5 March 2019

પાલિકાનાં પ્લોટમાં ગટરનો કચરો નંખાતા વિરોધ


નવસારીનાં વોર્ડ નં.11 માં સમાવિષ્ટ જય શંકર પાર્ટી પ્લોટ વિસ્તારમાં ઓમ સોસાયટી પાછળ આવેલા નવસારી પાલિકાનાં કોમન પ્લોટમાં છેલ્લાં ઘણા સમયથી શહેરમાં ગટર સફાઇ બાદ કચરો લાવીને ત્યાં નાંખવામાં આવે છે, જેથી મચ્છરોનાં ઉપદ્રવ થવાને કારણે અહીં રહેતા 250 થી વધુ પરિવારોને અસર થાય છે. વારંવાર રજૂઆત બાદ નગરપાલિકાએ વિનંતી હાથ ન ધરતા લોકોમાં આક્રોશની લાગણી ફેલાઇ છે.

નવસારીનાં વોર્ડ નં.11 જયશંકર પાર્ટી પ્લોટ વિસ્તારમાં રાશી મોલની સામે નવસારી નગરપાલિકાનો ખુલ્લો કોમન પ્લોટ છે, જેમાં ઘણા વખતથી નવસારી પાલિકા દ્વારા શહેરમાંથી બાંધકામનું વધેલું ઇંટ માટીનું છારૂ નાંખવામાં આવી રહ્યું છે. સાથે સાથે પાલિકા દ્વારા ગટરની સાફ સફાઇ કર્યા બાદ ગંદો કચરો પણ વાહનોમાં લાવીને આ ખુલ્લા પ્લોટમાં નાંખવામાં આવી રહ્યો છે. આ સ્થળે બે એપાર્ટમેન્ટ-60 થી વધુ બંગલાઓમાં 250 થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યાં છે. આ ગંદો ફેલાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

નવસારી પાલિકામાં સ્થાનિકોએ વારંવાર લેખિતમાં જણાવ્યું હતું પણ પાલિકાએ તેમની અરજી વિનંતીને ધ્યાનમાં ન લીધી હોવાનું જણાઇ રહ્યું છે. જેમાં ચાલતી ચર્ચા મુજબ આ વિસ્તારમાં કોંગ્રેસનાં નગર સેવકો ચૂંટાયા હોય અને શાસકો ભાજપનાં હોય રાજકારણ ગરમાયું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યાં છે. જોકે માટી છારૂ નાંખે તો વાંધો નહીં પણ ગટરનો ગંદો કચરો વિસ્તારમાં ગંદકી ફેલાવી રહ્યો છે તેનો વાંધો હોવાનું પણ જણાવ્યું હતું.

સ્થાનિકોએ રજૂઆાત કરી છે
વોર્ડ નં.11 રાશીમોલની સામે જયશંકર પાર્ટી પ્લોટ પાસે પાલિકાનો ખુલ્લો પ્લોટ છે ત્યાં પાલિકાનાં ગટર વિભાગ દ્વારા ગટર સાફ કર્યા બાદનો ગંદો કચરો ભરી અહીં નાંખી જાય છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકોએ રજૂઆત કરી છે. પરિણામ આવ્યું નથી. આજે પાલિકામાં રજા હોય કાલે આ મામલે રજૂઆત કરીશ. - ધવલ કિર્તિ દેસાઇ, વોર્ડ નં.11, કોંગ્રેસ નગર સેવક