13 February 2019

જલાલપોરના યુવાનનું રહસ્યમય મોત, મૃતદેહ નજીક લોહીનો પથ્થર મળતાં હત્યાની આશંકા


જલાલપોર વિસ્તારમાં રહેતા યુવાનની જાનવરોએ ફાડી ખાધેલી લાશ મંગળવારે સવારે મળતાં ચકચાર મચી હતી. રહસ્યમય રીતે મૃત્યુ થયેલા યુવાનની હત્યા થઇ હોવા અંગે પણ આશંકા સેવાઇ રહી છે. જોકે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલ અમૃતનગર સોસાયટીમાં 31 વર્ષીય હિતેશ ભગવતીભાઇ નાયકા તેની માતા નીરૂબેન સાથે રહેતો હતો. હાલ તો છુટક કામ મળે તો કરતો હતો. દારૂ પીવાની ટેવ હતી. સોમવારે રાત્રે 9.30 કલાક સુધી હિતેશ દારૂ પી તેના મિત્ર સાથે હતો. જોકે ત્યારબાદ તે ઘરે ગયો ન હતો. દરમિયાન જલાલપોર વિસ્તારમાં બોડા ફળિયા નજીકથી હિતેશની લાશ મંગળવારે સવારે મળી હતી. લાશ વિકૃત હતી. મોં તથા ગળાનો ભાગ કોઇ જાનવર ખાઇ ગયું હતું. વાળ પણ ઉખેડાયેલા હતાં. કેટલાકે પોલીસને જાણ કરાતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. લાશ જ્યાં પડેલી હતી ત્યાં નજીક લોહીવાળો પથ્થર હતો. મરનારના માથાના ભાગે પથ્થર વાગેલાનું જણાયું હતું. પોલીસે લાશનો કબજો લઇ પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.મરનારને લીવર, કમળાની બિમારી હોવાનું કહેવાય છે. પોલીસે ગતરાત્રે રહેલ મિત્રની પૂછપરછ શરૂ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે મરનાર હિતેશના લગ્ન બાદ થોડા સમયમાં જ છુટાછેડા થયા હતાં. તે ભૂતકાળમાં સાઉદી અરેબીયા, અબુધાબી કામ કરવા ગયો અને પરત આવ્યો હતો તથા પૂન: ગલ્ફમાં જવાનો પ્રયત્ન કરતો હતો.

જો હત્યા થઇ તો કારણ શું?
પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો જ દાખલ કર્યો છે. પરંતુ નજીક મળેલ પથ્થર જોતાં હત્યાની આશંકા પણ છે. મરનાર રાત્રે દારૂ પીધેલ હતો અને કોઇક સાથે ઝઘડો કરતા મામલો હત્યા સુધી પહોંચવાની પણ શક્યતા છે. જોકે હિતેશને કોઇ સાથે અદાવત હતી કે તે અંગે જાણી શકાયું નથી. અને ઝઘડાનાં પુરાવા પોલીસે હજુ મળ્યા ન હોવાનું જાણવા મળે છે.

પી.એમ એફએસએલ ઉપર પેન્ડિંગ
મરનારની લાશનું પી.એમ કરાયું છે પરંતુ હાલ એફએસએલ ઉપર પેન્ડીંગ રખાયું છે. માથાના ભાગના વિસેરા પણ લેવામાં આવ્યા છે. મરનારને દારૂ પીવાની આદત હતી. - કે.કે.સુરતી તપાસકર્તા અધિકારી, જલાલપોર પોલીસ