4 March 2019

પુલવામાના 46 શહીદોને નવસારીના કલાકારોએ રંગોળીમાં કંડાર્યા, ગુજરાતમાં પ્રથમ વખત અનોખી શ્રદ્ધાંજલિ આપી


પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા તમામ 42 શહીદો અને પાકિસ્તાને પકડેલા અને પાછળથી મુક્ત કરેલા એરફોર્સના જવાન અભિનંદનને રંગોળીમાં કંડારી નવસારીના 13 કલાકારોએ અનોખી શ્રદ્ધાંજલિ અર્પી છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે પાકિસ્તાનના આતંકી ગ્રુપ જૈશ એ મોહમદના આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 46 જવાનો શહીદ થયા હતા. આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ભારતમાં પડ્યા છે. દેશભરના લોકોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો આપ્યા છે. અહીં નવસારીમાં પણ અનેક શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થયા છે. જોકે, શહેરના રંગોળીના કલાકારોએ આ શહીદોને અન્યોથી અલગ અનોખી શ્રદ્ધાંજલિ અર્પી છે.

નવસારીના જાણીતા રંગોળીકાર અને ચિત્રકાર અશોકભાઈ લાડના માર્ગદર્શન હેઠળ અને 'અશોકા' કલા પ્રદર્શનીના નેજા હેઠળ શહેરની લક્ષ્મણ હોલની આર્ટ ગેલેરીમાં 42 શહીદ જવાનોની રંગોળી કંડારવામાં આવી છે. શહીદ જવાનો ઉપરાંત એરફોર્સ જવાન અભિનંદનની પણ રંગોળી પ્રદર્શિત કરવામાં આવી છે. શુક્ર અને શનિવાર એમ બે દિન રાત-દિવસમાં મુખ્ય કલાગુરૂ અશોક લાડ સહિત કુલ 13 કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું છે. આજે રવિવારે શહીદ જવાનોની રંગોળી પ્રદર્શનનું ઉદઘાટન થયા બાદ પાંચમી માર્ચ સુધી સાંજે 7થી 10 વાગ્યા સુધી આમજનતા માટે ખુલ્લુ રહેશે. સંભવત: ગુજરાતમાં આવુ અનોખું રંગોળી પ્રદર્શન પ્રથમ જ હશે! 

આ 13 કલાકારોની શ્રદ્ધાંજલિ
મુખ્ય કલાકાર - અશોકભાઈ લાડ અન્ય કલાકારો - સુભાષભાઈ ચિત્રે, જય કંસારા, રાજેન્દ્ર લુહાર, આદિત્ય કંસારા, ગૌતમ કંસારા, રીટા કૌર, જયશ્રી સોની, ભૂમિકા શાહ, જાગૃતિ ભાટે, પ્રીતિ પારેખ, પ્રીતિ દોડીયા અને પ્રજ્ઞા સોની.

1965ના યુદ્ધમાં પણ રંગોળી પ્રદર્શન
નવસારીમાં શહીદ જવાનો માટે આ વખતે પ્રથમવાર જ રંગોળી પ્રદર્શન થયું નથી. સને 1965માં જ્યારે પાકિસ્તાન સાથે જ ભારતનું યુદ્ધ થયું ત્યારે શહેરના અનેક કલાકારોને પ્લેટફોર્મ આપનાર રંગકલા સંઘ દ્વારા પ્રદર્શન કરાયું હતું અને શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ હતી.

શ્રદ્ધાંજલિ ઉપરાંત ફાળો પણ મોકલાશે
અમારા ગ્રુપના કલાકારો આર્થિક સધ્ધર નથી. મોટા ભાગના મીડલ કલાસ યા મીડલ લોઅર કલાસના છે. તેઓ સીધી આર્થિક રીતે તો કદાચ શહીદ જવાનોને હેલ્પફુલ થઈ ન શકે. તેથી અમોએ પોતાની કલાથી જવાનોને શ્રદ્ધાંજલિ અપાય એવું નક્કી કર્યું હતું. અહીં દાનપેટી પણ મુકાઈ છે. જેમાં જે પણ ફાળો આવશે તે તમામ શહીદોના પરિવારને આપવામાં આવશે. અમારો ખર્ચ પણ અલગ કાઢવામા આવશે નહીં! અશોક લાડ, મુખ્ય કલાકાર