8 February 2019

નવસારીના બંને તળાવોમાં પાણી ઘટી જતાં હાંસાપોરના તળાવમાંથી પાણી લાવવાનું શરૂ


નવસારીના બે તળાવમાં 1 મહિનાની જરૂરિયાત સામે માત્ર 14 દિવસ ચાલે એટલું જ પાણી રહેતા પાલિકાએ શહેરીજનોને પીવાનું પાણી આપવા નજીકના હાંસાપોરના તળાવમાંથી પાણી લેવાનું શરૂ કર્યું છે. હાલની જેમ દિવસમાં 1 ટાઈમ પાણી અપાય તો 30 દિવસની 60 કરોડ લિટર પાણીની જરૂરિયાત સામે માંડ 30 કરોડ લિટર જ પાણી (બોર સહિત) છે.

ગત ચોમાસામાં ઉકાઈ કાકરાપાર ડેમ ન ભરાતા ડેમનું પાણી જે નવસારી શહેરને પીવાના પાણી માટે મળતું તે પૂરતું મળતું નહતું. ડેમનું પામી પૂરતું મળતુ ત્યારે શહેરની 1.80 લાખની વસતિની રોજની 3.20 કરોડ લિટર પાણીની જરૂરિયાત ડેમમાંથી આવતી કેનાલના પાણીથી પૂરી થઈ જતી હતી. જોકે ડેમમાં જથ્થો ઓછો રહેતા ચોમાસા બાદ પાણી ઓછુ મળી રહ્યું છે, જેના કારણે નવસારી પાલિકાએ શહેરીજનોને દરરોજ બે ટાઈમની જગ્યાએ એક ટાઈમ જ પાણી આપવાની ફરજ ચારેક મહિનાથી પડી છે. 26 ડિસેમ્બરમાં કેનાલનું પાણી બંધ થયા બાદ હવે 5 માર્ચ બાદ આવશે. બીજા શબ્દોમાં કહીએ તો હજુ 1 મહિનો કેનાલના પાણીની રાહ જોવી પડશે.

આ દરમિયાન હાલમાં નવસારીના પાણી યોજનાના બે તળાવ દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં (પાણીના બોર સહિત) પાણીનો જથ્થો આશરે 14 દિવસ ચાલે એટલો જ બચ્યો છે. આ સ્થિતિમાં બાકીના 16થી 17 દિવસ પાણી શહેરીજનોને આપવા પુન: હાંસાપોરના બે તળાવો ભણી પાલિકાએ નજર દોડાવવી પડી છે. હાંસાપોરના તળાવમાંથી દેસાઈ તળાવમાં પાણી ઠાલવવાની શરૂઆત તો કરી દેવાઈ છે સાથે એક-બે દિવસમાં દુધિયા તળાવમાં પણ હાંસાપોરના તળાવનું પાણી લાવવામાં આવશે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ હાંસાપોરના પાણીથી જરૂરિયાત મહદઅંશે હાલ (5મી માર્ચ સુધીમાં) તો પૂરી થવાની આશા છે પરંતુ કદાચ માર્ચના શરૂઆતના કેટલાક દિવસ વધુ કાપ મુકવો પડે તો નવાઈ નહીં !

ગુરૂવારે ટ્રાન્સફોર્મર બળી જતા પાણીની સેવા વિલંબાય
આમ તો કેટલાક વિસ્તારોને બાદ કરતા શહેરના મહત્તમ વિસ્તારમાં 1 ટાઈમ લગભગ સવા કલાક પાણી અપાઈ છે પરંતુ આજે ગુરૂવારે નિર્ધારિત સમયે શહેરના લગભગ અડધા વિસ્તારમાં પાણી આપી શકતું ન હતું. આ માટેનું કારણ વોટરવર્કસનું ટ્રાન્સફોર્મર બળી જવાનું જાણવા મળ્યું હતું. જોકે પાણી વિલંબથી અપાયાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે.

ઉનાળાના છેલ્લા દિવસોમાં સ્થિતિ વકરે જો
નવસારીમાં આમ તો 5મી માર્ચે કેનાલનું પાણી આવવાનું શરૂ થશે પરંતુ આ રોટેશન બાદ ક્યારે નવુ રોટેશન આવશે એ જાહેર થયું નથી. જો પાછળના રોટેશનમાં પર્યાપ્ત પાણી ન મળે અને ચોમાસુ લંબાઈ તો સ્થિતિ બગડવાની શક્યતા હોવાનું જાણકારો જણાવે છે.

ખારા બોર પણ ચાલુ કરવા પડે જો
નવસારીના તળાવમાં પાણી અપૂરતુ જ રહેતા હાંસાપોરના એક તળાવમાંથી હાલ શહેરના દેસાઈ તળાવમાં પાણી લાવવાનું શરૂ કર્યું છે. દુધિયા તળાવમાં પાણી લાવવા હાંસાપોરના બીજા તળાવનું પાણી મળે તેવા પ્રયાસ ચાલે છે. જો પાણી અપર્યાપ્ત રહેશે તો છેલ્લા દિવસોમાં ખારા બોર પણ ચાલુ કરવા પડે એમ છે. -ત્રિભોવન ચાવડા, ચેરમેન, પાણી સમિતિ, નવસારી પાલિકા

નવસારીમાં પાણીની સ્થિતિ
1.80 - લાખ અંદાજે શહેરની કુલ વસતિ
75 - હજાર નવસારી શહેરમાં મિલકતો
3.20 - કરોડ લિટર દરરોજ પાણીની જરૂરિયાત
1 - કરોડ લિટર (1 ટાઈમ) હાલ રોજ અપાય છે
14 - દિવસ ચાલે એટલું, બે તળાવોમાં હાલ પાણી
20 + 5 - પાંચ બોર નવા કરવામાં આવ્યા
60 - કરોડ લિટર, મહિનાની જરૂરિયાત
30 - હયાત પાણીનો જથ્થો