1 February 2019

મેરેથોન દોડમાં 50 દિવ્યાંગ વિદ્યાર્થીઓ દોડયા


નવસારીમાં વોલીબોલ રમતનો પ્રચાર થાય અને દિવ્યાંગ બાળકો પણ નવી નવી સ્પર્ધામાં ભાગ લઈ સમાજની મુખ્ય હરોળમાં આવે તે માટે સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત-માનવકલ્યાણ ટ્રસ્ટ તથા જિલ્લા વોલીબોલ એસોસિએશન દ્વારા સામાન્ય (નોર્મલ) અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મેરેથોન રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 154 જેટલા નોર્મલ અને 50 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. બંને કેટેગરીના વિજેતાઓને પ્રમાણપત્ર પુરસ્કાર એનાયત થયા હતા.

નવસારીમાં ગુરૂવારે વોલીબોલ ચેરિટી રન ફોર યુનિટી એન્ડ અવેરનેસ ઓફ મેન્ટલી ચેલેન્જ ચિલ્ડ્રનની થીમવાળી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત નવસારીના ડો. રૂસ્તમ સદરી, . મયુર પટેલ, ડો. ભાવેશ દેવતા, ડો. સંજય પટેલ, મમતાદ મંદિરના વિરાટ કોઠારી, ઘનશ્યામ પટેલ, અશોક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. એરૂથી સવારે 7 વાગ્યે મેરેથોન શરૂ થઈ હતી. જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 1 કિ.મી.નું એરૂ ડીજીવીસીએલથી અવધ પાસે અને સામાન્ય (નોર્મલ) વિદ્યાર્થીઓ માટે 5 કિ.મી.નું એરૂ ડીજીવીસીએલથી ભુતસાડ ગામ ગેટ પહેલા સાંઈરામ ફાર્મથી પરત અંતર કાપવાનું હતું. એરૂના આટ રોડ ખાતે આવેલા ડીજીવીસીએલ કંપની ડાહ્યાભાઈ શોપિંગ સેન્ટર પાસેથી શરૂ થઈ હતી. સ્પર્ધામાં નોર્મલ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

દોડમાં મમતા મંદિર અને ગાંધીઘરના 50 દિવ્યાંગ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ કલ્પેશ ચૌહાણ અને દ્વિતીય મહેન્દ્ર પ્રજાપતિ અને તૃતીય ક્રમે જીલ ટંડેલ વિજેતા બન્યા હતા. નવસારી, વિજલપોર, બીલીમોરા, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદાના 154 નોર્મલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ પ્રભાકર પાલવી, દ્વિતીય ક્રમે હરેશ પવાર તથા તૃતીય ક્રમે હિરેન પટેલ વિજેતા બન્યા હતા.

વોલીબોલના પ્રચાર માટે આયોજન
નવસારીમાં વોલીબોલ રમતનો પ્રચાર થાય અને માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લે તે માટે સ્પેશ્યિલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા મેરેથોન દોડનું આયોજન થયું હતું. દિવ્યાંગ બાળકો પણ સમાજની મુખ્ય ધારામાં આવે તેનો નાનકડો પ્રયાસ છે. - ડૉ. મયુર પટેલ, સેક્રેટરી, જિલ્લા વોલીબોલ એસો.