24 February 2019

જલાલપોરમાં 2 ફૂટનો ભૂવો 3-4 કલાકમાં 25 ફૂટનો થઈ ગયો


જલાલપોરના વોર્ડ નં. 7 માધવ માર્કેટ સ્વામીનારાયણ મંદિર પાસે શનિવારે સવારે એકાદ ફૂટ જેટલો રસ્તા પર ખાડો પડ્યો હતો, જે બપોરે ઉંડો થઈ જતા ત્યાં મસમોટો ભૂવો પડી ગયો હતો. આ બાબતે કેટલાક યુવાનોએ નવસારી પાલિકાને જાણ કરતા કોર્પોરેટર સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ભૂવો અંદાજે 25 ફૂટ ઉંડો હોવાનું જણાયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર વર્ષો પહેલા આ સ્થળે ગટર હોય તેને પુર્યા વગર જ બંધ ખરી દેતા આ ભૂવો પડ્યાની માહિતી મળી છે.

જલાલપોરના વોર્ડ નં. 7 સ્વામીનારાયણ મંદિર પાસે, પ્રણામી એપાર્ટમેન્ટની સામે ગૌરીશંકર મહોલ્લા પાસે છેલ્લા બે ત્રણ દિવસથી રસ્તાની વચ્ચે જમીન બેસી જતી હોય છે અને આજે સવારે એકાદ ફૂટ જેટલો ખાડી પડી ગયો હતો. જેથી આ વિસ્તારના યુવાનો નીતિનભાઈ તથા અન્ય યુવાનોએ નગરપાલિકામાં જાણ કરી હતી. પાલિકાનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયા હતા. આ ખાડો વધતા વધતા ભૂવાનું સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. માયનોર વિભાગના અધિકારી જેસીબી લઈને કામગીરી શરૂ કરતા આ ભૂવો ખોદતા અંદરથી જૂની ડ્રેનેજ લાઈન હોવાનું જણાયું હતું. આ માર્ગ બંને તરફથી આવાગમન માટે બંધ કરી દીધો હતો. નવસારી શહેરમાં વર્ષો બાદ જલાલપોર વિસ્તારમાં ભૂવો પડવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. જલાલપોરમાં ભૂવો પડતા અહીં નવી પાઈપલાઈન નાંખવા માટે સમય જશે અને બે ત્રણ દિવસ માટે અહીંનો રસ્તો વાહનની અવરજવર માટે બંધ રહેશે તેવું સ્થળ પરથી જાણવા મળ્યું છે.

પાલિકામાં જાણ કરવા છતાં ધ્યાન ન આપ્યું
છેલ્લા બે ત્રણ દિવસથી અહીંથી પસાર થતાં જોયું કે રસ્તાના મધ્યે ખાડો પડી રહ્યો છે. આ બાબતે નવસારી પાલિકામાં જાણ કરી હતી પરંતુ ધ્યાન ન આપતાં શનિવારે સવારે એકાદ ફૂટનો ખાડો હતો જે બાદમાં મોટો ભૂવામાં તબદીલ થયો હતો. આ બાબતે વોર્ડ નં. 7ના નગરસેવકોને ખબર હોવા છતાં કામગીરી કરી ન હતી. - નીતિન માલવિયા, સ્થાનિક રહીશ, જલાલપોર

રજા હોવા છતાં માઇનોર સ્ટાફ ઘટનાસ્થળે જેસીબી સાથે ધસી આવ્યો
શનિવારે સવારે મને સ્થાનિકોએ ભૂવો પડ્યાની જાણ કરી, જેથી તુરંત નવસારી પાલિકામાં જાણ કરી હતી. આજે રજા હોવા છતાં માયનોર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે જેસીબી સાથે દોડી ગયો હતો. મારી જાણ મુજબ અહીં જૂની ડ્રેનેજ લાઈન હતી. તેને એમ જ પૂરી દેવાતાં આ ભૂવો પડ્યો હશે. આ માર્ગની કામગીરી કરવાની હોય બે ત્રણ દિવસ માટે વાહનોની અવરજવર માટે બંધ રહેશે. - ત્રિભોવન (કાલુભાઈ) ચાવડા, ચેરમેન, વોટરવર્કસ કમિટી, નવસારી પાલિકા

ખબર પડતાં માઇનોર વિભાગ તાત્કાલિક હાજર થયો
જલાલપોરના પ્રણામી એપાર્ટમેન્ટી સામે શનિવારે સવારે એકાદ બે ફૂટ જમીન બેસી ગઈ હતી ત્યારબાદ ખાડો પડવાની શરૂઆત થતા બપોરે આ ભૂવો 25 ફૂટ જેટલો ઉંડો થઈ ગયો હતો. આ સ્થળે જૂની ગટરલાઈન હોય નગરપાલિકાના માયનોર વિભાગ બે જેસીબી તથા કામદારો સાથે ઘટનાસ્થળે આવીને રિપેરિંગ કરવા અને નવા પાઈપ નાંખવાની કામગીરી શરૂ કરી હતી.