6 March 2019

નવસારીના કોંગ્રેસ મંત્રી ઉપર ઘર પાસે જ સુરતના બે મારાનો જીવલેણ હુમલો


નવસારીના દરગાહ રોડ ખાતે રહેતા અને જિલ્લા કોંગ્રેસના મંત્રી મંગળવારે સાંજે 7.30 વાગ્યાના સુમારે ઘરે આવ્યા હતા ત્યારે એક યુવાને ચપ્પુથી 20થી વધુ ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ બાઈકસવારો ભાગી છૂટ્યા હતા. જોકે સ્થાનિકોએ બાઈકનો પીછો કરી લુન્સીકૂઈ પાસેથી એકને ઝડપી પાડ્યો હતો અને હુમલાખોર ફરાર થવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા યુવાનને સ્થાનિકોએ માર મારતા તેને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. જિલ્લા કોંગ્રેસ મંત્રીની હાલત નાજૂક હોવાની પણ હોસ્પિટલ સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે.

નવસારીના દરગાહ રોડ ખાતે રહેતા કોંગ્રેસના મંત્રી ફારૂક ગુલામ પઠાણ (ઉ.વ. 50) મંગળવારે મોડી સાંજે સામાજીક કામ પતાવી કાર પાર્ક કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ એક યુવાને પીછો કરી ચપ્પુથી હુમલો કરી ઉપરાછાપરી ફારૂક પઠાણના પેટ અને ડાબા પડખાના ભાગે 20થી વધુ ઘા ઝીંકી દીધા હતા. જેને પગલે ફારૂક પઠાણ ઘટનાસ્થળે ફસડાઈ પડ્યા હતા. આ ઘટનાના પગલે બૂમાબૂમ થતાં લોકો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને લોહીલુહાણ ફારૂક પઠાણને સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યારે હુમલાખોરોને પકડવા સ્થાનિક યુવાનોએ પીછો કર્યો હતો અને બાઈકચાલકને લુન્સીકૂઈ રોડ પર ડોમીનોઝ પીઝા સેન્ટર નજીક ઈંટ મારતા બાઈકચાલક ત્યાં ફસડાઈ પડ્યો હતો અને પાછળ બેસેલો તેને છોડી ભાગી ગયો હતો. બાઈકચાલક સાજીદ લોખંડવાલા (ઉ.વ. 26, રહે. સિંધીવાડ, ચોકબજાર, સુરત)ને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

અચાનક ચપ્પુથી થયેલા ગંભીર ઈજાગ્રસ્ત ફારૂક પઠાણને સારવાર અર્થે નવસારીની પારસી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ફારૂક પઠાણને પેટના જમણા ભાગે, ગળા ઉપર, ડાબા હાથના ભાગે, ડાબા પડખે 20થી વધુ ચપ્પુના ઘા માર્યા હતા. પોલીસે આ ઘટનામાં ચાકુ કબજે કર્યું હતું. જોકે હુમલાની આ ઘટનામાં અન્ય બે યુવાનો હોવાની પણ ચર્ચા જાગી છે.

હાલમાં જ કોંગ્રેસમાં જિલ્લા મંત્રી બન્યા
ઈજાગ્રસ્ત ફારૂક ગામાની કોંગ્રેસમાં આવનજાવન અનેક વખત થઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ છોડી એનસીપીમાં પણ જોડાયો હતો અને 2010ની પાલિકાની ચૂંટણીમાં એન.સી.પી.ની ટિકિટ ઉપર લડ્યો પરંતુ હારી ગયો હતો ત્યારબાદ પરત કોંગ્રેસ પક્ષમાં જ આવ્યો હતો. બે મહિના અગાઉ જ તેની જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક થઈ હતી.

હું માત્ર અલફાસ સાથે કામ અર્થે આવ્યો હતો
પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા સાજીદ ઉર્ફે ગુડ્ડુ સિદ્દીક લોખંડવાલાએ જણાવ્યું કે હું અલફાસ (રહે. સાગર હોટલની પાસે ચોકબજાર, સુરત) સાથે કામ અર્થે નવસારી આવ્યો હતો. મને બીજી કંઈ ખબર નથી. હુ માત્ર તેની સાથે જ આવ્યો પરંતુ તેણે અચાનક જ હુમલો કરી દેતા હું પણ ગભરાયો હતો અને ભાગી છૂટ્યો હતો. હું બાઈક પરથી પડી જતા મને લોકોએ પકડી લીધો હતો. જ્યારે અલફાસ ભાગી છૂટ્યો હતો.

ઘરના ઓટલા પર બેઠેલા હતા ને હુમલો થયો
અમે ઘર પાસે ઓટલા પર બેસેલા હતા ત્યારે ફારૂકભાઈ આવ્યા, પાછળથી એક યુવાને આવીને પાછળથી ચપ્પુ મારી દીધુ હતું. જેથી ફારૂકભાઈ લોહીલુહાણ થઈ જતા અમો બૂમાબૂમ કરી મુકી હતી. છોકરાઓ પાછળ દોડ્યા હતા અને પકડી લીધો હતો. નીતુબેન, ફર્સ્ટપર્સન

સવારથી જ રેકી કરી રહ્યા હતા
સવારે બે યુવાનો ફારૂકના ઘરે આવ્યા હતા અને તેની પૂછતાછ કરી હતી. જોકે સવારે તે ઘરે ન હોવાથી બંને યુવાનો ચાલ્યા ગયા હતા પરંતુ સાંજે જ્યારે ફારૂક પોતાની કાર (નં. જીજે-5-સીએચ-3974)માંથી ઉતરી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ બે જણાંએ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. તેમની સાથે અન્ય બે જણાં પણ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

હુમલાની જાણ થતાં પીછો કર્યો
મોડી સાંજે હુમલો થયાની જાણ થતા અમે યુવાનો સાથે આ બાઈક પાછળ જઈને પીછો કર્યો હતો. લુન્સીકૂઈ ખાતે બાઈકચાલકને ઈંટ મારી નીચે પાડી દઈ ઝડપી લઈ પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં સ્થાનિક કિરણભાઈને હાથમાં વાગ્યું હતું. -સુફીયાન શેખ, ફર્સ્ટપર્સ