28 February 2019

ઓઈલ પડી રહ્યું છે કહી 95900 રોકડ ભરેલી થેલી ગઠિયો ચોરી ગયો


કબીલપોર ખાતે રહેતા રિક્ષાચાલક જૂનાથાણા ખાતે બેંકમાંથી પૈસા કાઢીને રિક્ષાના આગળના ભાગે થેલીમાં મુકીને જતો હતો ત્યારે એક યુવાને તેની પાસે આવી ‘આપ કી રિક્ષામેં સે ઓઈલ ગીર રહા હૈ’ કહેતા રિક્ષાચાલક જોવા જતા તકનો લાભ લઈ ગઠિયા રૂ. 95900 રોકડા, પાસબુક, ચેકબુકવાળી થેલી લઈને ભાગી છૂટ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોસઈ એમ.બી.કોંકણી કરી રહ્યા છે.

કબીલપોરના હરિપાર્ક સોસાયટીમાં રહેતો વિનોદ મગન ટંડેલ 18 વર્ષથી પોતાની રિક્ષા (નં. જીજે-21-ડબલ્યુ-0307) ફેરવે છે. ગતરોજ બપોરના સુમારે તેઓ પોતાના ઘરના કામ માટે બહાર ગયા હતા અને નાણાંની જરૂરિયાત હોય તેઓએ જૂનાથાણા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાંથી રૂ. 1 લાખ ઉપાડ્યા હતા. રૂ. 100ના દરની એક નોટ ફાટેલી હોય તે બેંકમાં બદલાવીને બીજા રૂ. 95900 રોકડા લાલરંગની પ્લાસ્ટીકની થેલીમાં મુક્યા હતા. થેલીમાં રોકડા ઉપરાંત પાસબુક અને ચેકબુક પણ હતી. વિનોદભાઈએ આ થેલી રિક્ષાના સ્ટિયરિંગના આગળના ભાગે મુકીને રિક્ષા ચાલુ કરતો હતો. એ સમયે આકાશી શર્ટ તથા પેન્ટ પહેરેલો એક અજાણ્યો ઈસમ (ઉ.વ.આ. 30થી 32) આવીને રિક્ષા ઉભી રખાવી જણાવ્યું હતું કે 'આપ કી રિક્ષા મેં સે ઓઈલ ગીર રહા હૈ' એવું જણાવતા વિનોદભાઈ રિક્ષામાંથી ઉતરી પાછળ જોવા ગયો હતો. જ્યાં કોઈએ ઓઈલની પિચકારી મારેલી હોય જેથી ઓઈલ ટપકતું જોયું હતું. જેથી તરત જ રિક્ષામાં સ્ટિયરિંગ પાસે આવી જોતા નાણાં ભરેલી થેલી ત્યાં જોવા મળી ન હતી અને અજાણ્યો યુવાન પણ ત્યાં ન હોય તેની આજુબાજુ શોધખોળ કરતા તે મળી આવ્યો નહતો. જેથી વિનોદ ટંડેલ આજરોજ ટાઉન પોલીસ મથકમાં રોકડા ભરેલી થેલી લઈ ભાગી જનાર અજાણ્યા ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

1 વર્ષ અગાઉ આવી જ છેતરપિંડી થઈ હતી !
નવસારીમાં એક વર્ષ અગાઉ સેન્ટ્રલ બેંક પાસે ઓઈલ પડે છે તેમ કહી કારચાલક સાથે છેતરપિંડી થયાની ઘટના પણ નોંધાઈ હતી. જોકે ત્યારે પોલીસે પેટ્રોલિંગ કરતા આવી ઘટના બંધ થઈ હતી. આજરોજ પણ આવી જ રીતે ઓઈલની પિચકારી મારીને ઓઈલ પડે છે તેમ કહી નજર ચૂકવીને નાણાં કે કિંમતી વસ્તુઓની ચોરી જનારી ગેંગનું આગમન થયું હોવાની ચર્ચા ચાલી રહી છે.