8 March 2019

જિલ્લા કોંગ્રેસ મંત્રી પર કરોડોની જમીન વિવાદને લઈ હુમલો કરાયાની શક્યતા


નવસારી કોગ્રેસ મંત્રી પર જમીનના કબજા બાબતે હુમલો કરાયો હોવાની શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે. જોકે પોલીસે એ વાતને હાલ કોઈ સમર્થન આપ્યું નથી પરંતુ કરોડો રૂપિયાની જમીનને લઈ વિવાદ વધતા કાવતરુ રચી હુમલો કરાયાની શક્યતા છે.

નવસારીમાં દરગાહ રોડ ઉપર કાર મુકીને કોંગ્રેસ મંત્રી ફારુક પઠાણ સાંજના સમયે ઘરે જઈ રહ્યા હતા. એ સમયે ઘરથી 60 ફૂટના અંતરે જ બે યુવાનો પૈકી અલફાસએ તેને આંતરીને તેને ચપ્પુના ઘા ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેને પગલે ફારુક પઠાણ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. હુમલાખોર અલફાસ તથા તેના સાથીદાર સાજીદ (બંને રહે. સુરત) ઘટનાસ્થળેથી બાઈક ઉપર ભાગી છૂટ્યા હતા. જોકે સ્થાનિક યુવાનોએ તેમનો પીછો કરી ઈંટ મારી એકને નીચે પાડી દીધો હતો. હુમલાનો ભોગ બનનાર ફારૂક પઠાણને તાત્કાલિક સારવાર અર્થે પારસી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તે બાદ ઝડપાયેલા આરોપીને ઈજા થતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.

જે પૈકી ફારૂક પઠાણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે લોકોએ ઝડપી પાડેલા સાજીદ લોખંડવાલાને વધુ સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર મુખ્ય આરોપી અલફાસ (રહે. સુરત) ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. જેની પોલીસ તપાસ કરી રહી છે. હુમલાનો ભોગ બનનાર ફારૂક પઠાણે જણાવ્યું હતું કે આ હુમલો જમીનના કબજાને લઈને થયો હોવાની શક્યતા છે. કરોડો રૂપિયાની જમીનને લઈ કેટલાક લોકો દ્વારા છેલ્લા ઘણાં સમયથી મને ટાર્ગેટ કરી ધમકી આપવામાં આવી હતી.

મહિના પહેલાં મારી હત્યાનો પ્લાન હતો
જમીન વિવાદને લઈ અવારનવાર ધમકીઓ ફારૂક પઠાણને મળતી હતી. જમીન ખાલી કરવા મુદ્દે વિવાદ ચાલી રહ્યાની શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે ફારૂક પઠાણનું કાસળ કાઢી નાંખવા એક મહિના પહેલા પ્લાન ઘડી કાઢ્યો હોવાનું પણ ફારૂક પઠાણે વાતચીતમાં જણાવ્યું હતું કે રૂ. 20 કરોડથી વધુ કિંમતની જમીનના મામલા અન્વયે વિવાદ ચાલી રહ્યો હોય હાલ તેના સંદર્ભે જ હુમલો કરાયાની શંકા ફારૂક પઠાણે વ્યક્ત કરી હતી. જોકે તેણે આ સંદર્ભે પોલીસને હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

મુખ્ય આરોપી ઝડપાય તો હકીકત બહાર આવશે
હુમલો કરનાર શખ્સ પૈકી એકને ઝડપી લેવાયો હતો. એક ફરાર છે. ફરાર આરોપીની નવસારી પોલીસે એક ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઝડપાયેલા આરોપીને હેમરેજ થવાને કારણે હાલ તેની પૂછતાછ શક્ય બની નથી. મુખ્ય આરોપી ઝડપાયા બાદ જ હકીકત બહાર આવશે. - ડી.એચ. વાઘેલા, પોસઈ, નવસારી ટાઉન (તપાસ અધિકારી)