપ બની ગઇ છે. છેલ્લી ચારથી પાંચ સભા એજન્ડા ઉપરનાં તમામ કામો ઉપર ચર્ચા કર્યા વિના અડધેથી જ હોહા વચ્ચે પૂરી થયેલી જાહેર કરાઇ છે. હવે તો શંકા જઇ રહી છે કે વર્તમાન બોર્ડમાં પૂન: સભા લોકશાહીએ પૂરી થશે ખરી? શું હજુ વધુ સભાનું સ્ટાન્ડર્ડ નીચું જશે? એ અલગ વાત છે કે હજુ સુધી હોહા, શાબ્દીક તડાફડી જ થઇ છે અને કાઉન્સીલરો વચ્ચે હાથાપાઇ થઇ નથી!

કોંગીજનો સભા ચલાવવા સહકાર આપતા નથી
અમે સભા સારી રીતે ચલાવવા સભા અગાઉ ચર્ચા માટે વિપક્ષને બોલાવીએ છીએ પરંતુ હવે વિપક્ષ આવતો જ નથી. સભા ચલાવવા માટે પણ વિપક્ષ કોંગ્રેસીઓ સહકાર આપતા નથી. - ત્રિભોવન ચાવડા, ભાજપ અગ્રણી, નવસારી પાલિકા

શાસકો ચર્ચા કરવા દેવા માંગતો નથી
શાસક પક્ષ અગાઉથી જ નક્કી કરી આવે છે કે સભા ચાલવા દેવી નહીં. તેઓ કામો ઉપર ચર્ચા કરવા દેવા માંગતા જ નથી અને હીટલરશાહી ચલાવે છે. અમારી ઝીરો અવર્સની માંગ પણ સ્વીકારાતી નથી. - અયાઝ ઉર્ફે અંજુમ શેખ, વિપક્ષી નેતા,નવસારી પાલિકા

image source: GujaratMitra