19 February 2019

સમૂહ લગ્નના ચાંદલાની રકમ શહીદોના પરિવારોને અર્પણ


નવસારીના દર વર્ષે યોજાતા સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના સમૂહ લગ્નને આ વર્ષે સમાજે પુલવામા માં મૃત્યુ પામેલ શહીદોના પરિવારોને નામ કરી ચાંદલામાં પ્રાપ્ત થયેલ 2 લાખની રકમ શહીદોના પરિવારને આપવાનો નિર્ણય કર્યો હતો.

સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના અગ્રણી ડો.બી.બી.હીરપરાનાં મૃત્યુને પાંચ વર્ષ પૂરા થયા છે. તેમની યાદમાં છેલ્લાં 5 વર્ષથી સમાજનો સમુહ લગ્નોત્સવ 17 મી ફેબ્રુઆરીએ યોજાય છે અને હીરપરા પરિવાર લગ્નના મોટા દાતા પણ છે. જલાલપોર વિસ્તારમાં રવિવારે યોજાયેલા સમુહ લગ્નોત્સવમાં 7 નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. મોટી સંખ્યામાં લોકો લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

સમૂહ લગ્નોત્સવની વિશિષ્ટતા લગ્નમાં ભેગા થનારી ચાંદલાની રકમ પુલવામા શહીદોના પરિવારને આપવાની હતી. દર વર્ષે આ રકમ સમાજની પ્રવૃત્તિમાં વપરાતી મધુભાઇ કથીરીયાએ જણાવ્યું કે સમુહ લગ્નોત્સવમાં ચાંદલાની રકમ 1.87 લાખ રૂપિયા ભેગી થઇ હતી. તેમાં 13 હજાર ઉમેરો કરી કુલ 2 લાખની રકમ શહીદોના પરિવાર માટે અપાશે. શહીદોનાં યાદમાં રાખેલ રક્તદાન શિબિરમાં 44 બોટલ લોહી ભેગું થયું હતું. ઉપરાંત ઓરેંજ હોસ્પિટલમાં રાખેલા તબીબ કેમ્પમાં 100 જણાની તબીબી તપાસ પણ કરાઇ હતી. સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સેવા સમાજના સમૂહ લગ્નોત્સવમાં સમાજનાં અગ્રણી મહેશ હીરપરા, અશોક ધોરાજીયા, ભરત સુખડીયા, અશોક ગજેરા હાજર રહ્યાં હતાં.