26 February 2019

મચ્છી માર્કેટ હટાવવા ગયેલી પાલિકાની ટીમ વિલા મોઢે પરત


નવસારી નગર પાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ બનાતવાલા હાઈસ્કૂલ નજીક ભરાતી મચ્છી માર્કેટનું દબાણ હટાવવા માટે પોલીસ બંદોબસ્ત સાથેનો કાફલો મોકલ્યા બાદ પણ દબાણ હટાવ્યા વિના વિલે મોઢે પરત ફરવુ પડ્યુ હતુ.

મળતી માહિતી અનુસાર, નવસારી નગર પાલિકા નજીકમાં જ આવેલા શહીદ ચોક પાસે બનાતવાલા હાઈસ્કૂલ નજીક વર્ષોથી ભરાતી મચ્છી માર્કેટ ટ્રાફિકમાં અડચણરૂપ હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહી છે. બીજી તરફ બનાતવાલા હાઈસ્કૂલ તેમજ સ્થાનિકો દ્વારા પણ પાલિકામાં વારંવાર રજૂઆતો કરીને મચ્છી માર્કેટ દુર કરવા માટેની માંગણી કરવામાં આવી હતી. પરંતુ વર્ષોથી માછલીઓ વેચવા બેસતી મહિલાઓ દ્વારા તેનો જે તે સમયે ઉગ્ર વિરોધ કરાતા પાલિકા દબાણ દુર કરવાથી પાછળ પડતી રહી છે.

હાલમાં જ નગર પાલિકા દ્વારા દુધિયા તળાવ સ્થિત ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યુ છે, જેના કારણે શહેરમાં કોઈ જગ્યાએ આગ લાગી હોય કે લોકોને પાણી પહોંચાડવાનું હોય એવી સ્થિતિમાં પાણીના બંબાઓ મુખ્યત્વે દુધિયા તળાવથી શહીદ ચોક વાળો રસ્તો પકડતા હોય છે. જેમાં સાંજના સમયે તો મચ્છી માર્કેટને કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બને છે. આવી સ્થિતિમાં ટ્રાફિકને અડચણરૂપ મચ્છી માર્કેટને હટાવવા માટે નવસારી નગર પાલિકાના સીઓ દશરથસિંહ ગોહિલ દ્વારા બે દિવસ અગાઉ પાલિકાના પ. વ. શાખા, વોટર વર્ક્સ શાખા, ડ્રેનેજ શાખા, આરોગ્ય શાખા, લાઇટ શાખા, માઇનોર શાખા, માર્કેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને બનાતવાલા હાઈસ્કૂલ પાસે ભરાતી મચ્છી માર્કેટને સોમવારે હટાવવા માટેનો આદેશ કર્યો હતો.

સાથે જ કોઇ અઘટીત ઘટના ન બને એ હેતૂથી પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો. સીઓના આદેશાનાસુર સોમવારે પાલિકાની ઉપરોક્ત શાખાના અધિકારીઓ અને  કર્મચારીઓ તથા પોલીસ કાફલો બનાતવાલા હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા. પરંતુ કોઇ અજ્ઞાત કારણસર મચ્છી માર્કેટનુ દબાણ હટાવવા વગર જ વિલા મોઢે પરત ફર્યા હતા. આ મુદૃ પાલિકાના અધિકારીઓ કયા કારણસર દબાણ દુર કરવાની કામગીરી મુલતવી રાખવામાં આવી એની માહિતી આપી શક્યા ન હતા.

મચ્છી માર્કેટ દુર કરવા પાછળ બિલ્ડરના પ્રોજેક્ટને સફળ બનાવવાનો કારસો!
બનાતવાલા સ્કુલ પાસે જે જગ્યાએ મચ્છી માર્કેટ હાલ ભરાય છે. ત્યાં જ એક બિલ્ડરનો મહાકાય પ્રોજેક્ટ છે. મચ્છી માર્કેટ ભરાવાને કારણે એ બિલ્ડરના પ્રોજેક્ટને ઘણો ફટકો પડ્યો હોય તેમ ખાસ કંઇ વેચાણ થયું નથી. એટલે એ બિલ્ડરને ફાયદો કરાવવા માટે મચ્છી માર્કેટ ખસેડવાનો કારસો પાલિકા તંત્ર દ્વારા રચાયો હોવાનો મુદૃ હાલ ગરમાયો છે. ત્યારે આ અંગે પાલિકા તંત્ર કોઇ પણ પ્રકારનો ફોડ પાડતી નથી.