7 March 2019

સ્વચ્છતામાં નવસારી 2017માં દેશમાં 25મા ક્રમે 2018માં 88મા અને હવે 101મા ક્રમે ધકેલાઇ ગયું


આજથી બે વર્ષ અગાઉ 2017માં સમગ્ર દેશમાં 25માં ક્રમે અને પશ્ચિમ ભારતની 'અ' વર્ગની પાલિકામાં પહેલા ક્રમે રહેલી નવસારી પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં ખૂબ જ પાછળ રહી દેશમાં 101માં ક્રમે રહી છે. 2017માં જ્યારે વેસ્ટર્ન રિજનની 'અ' વર્ગની પાલિકામાં પ્રથમ ક્રમ મેળવ્યો ત્યારે નવસારીની પાલિકાના પદાધિકારીઓ - અધિકારીઓ દિલ્હી જઈ ઈનામ મેળવ્યું હતું. અને કોલર ઉંચા કર્યા હતા. જોકે ઈનામ મળતા જવાબદારી વધી જાય છે એ નાની વાત નવસારી પાલિકા ભૂલી ગઈ હતી અને સ્વચ્છતાના ધારા ધોરણ ન જાળવતા બીજા વર્ષે 2018માં 88માં ક્રમે અને ચાલુ વર્ષ 2019માં 101માં ક્રમે પછડાઈ છે. આ વાતે સાબિત કર્યું છે કે શહેર વધુ સ્વચ્છ નહીં પરંતુ ગંદુ બન્યું છે. સરકારે સર્વેક્ષણ માટે કરેલા ધારાધોરણમાં પાલિકા ખરી ઉતરી શકી નથી.

નવસારી નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ કેમ તેનાં જવાબદાર પરિબળો
  1. શહેરને કચરાપેટી (લોખંડની) મુક્ત કરવાની એક ગાઈડલાઈન છે. અનેક વિસ્તારમાંથી કચરાપેટી ઉઠાવાઈ તો છે પરંતુ હજુય અંદાજે 15 જગ્યાએ કચરાપેટી યથાવત છે જે ઉભરાય છે અને ઢોર ફેંદે છે. 
  2. કચરાનું વર્ગીકરણ કરી ભીના કચરામાંથી ખાતર બનાવવાનું હોય છે. નવસારીમાં ખાતર બનાવવા માટે બંદર રોડ ઉપર પ્લાન્ટ નાંખવાની તજવીજ ચાલે તો છે પરંતુ સર્વેક્ષણ વખતે પ્લાન્ટની મશીનરી નંખાઈ નથી અને ખાતર બનાવાતું નથી. 
  3. શહેરમાં જાહેર સ્થળો, માર્ગોની લગોલગ કચરો નાંખવા લેટરબીન પ્રોજેકટ છે. જેમાં 100 મીટરના અંતરે માર્ગો નજીક મોટા ડસ્ટબીનો મુકવાના છે પરંતુ લોકોના વિરોધ યા અન્ય કારણો 60 ટકા ડસ્ટબીનો મુકાયા નથી અને પાલિકામાં પડ્યા રહ્યા છે. 
  4. સૂકા ભીના કચરાનું વર્ગીકરણ : પાલિકા મોટાભાગના શહેરમા ઘરેઘરેથી કચરો ઉઘરાવે તો છે પરંતુ સૂકો-ભીનો સાથે જ લેતી આવી છે. અલગ અલગ કચરો લેવા મિલકતધારકોને ડસ્ટબીનો આપવાની ત્રણેક મહિનાથી શરૂઆત કરી છે પરંતુ હજી 55થી 60 ટકા જ વિતરણ થઈ શક્યું છે. જેથી ઘણાં સૂકો-ભીનો કચરો અલગ આપતા નથી. 

2017માં પ. ભારતમાં નં. 1 હતું
2017માં નવસારીનો સમગ્ર પશ્ચિમ ભારતમાં 1 લાખથી 3 લાખ સુધીની વસતિ ધરાવતા શહેરોમાં (મહાપાલિકા નહીં) પ્રથમ નંબર આવ્યો હતો અને દેશમાં તમામ શહેરોમાં 25મો નંબર હતો. આ વખતે પશ્ચિમ ભારતની અલગ કેટેગરીનું પરિણામ બહાર આવ્યું યા જાણી શકાયું નથી.

ખામીઓ સુધારવામાં આવશે
સ્વચ્છતામાં દેશમાં 100મો અને રાજ્યમાં 10મો નંબર આવ્યો છે. જે ખામીઓ રહી ગઈ છે જે સુધારવામાં આવશે. - હિંમતભાઈ પટેલ, ચેરમેન, સેનેટરી કમિટી, નવસારી પાલિકા

પાલિકા અને લોકો બંને જવાબદાર
શહેરમાં આમ તો સ્વચ્છતા સારી છે પરંતુ કેટલાક વિસ્તારમાં સ્વચ્છતા બાબતે લોકોમાં પણ જાગૃતિ નથી અને પાલિકાની કામગીરી પણ નબળી છે, જેમાં સુધારો લાવવો જોઈએ. નવસારીનો નંબર પાછળ જવામાં એક કારણ એ પણ હોઈ શકે કે આપણાથી પછાત શહેરોમાં સુધારો આવ્યો હોઈ શકે. - કેરસી દેબુ, પારસી અગ્રણી, નવસારી

જે કામ કરવું જોઈએ તે શાસકો કરતા નથી
સ્વચ્છતા મુદ્દે પાલિકાના શાસકોએ જે કામ કરવું જોઈએ તે કરતા નથી. પશ્ચિમ વિસ્તારમાં તો સ્વચ્છતાનો કોન્ટ્રાકટ અપાયો છે અને તે નિષ્ફળ ગયો છે. પશ્ચિમ વિસ્તારમાં સ્વચ્છતાના અનેક પ્રશ્નો છે. - પિયુષ ઢીમ્મર, વિપક્ષ સભ્ય નવસારી નગરપાલિકા