3 March 2019

નવસારીમાં પાસપોર્ટ સંબંધિત ઈન્કવાયરી હવે પોલીસ ઘરબેઠાં આવીને કરી જશે


નવસારી જિલ્લામાં પાસપોર્ટ બનાવનારાઓને હવેથી પોલીસ મથકના ચક્કર ખાવા નહીં પડે. સ્થાનિક પોલીસ જ પાસપોર્ટની અરજીના અનુસંધાનમાં ઘરબેઠા આવી અરજદારની માહિતી એકત્ર કરી જરૂરી દસ્તાવેજો મેળવી પાસપોર્ટને લગતી કામગીરીને પાર પાડશે. નવસારી જિલ્લા પોલીસવડા ડો. ગિરીશ પંડ્યાએ અમલસાડ આઉટપોસ્ટ પોલીસ ચોકીમાં લોકદરબારમાં પોલીસની આ કામગીરી કરવા તમામ પોલીસ મથકના અધિકારીઓને તાકિદ કરી હતી. તેમની આ જાહેરાતથી પાસપોર્ટ સંબંધિત અરજી કરનારાઓને મોટી રાહત મળી છે.

લોકદરબારમાં અમલસાડના રોહિત પટેલ (ભલો)એ પાસપોર્ટ ઈન્કવાયરી માટે ગણદેવી પોલીસ સ્ટેશન જવું પડતું હોવાથી અમલસાડ આઉટપોસ્ટમાં સુવિધા ઉપલબ્ધ થાય એવો પ્રશ્ન કરતા પોલીસ ઘરબેઠા સેવા આપશે તેવી વાત ડીએસપીએ કરી હતી. જોકે જણાવેલા સમયે, સ્થળ ઉપર જે તે વ્યક્તિ હાજર ન હોય તો તેમણે પોલીસ સ્ટેશન જઈને પોતાની કાર્યવાહી કરવાની રહેશે. આ સવાલ સાથે જ પોલીસવડાએ તાત્કાલિક અસરથી પોતાના તાબા હેઠળ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ અરજદારને તેની ઈન્કવાયરી માટે જે તે સ્થળે ઘરે જઈને અમલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. જો કોઈ પોલીસ પાસપોર્ટ ઈન્કવાયરી માટે પોલીસ સ્ટેશન બોલાવે તો પોલીસવડાને તેની જાણ કરવા અનુરોધ કર્યો હતો. આ સિવાય પણ કોઈ સમસ્યા કે પછી અન્ય પ્રશ્નો હોય તો પોતાના મો.નં. 99784 05075 ઉપર સંપર્ક કે વોટસઅપ કરવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાસપોર્ટ સંબંધિત દર મહિને 1 હજાર જેટલી અરજીઓ પોલીસને મળે છે.

આ ઉપરાંત ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન થતા રેલવે ફાટક વધુ સમય બંધ રહેવાથી સમસ્યા છે પરંતુ જે માટે હજુપણ હોમગાર્ડ જવાનોની જરૂર હશે તો તે માટેના પ્રયાસો થશે. તદઉપરાંત અમલસાડ આઉટપોસ્ટમાં સ્ટાફ ઘટ હોય તેની રજૂઆત સાથે પીએસઆઈ મુકવા સવાલો ઉભા થતા જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે અહી ગુનાખોરી ઓછી હોય સાથે વસતિ અને વિસ્તાર સમયમર્યાદા હોય તો તે દિશામાં નિમણૂક થઈ શકે છે. વધુમાં અમલસાડથી ગણદેવી નજીક હોય ગણતરીની મિનિટોમાં સ્ટાફ ધસી આવતો હોવાથી અલગ પીએસઆઈની નિમણૂક થઈ શકે નહીં. જોકે અન્ય એક પીએસઆઈની ગણદેવી ખાતે નિમણૂક થવાની હોય તે અવારનવાર અહીં વિઝીટ કરતા રહેશે પરંતુ સ્ટાફ ઘટ બાબતે ઘટતુ કરવાની ખાતરી ઉચ્ચારી હતી.

શું ફાયદા થશે : પોલીસ ઘરબેઠા પાસપોર્ટ ઈન્કવાયરી કે વેરિફિકેશન કરવા આવશે એટલે પોલીસ મથક સુધીના ધરમધક્કા મટી જશે. ઉપરાંત સમય અને નાણાંનો વ્યય અટકશે. સમયસર ઈન્કવાયરીની કામગીરી પૂર્ણ થશે. જરૂરી દસ્તાવેજો ભુલી જવાનો ડર નહીં રહે.

લોકહિત માટે જ કામગીરી કરવા સૂચન કર્યું છે
જિલ્લાભરમાં 1000 જેટલી અરજીઓ પાસપોર્ટ સંબંધિત હોય છે. આ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી તમામ ઈન્કવાયરી પૂર્ણ કરવાથી પાસપોર્ટની કામગીરી વહેલી પૂર્ણ કરી શકાય તેવા શુભ હેતુ અને લોકહિતને ધ્યાને રાખી પોલીસ હવે ઘર સુધી પહોંચી ઝડપભેર કાર્યવાહી કરશે. તેનાથી લોકોને રાહત મળશે. - ડો. ગિરીશ પંડ્યા, પોલીસવડા, નવસારી જિલ્લા