9 March 2019

નવસારીમાં 'સરબતિયા લેક ફ્રંટ'ને આજે ખુલ્લો મુકાશે


નવસારી શહેરના બીજા લેકફ્રંટ એવા 'સરબતિયા લેકફ્રંટ'ને શનિવારે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.

નવસારી શહેરમાં દોઢેક વર્ષ અગાઉ શહેરનું પ્રથમ લેકફ્રંટ 'દુધિયા તળાવ લેકફ્રંટ' બનાવવામાં આવ્યું હતું, જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે. બાદમાં લુન્સીકૂઈ મેદાનની સામે આવેલા સરબતિયા તળાવ ફરતે પણ લેકફ્રંટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. સરબતિયા લેકફ્રંટ માટે અંદાજે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ લેકફ્રંટમાં વોકવે સુવિધા, સિટિંગ, સેલ્ફી પોઈન્ટ, આકર્ષક એન્ટ્રી પોઈન્ટ, ટ્રી પ્લાન્ટેશન વગેરે અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે. શહેરના આ બીજા લેકફ્રંટને શનિવારે સવારે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ લોકો માટે ખુલ્લુ મુકશે.

અહીં ઉલ્લેખનીય છે કે શહેરની પશ્ચિમે જલાલપોરમાં થાણાં તળાવ લેકફ્રંટ પણ પૂર્ણતાને આરે છે તથા પાલિકાએ શાકમાર્કેટની સામે ટાટા તળાવ લેકફ્રંટ બનાવવાનો નિર્ણય પણ લીધો છે. આમ મહાનગરોની સરખામણી એ ખુબ નાના નવસારીમાં ચાર-ચાર લેકફ્રંટો થઈ જશે.

પ્રથમ વખત વર્ટિકલ ગાર્ડન
સરબતિયા લેકફ્રંટમાં અનેક સુવિધા તો છે પરંતુ તેની એન્ટ્રી આકર્ષક છે. દક્ષિણ બાજુએ એન્ટ્રીની દિવાલ ઉપર ગાર્ડન બનાવાયું છે. જેને વર્ટીકલ (હેગીંગ ગાર્ડન) પણ કહેવામાં આવે છે. શહેરમાં જાહેર સ્થળે આ પ્રથમ વખત બનાવાયું છે.