21 February 2019

નવસારીમાં દોઢ કિલોમીટરના ચકરાવાવાળા સૂચિત રેલવે ફ્લાયઓવરનો સખત વિરોધ


નવસારીમાં રેલવે ઓવરબ્રીજને નટરાજ ટોકિઝથી પ્રકાશ ટોકીઝ થઇ પૂર્ણા બ્રીજ નજીકથી ટર્ન આપી બીજી તરફ બંદર રોડથી રાયચંદ રોડ થઇ બીજી બાજુ પોલીસ ચોકી ઉતારવાની તજવીજનો જલાલપોર વિસ્તારમાંથી વિરોધ શરૂ થયો છે. અંદાજે દોઢ કિ.મી.નાં આ બ્રીજના ચકરાવાનો વિરોધ કરતી રજૂઆત સ્થાનિક ધારાસભ્યને પણ કરાઇ છે.

કેન્દ્ર સરકારની રેલવે કોરીડોરની યોજના અંતર્ગત બે નવી રેલવે ટ્રેક બની રહી છે. જેને લઇને ઘણી ફાટકો બંધ કરી તેની જગ્યાએ રેલવે ઓવરબ્રીજ બનાવવાનાં આયોજન કરાય છે. અહીંના નવસારી જિલ્લામાં પણ અનેક રેલવે ફ્લાયઓવર બનાવવાનું આયોજન કરાયું છે જેમાં જિલ્લા મથક નવસારીના રેલવે ફ્લાયઓવરનો પણ સમાવેશ થાય છે.

નવસારીમાં ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય તો 9-10 વર્ષ અગાઉ લેવાયો હતો પરંતુ હજુ કાર્યવાહી સ્થળ ઉપર શરૂ કરાઇ નથી. હાલ જે ફ્લાયઓવર બનાવવાની તજવીજ થઇ રહી છે. તેમાં નટરાજ ટોકીઝથી બ્રીજ શરૂ કરી પ્રકાશ ટોકીઝ થઇ દક્ષિણ પૂર્ણા બ્રીજ નજીકથી (રીંગરોડ પાસેથી) ટર્ન આપી બીજી તરફ બંદર રોડ, રાયચંદ રોડ થઇ બીજી તરફ પોલીસ ચોકી (અશોકભાઇની વખાર) પાસે ઉતરવાની યોજના છે. આ ‘યુ’ આકારનાં ફ્લાયઓવરની કુલ લંબાઇ અંદાજે દોઢ કિ.મીથી વધુ છે. આ ‘યુ’ આકારના ફ્લાયઓવર બનાવવાની તજવીજ ચાલી રહ્યાંની જાણ જલાલપોર પંથકમાં થતાં વિરોધનો સુર ઉઠ્યો છે.

જલાલપોરના લોકોનું કહેવું છે કે, જો ફ્લાયઓવર બનવા છતાં જો તેઓને બે કિ.મી.નો ચકરાવો જ મારવો પડે તો તેનાથી જલાલપોરને શું ફાયદોω તાજેતરમાં રામજી મંદિર નજીક ભેગા થયેલ ગ્રામજનોએ આ બાબતની ચર્ચા કરી હતી, જેમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને તે દિશામાં જ ગઇકાલે 18 મીએ સ્થાનિક નવસારી અને જલાલપોરનાં ધારાસભ્યને આ બાબતે લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બનાવાની શક્યતા છે.

અંડરબ્રિજનો પણ વિરોધ થયો હતો
નવસારીમાં રેલવે ફ્લાયઓવર પહેલેથી જ વિવાદમાં છે. ફ્લાયઓવર બનાવવામાં પડતી મુશ્કેલીને આગળ ધરી તંત્રએ દોઢ-બે વર્ષ અગાઉ રેલવે અંડરબ્રીજ બનાવવાની તજવીજ પણ હાથ ધરી હતી. જોકે તે સમયે જલાલપોર વિસ્તારનાં લોકોએ ચોમાસાની તકલીફને લઇ વિરોધ કર્યો અને મોટો મોરચો કાઢ્યો હતો. જેને લઇને અન્ડર બ્રીજ પડતો મૂકી પુન: ની તજવીજ શરૂ કરાઇ હતી.

ફ્લાયઓવર માટે રેલવેની મંજૂરી બાકી
નવસારીના સૂચિત ‘યુ’ શેપવાળા રેલવે ફ્લાયઓવરની ડીઝાઇન સ્થાનિક કક્ષાએ તૈયાર થઇ ગઇ છે. જોકે રેલવેમાંથી મંજૂરી બાકી છે અને આ ડીઝાઇનની મંજૂરી માટે રેલવેમાં નકશો ગયાની જાણકારી આધારભૂત સૂત્રમાંથી મળી છે.

‘યુ’ ટર્નથી જલાલપોરને આજીવન તકલીફ
રેલવે અંડરબ્રિજના વિરોધના સમયે જ અમે નવસારી સર્કિટ હાઉસમાં મળેલ મિટીંગમાં ‘યુ’ ટર્નના ચકરાવાવાળા ફ્લાયઓવરનો વિરોધ કર્યો હતો અને સીધો પેટ્રોલપંપથી લીમડાચોક સીધો બ્રીજ બનાવવાની માંગ કરી હતી. જો આમા ડીમોલીશન વધુ ન કરવું હોય તો અન્ય ઓપ્શન પણ આપ્યા હતાં. આ ‘યુ’ ટર્નના લાંબા ચકરાવા વાળા બ્રિજનાં અમને જલાલપોરવાસીઓને આજીવન તકલીફ પડે એમ છે. આ દેશનો પહેલાં બ્રીજ હશે જેનાથી નહીં તો ટ્રાફિક સમસ્યા હલ થશે કે અંતર ઘટશે! - અજય દેસાઇ (વાઘ) અગ્રણી, જલાલપોર

નગર પાલિકાએ મંજૂરી આપી હતી
આ રેલવે ફ્લાયઓવરનું કામ પાલિકા હસ્તક નથી, માર્ગમકાન વિભાગ અને રેલવે હસ્તક છે. જોકે ‘યુ’ શેપનો ફ્લાયઓવર બનવાની યોજના છે તેની જાણકારી છે. આ ‘યુ’ શેપના બ્રિજના કામ માટે માર્ગમકાન વિભાગે નવસારી પાલિકા પાસે પાસે મંજૂરી માંગતા બોર્ડે મંજૂરી આપી હતી. - રાજુ ગુપ્તા, સીટી ઇજનેર, નવસારી પાલિકા