11 March 2019

નવસારીને મળશે 2.60 કરોડનું ઓપન ઓડિટોરિયમ


નવસારી શહેરના લોકોને વરસો બાદ આખરે પોતાનો ઓપન ઓડિટોરિયમ મળી શકશે. પાલિકા કચેરીથી થોડે દૂર દુધિયા તળાવ વિસ્તારમાં પાલિકા સંચાલિત રંગવિહાર ઓપન ઓડિટોરિયમ લગભગ તૈયાર થઈ ગયો છે. 1200થી 1500 લોકોની કેપેસિટીવાળો આ ઓડિટોરિયમ બનાવવામાં આવ્યો છે. નવસારી પાલિકા સંચાલિત દુધિયા તળાવ વિસ્તારમાં રંગવિહાર ઘણા સમયથી પડતર હાલતમાં હતો. આ સ્થળે પાલિકા સંચાલકોએ નવો જ ઓપન ઓડિટોરિયમ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

આશરે અઢી વર્ષ અગાઉ આ ઓપન ઓડિટોરિયમનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે હવે લગભગ પૂર્ણતાને આરે છે. થોડું ઈલેક્ટ્રિફિકેશન, સાઉન્ડ વગેરેનું કામ જ બાકી હોવાનું જાણવા મળ્યું છે. આ ઓપન ઓડિટોરિયમ પાછળ અંદાજે 2.58 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જે ગ્રાંટમાંથી કરવામાં આવ્યો છે. ઓડિટોરિયમમાં 1200 ખુરશીઓ મૂકવાની ક્ષમતા છે. જેમાં અગાઉ 300 ભારતીય બેઠક રખાય તો કેપેસિટી 1500 સુધીની લઈ જવાની ક્ષમતા છે. હાલમાં વાહનોની વધેલી સંખ્યાને જોતાં પાર્કિંગ માટે પણ મોટી જગ્યા ફાળવાઈ છે.

હાલ તો આ ઓડિટોરિયમને ઓપન (ઉપરનો ભાગ ખુલ્લો) રખાયું છે. જેને લઈને ઉનાળા તથા ચોમાસામાં ખાસ કરીને તેની ઉપયોગીતા સીમિત થઈ જાય એમ છે. જોકે, હાલ આ ઓડિટોરિયમને એ રીતે બનાવાયો છે કે ભવિષ્યમાં બંધ કરવાની વિચારણા થાયતો પણ થઈ શકશે. ઓડિટોરિયમ બનવામાં ધારણા કરતા થોડો વિલંબ થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી પંથકમાં ઓડિટોરિયમ હોલ તો છે પરંતુ મોટા ભાગના ખાનગી છે પાલિકાનો આ ઓપન ઓડિટોરિયમ બનતા શહેરીજનોને ‘પોતાનું’ ઓડિટોરિયમ મળી શકશે.

હવે થોડું જ કામ બાકી છે
ઓપન ઓડિટોરિયમનું ઘણું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ઈલેકટ્રીફિકેશન, ફિનિસિંગ જેવું જ થોડુ જ કામ બાકી છે. ભાડુ નિર્ધારણ સહિતની નીતિ તો પાલિકાની ચૂંટાયેલી પાંખ નક્કી કરશે. રાજુ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા

મિનિમમ ભાડું રખાય તો સારું
ઓપન ઓડિટોરિયમ જે રીતનો બનાવાયો છે તેનુ ભાડું નજીવું જ રાખવું જરૂરી છે અને તો સામાન્ય વર્ગને ઉપયોગી થઈ શકશે. બીજુ કે ઓડિટોરિયમને ‘ઓપન’ નહીં પરંતુ ઉપરથી બંધ કરાય તો સારું રહેશે! ભરત શાહ (મહેક), કલારસિક, નવસારી

ભૂતકાળમાં રંગવિહાર ધમધમતો હતો
નવસારી શહેરમાં 1970ના અરસામાં રંગવિહાર (જૂનું) બન્યું હતું. તે વખતે શહેરમાં કોઈ ઓડિટોરિયમ ન હોય ખુબ ઉપયોગીતા હતી. ત્યારબાદ ટાટા હોલ પણ બન્યો. જોકે, ત્યારબાદ પણ રંગવિહારની ઉપયોગીતા થતી જ રહી હતી. 25થી 28 વર્ષ પ્રમાણમાં સારું ચાલતું હતું.

જૂના રંગવિહારમાં પાલિકા કચેરીથી ઢોરનો તબેલો
નવસારીના 70ના અરસામાં બનેલા જૂના રંગવિહારની અનેકવિધ ઉપયોગ થયો હતો. અહીં પાલિકા કચેરી ચાલી અને જનરલ બોર્ડ પણ થયા હોવાનું પાલિકાના પૂર્વ પ્રમુખ એ. ડી. પટેલ જણાવે છે. ત્યારબાદ તો અહીં ક્રમશ: કાર્યક્રમો ઓછા થતા ગયા અને બાદમાં ઢોર બંધાયા, પાલિકાનું ભંગારનું ગોડાઉન બન્યું અને મજૂરોનું નિવાસસ્થાન પણ બન્યું હતું.

ઓપન ઓડિટોરિયમની ઉપયોગીતા, લાભ
  • સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ શકશે. 
  • નાટક, જાદુ સહિતના મનોરંજક કાર્યક્ર માટે 
  • સેમિનાર, માર્ગદર્શક શિબિરો વગેરે થઈ શકે. 
  • લગ્ન, બર્થડે વગેરેની પાર્ટી પણ થઈ શકે. 
  • સ્કૂલ, કોલેજોના વાર્ષિક કાર્યક્રમો માટે ઉપયોગીતા, 
  • સરકારી કાર્યક્રમો, ઉદઘાટન કાર્યક્રમો વગેરે થઈ શકે. 
  • રાજકીય પક્ષો, ખાનગી કંપનીઓ માટેના કાર્યક્રમો માટે ઉપયોગી 
  • પાલિકા સંચાલિત હોય નફાનો મુખ્ય ઉદ્દેશ ન હોય રાહતદરનું ભાડુ નક્કી થવાની શક્યતા.