7 February 2019

લુન્સીકૂઈ મેદાનમાં જો વોકવે બને તો રમતપ્રેમીઓ લડી લેવાના મૂડમાં


નવસારીના લુન્સીકૂઈ મેદાનમાં વોકવે બનાવવાની હિલચાલ સામે રમતપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બાબતે પાલિકા સત્તાધિશોને લેખિત રજૂઆત કરી સખત વિરોધ પણ નોંધાવાયો છે. શહેરનું એકમાત્ર રમતનું મેદાન સાથે જ રાજકીય ટાંટીયા ખેંચ પ્રવૃત્તિ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. 'દિવ્ય ભાસ્કર' દ્વારા શહેરના એકમાત્ર લુન્સીકૂઈ મેદાનને યથાવત રાખી તેને વધુ ડેવલપ કરવા માટે શું કરવું જોઈએ ωઆ અંગે લોકોના વહેલી સવારે મેદાન ઉપર પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેને દિવ્ય ભાસ્કરે વાચા આપી છે.

તમારા વિચારો નં. 90990 46217 વોટસએપ પર મેસેજ કરી શકો છો

વોક વેની જરૂર જ નથી.
લુન્સીકૂઈનું મેદાન અંદાજે 58 મીટરનું ક્ષેત્રફળવાળુ મેદાન છે. 6 ફૂટના વોકવે અંદરની સાઈડે બનાવાય તે જરૂરી નથી. સામે સરબતિયા તળાવ ખાતે વોક વે બનાવ્યો છે તેથી જરૂર જ નથી. -પ્રા. આશિષ વસાવા

35 વર્ષથી ક્રિકેટ રમતી ટાયર ટીમ લુન્સીકૂઈ મેદાનમાં રમે છે
મેદાનમાં નાનપણથી જ ટ્રેકટરના ટાયર મુકી ક્રિકેટ રમતા જેથી અમારી ટીમ ટાયર ટીમ કહેવાતી. આજે 60 જેટલા સભ્યો દરરોજ ગ્રાઉન્ડમાં ભેગા થાય છે અને ક્રિકેટ રમીએ છીએ. ત્રણથી ચાર જગ્યાએ દિવાલ તૂટી જતા ત્યાં તેમના સ્વખર્ચે વાંસના બાંબુ મુકીને આડાશ કરી છે. લુન્સીકૂઈ મેદાનના વિકાસ માટે ઘણી લેખિતમાં રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય છે. -શૈલેષ પટેલ

વોક-વેની મેદાનમાં જરૂર નથી
સિમેન્ટનો 6 ફૂટનો વોક વે ઉપર પ્રૌઢ વ્યક્તિ અકસ્માતે પડે તો ઈજા થઈ શકે. નગરપાલિકાએ લારીગલ્લા હટાવવા જોઈએ. જેથી લોકોને જોગીંગ કરવા આવનારાને સરળતાથી જોગીંગ કરી શકાશે. વોકવેની કોઈ જરૂર નથી. -ધર્મેશ મિસ્ત્રી, છેલ્લા 10 વર્ષથી મેદાન પર કસરત કરવા આવનાર, કબીલપોર 

વોક વે બનાવે તો મેદાન નાનું થઇ જાય
શહેરનું એકમાત્ર બધી રમતો માટેનું પ્લેગ્રાઉન્ડ કે જેમાં ક્રિકેટ, ફૂટબોલ, ખેલમહાકુંભ, વિવિધ સમાજો દ્વારા સ્પર્ધા યોજાય છે. ધાર્મિક કાર્યક્રમો, મેળા, પોલીસ માટે પરેડ ગ્રાઉન્ડનો ઉપયોગ થાય છે. વોકવેથી મેદાન નાનુ થઈ જાય છે. ગ્રાઉન્ડની ફરતે ગ્રીલ મુકાય. -જાવેદ શેખ, રમતપ્રેમી, લંગરવાડ, નવસારી

મેદાનની ફરતે આવેલા ફૂટપાથનો જ વિકાસ કરો
5 વર્ષથી લુન્સીકૂઈના મેદાન પર જોગીંગ માટે આવું છું. મેદાનની ફરતે આવેલા ફૂટપાથ ખુલ્લો હોવાથી પશુઓ ગંદકી કરી જાય. તેના ઉપર લોકો લપસી જવાની ઘટના નોંધાઈ છે. મેદાનની ફરતે આવેલા ફૂટપાથને કોર્ડન કરીને જ વિકાસ કરવો જોઈએ. -પલ્લવી દેસાઈ, જોગર્સ, કાલીયાવાડી ગ્રા.પં. સભ્ય

મેદાનની પાળી રિપેરિંગ થવી જોઈએ
લુન્સીકૂઈ મેદાનનો જ વિકાસ કરવો જોઈએ. હજુ સુધી વર્ષો પહેલાની પાળી છે. ત્રણ ચાર જગ્યાએથી ચાર વર્ષ પહેલા મેદાનની પાળી તોડી નાંખવામાં આવેલી છે તે રિપેર થતી નથી. નવા વોકવેના બદલે ગ્રીલ લગાવીને ફૂટપાથને જ નવી બનાવી દેવાય. -શીલાબેન ઘીવાલા