16 March 2019

નવસારીના કડીયાવાડમાં તસ્કરો ઘરમાંથી ગેસ સિલીન્ડર, મિકસર જ્યુસર ચોરી ગયા


નવસારીના કડીયાવાડના બંધ ઘરમાંથી કોઇ અજાણ્યો ચોર ચોરી કરી નાસી ગયો હતો. પરંતુ આ બનાવ અંગે નવસારી ટાઉન પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળ્યું હતુ.

ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ, નવસારીના કડિયાવાડ મિસ્ત્રી મહોલ્લામાં જમનાબેન ભાણાભાઇ પટેલ રહે છે, ગત રવિવારે પુત્રી કિંજલબેન સાસરેથી પિયરે આવ્યા હતા. અને ગત ૧૪મી ગુરૂવારે કિંજલબેન ઘરના જાળીયાને તાળુ મારી તેમની માતા જમનાબેનને તેમના સાસરે લઇ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે કોઇ અજાણ્યા ચોરે તેમના ઘરના જાળીયાને મારેલુ તાળુ કોઇ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ચોરે ઘરના કબાટમાંથી રોકડા ૭૦,૫૦૦ રૂપિયા, બે ગેસ સિલીન્ડર, મિક્ષર જ્યુસર અને આશરે ૨ તોલાની બે નંગ સોનાની બંગડી તેમજ કબાટમાં મુકેલા સ્ટેટ બેંકનો એટીએમ કાર્ડ ચોરી કરી નાસી ગયો હતો.

શુક્રવારે વહેલી સવારે તે અજાણ્યા ચોરે જમનાબેનના એ.ટી.એમ. કાર્ડનો ઉપયોગ કરી પહેલા ૧૦ હજાર રૂપિયા, ૫ હજાર રૂપિયા અને અંતમાં ૫૦૦ રૂપિયા મળી કુલ ૧૫,૫૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા. એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડતા જ જમનાબેનના ફોન પર પૈસા ઉપાડ્યા હોવાના મેસેજ ગયા હતા. જોકે તે બાબતે જમનાબેને ધ્યાન આપ્યુ ન હતુ. જ્યારે સવારે પાડોશીઓ જમનાબેનનું ઘર ખુલ્લુ જોઇ અને ઘરનો સામાન અસ્ત વ્યસ્ત જોતા જમનાબેનનો સંપર્ક કર્યો હતો. જેથી જમનાબેન અને તેમની પુત્રી કિંજલબેન તાત્કાલિક નવસારી કડિયાવાડ આવી ગયા હતા.

જ્યાં તેઓએ ઘરની તપાસ કરતા રોકડા રૂપિયા, ગેસ સિલીન્ડર, મિક્ષર જ્યુસર અને સોનાની બંગડીઓ ગાયબ જણાતા ચોરી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ ઘટના અંગે મોડી સાંજ સુધી પોલીસ મથકે કોઇ ફરિયાદ નોîધાઇ ન હોવાનું જાણવા મળ્યુ હતુ.