19 February 2019

પરિવાર બેસણામાં ગયોને ધોળાદહાડે ઘરમાંથી 2.68 લાખની ચોરી


નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં દિનદહાડે સાડા ચાર કલાક જ ઘર બંધ રહ્યું ત્યાં તસ્કરો પ્રવેશી રોકડ સહિત કુલ 2.68 લાખ રૂપિયાની માલમત્તા તફડાવી ગયા હતાં. મિસ્ત્રી પરિવાર વલસાડ પોતાનાં સ્વજનને ત્યાં બેસણામાં ગયો ત્યાં જ તસ્કરોએ ‘ઘાપ’ મારી હતી.

નવસારીના જલાલપોર વિસ્તારમાં મસ્જીદ પાસેના દક્ષિણી મહોલ્લામાં યોગેશ રમણભાઇ મિસ્ત્રી તથા તેમનો પરિવાર રહે છે. યોગેશભાઇ વિઝા કન્સલટન્ટની કામગીરી કરે છે. અને તેઓ જલાલપોરમાં જ મિસ્ત્રી ટ્રાવેલ્સનાં નામે ધંધો કરે છે. રવિવારનાં રોજ સવારે 9.30 કલાક યોગેશભાઇના પરિવારનાં વલસાડ ખાતે રહેતા સ્વજનનું અવસાન થયું હોય યોગેશભાઇ તેમની પત્નિ, માતા-પિતા અને નાનો દિકરો વલસાડ બેસણામાં જવા નીકળ્યા હતાં.

યોગેશભાઇનો મોટો દિકરો ન ગયો હતો પરંતુ યોગેશભાઇના વલસાડ જવા નીકળ્યા બાદ દિકરો પણ ઘર બંધ કરી મુખ્ય દરવાજે તાળું મારી રમવા જતો રહ્યો હતો. મિસ્ત્રી પરિવાર સવા બે વાગ્યે પરત જલાલપોર આવ્યા ત્યારે યોગેશભાઇની પત્નિ મંજુલાબેને ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો હોય ત્યાંથી પરત ઘરમાં પ્રવેશતા પાછળનો દરવાજો તૂટેલો હતો. પરિવારે ઘરમાં જઇને જોયું તો કબાટ તૂટેલો હતો અને કબાટમાં ચકાસણી કરતા તેમાં મૂકેલ 2.46 લાખ રૂપિયા રોકડ તથા અંદાજે 22 હજાર રૂપિયાની કિંમતની સોનાની ત્રણ જોડી બુટ્ટી પણ ગાયબ જણાઇ હતી. જેથી ચોરી થયાનું જણાયું હતું. તસ્કરો દિનદહાડે બંધ ઘરમાંથી 2.68 લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા હતાં. વાડામાં મૂકેલ તરાજ (મોટો લોખંડનો સળિયો) ઘરમાં હતો જેથી તસ્કરો તરાજ વડે દરવાજો તોડી અંદર ઘૂસી ગયાનું લાગે છે.

સતત 3 દિવસ 4 વિસ્તારોમાં ચોરીનો પ્રયાસ
નવસારી પંથકમાં છેલ્લાં ત્રણ દિવસ તસ્કરોએ વિવિધ વિસ્તારોમાં ચોરી યા ચોરીનો પ્રયત્ન કર્યાની આધારભૂત જાણકારી મળી છે. શુક્રવારનાં રોજ શહેરનાં અલીફનગર વિસ્તારમાં ત્રણેક ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો. જેમાં ઝુબેર અરળ, નઇમ શેખ, લતીફભાઇ તથા જાવેદભાઇ નાટનાં મુસ્લીમ શખ્શોનાં ઘરોમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં નઇમભાઇને ત્યાં સફળતા મળ્યાનું કહેવાય છે. શુક્રવારે જ રાત્રે ઇંટાળવા વિશાલનગર વિસ્તારમાં પણ સુમંતભાઇ પટેલ તથા એક જૈન પરિવારને ત્યાં ચોરીનો પ્રયાસ થયો હતો. શુક્રવારના બીજા દિવસ શનિવારની રાત્રે શહેરનાં શાંતિવન વિસ્તારમાં સુધાબેન બલુભાઇ, સમરીભાઇ નામનાં શખ્શોનાં ઘરે ચોરીનો પ્રયાસ કરાયાની જાણકારી મળી છે. ઉક્ત ત્રણેય વિસ્તારોમાં થયેલ ચોરીમાં ફરિયાદ થયાની જાણકારી મળી નથી. શુક્ર, શનિની રાત્રી બાદ રવિવારે દિનદહાડે જલાલપોરમાં હાથફેરો તસ્કરોએ કર્યો હતો. 

ગ્રાહકોનાં વિઝા કન્સલટન્ટ ફી ચોરાઇ
સામાન્યત: મધ્યમવર્ગનો માણસ અઢી લાખ જેટલી રોકડ રાખતો નથી પરંતુ આ કિસ્સામાં યોગેશભાઇ મિસ્ત્રી વિઝા કન્સલટન્ટનું કામ કરતા હોઇ પોતાનાં ચાર ગ્રાહકો પાસેથી મળેલ 2.40 લાખ તથા 6 હજાર પોતાની પાસેની રકમ કબાટમાં મૂકી હતી, જે તસ્કરો લઇ ગયા હતાં. શનિ-રવિની રજા હોય બેંકમાં રોકડ મૂકી ન હતી.

આજુબાજુના બે ઘર બંધ તેથી
તસ્કરોએ લોખંડની નરાજના ઉપયોગ વડે દરવાજો તોડ્યો હતો. આ તોડવાની કામગીરી દરમિયાન અવાજ થયો હોઇ શકે છે. જોકે યોગેશભાઇ મિસ્ત્રીના ઘરની બંને બાજુ ઘર બંધ જ છે તેથી અવાજ યા તસ્કરોની આવ-જા ની નજીકમાં ભનક આવી ન હતી.

વિવિધ શક્યતાઓ ચકાસાઇ રહી છે
પોલીસ વિવિધ શક્યતાઓ ચકાસી રહી છે અને ટીમો દોડાવાઇ છે. ચોરી ડિટેક્ટ કરવા પ્રયત્નશીલ છે. - એમ.બી.રાઠોડ, પી.આઇ., જલાલપોર પોલીસ