5 February 2019

101 પત્રો લખ્યા છતાં ફરિયાદોનો નિકાલ ના થયો


નવસારી જિલ્લા કલેક્ટર કચેરીનાં અંધેર વહીવટ બાબતે નવસારી નજીક આવેલા જમાલપોર ખાતે રહેતા એક જાગૃત નાગરિકે નવસારીનાં ધારાસભ્યને અત્યંત ગંભીર અને તાત્કાલિક જેવી નોંધ મૂકી એક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં તેઓ જણાવે છે કે તેમણે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૮ દરમિયાન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૩૨ ફરિયાદો કરી છે જે પૈકી એક પણ ફરિયાદનું નિવારણ આજ સુધી થયું નથી. આ ફરિયાદોના નિરાકરણ માટે રિમાઈન્ડર તરીકે તેમણે ૧૦૧ જેટલાં પત્રો પણ લખ્યા હોવાનું જણાવે છે અને એ પત્રોની તારીખવાર યાદી પણ તેમણે તેમનાં પત્ર સાથે જોડી છે.

જમાલપોરની વૃન્દાવનસોસાયટીમાં રહેતા જાગૃત નાગરિક એમ. સી. પટેલ નવસારીનાં ધારાસભ્યને લખેલા પત્રમાં જણાવે છે કે જિલ્લા કલેક્ટર નવસારીની તેમજ તેમનાં તાબા હેઠળની કચેરીઓનો વહીવટ સ્વચ્છ, પારદર્શક, નિષ્પક્ષ, પ્રમાણિક, પૂર્વગ્રહરહિત, ચોક્ક્સાઈ પૂર્વકનો, શુદ્ધ ભાવના વાળો ન્યાયિક અને પરિણામલક્ષી ગુણોવાળો ઉત્તમ નમૂનારૂપ હોવો જોઈએ. પરંતુ એને બદલે જિલ્લા કલેક્ટર કચેરીનો વહીવટ તદ્દન વિપરીત ગુણોવાળો અને ધિક્કારપાત્ર વહીવટ છે.

આવા વિપરીત ગુણોવાળા વહીવટનાં પુરાવારૂપે તેઓ જણાવે છે કે જિલ્લા કલેક્ટર નવસારીને અત્યાર સુધીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ તથા જિલ્લા સંકલન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી ૩૨ ફરિયાદો કરી છે જે પૈકી એકપણ ફરિયાદનું નિવારણ આજ સુધી થયું નથી. તેઓ વધુમાં જણાવે છે કે વિવિધ ૩૨ ફરિયાદોનાં નિવારણ માટે અત્યાર સુધી તેમણે જિલ્લા કલેક્ટરને વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૮ દરમિયાન સમયાંતરે ૧૦૧ પત્રોની તારીખવાર વિગત દર્શાવતું પત્રક પણ એમનાં પત્રની સાથે આપ્યું છે.

તેઓ ધારાસભ્યને લખેલા પત્રમાં જણાવે છે કે તેમની ફરિયાદ બાબતેની અરજી જે તે અધિકારીને નિયમનુસાર ઘટતી કાર્યવાહી કરવા મોકલી આપી છે. પરંતુ જે તે અધિકારી દ્વારા નિયમોનુસારની ઘટતી કાર્યવાહી કરી છે કે નહીં તે બાબતે જાણકારી આપવા આજ સુધી કોઈ દરકાર રાખી નથી. તેઓ જણાવે છે કે તેમની એક પણ ફરિયાદ એવી નથી કે જિલ્લા કલેક્ટરનાં એક જ કાગળનાં ઉપયોગથી નિવારણ ન થઈ શકે. તેમની દરેક ફરિયાદ સાચી અને આધારભૂત દસ્તાવેજી પુરાવા સહિતની છે. આ બાબતે તેમણે ગત્ તા. ૨૩-૩-૨૦૧૮ નાં રોજ પણ રજૂઆત કરીધારાસભ્યનું ધ્યાન દોર્યું હતું. જોકે આજસુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી. તેઓ તેમનો છેલ્લો પત્ર મળ્યાનાં એક જ સપ્તાહમાં તમામ ફરિયાદોનું નિવારણ કરવા વિનંતી કરી છે.