12 March 2019

નવસારીમાં શૈલેષપાર્કમાં બંગલામાંથી રૂ. 4.80 લાખની ચોરી, અન્યમાં પ્રયાસ


નવસારીમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતા ચોરોને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. ગત અઠવાડિયે તા.5 માર્ચે બાપુનગર ખાતે ઓમ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા પ્રશાંતભાઈ નામના ઇસમને ત્યાંથી ભરદિવસે રૂ. 3 લાખની ચોરી થઇ હતી. આ ચોરીના બનાવને હજુ 6 દિવસ થયા ત્યાં તો ગત રાત્રિએ છાપરારોડ વિસ્તારમાં શૈલેષપાર્ક ખાતે રહેતા અનાવિલ પરિવારને ત્યાંથી રૂ. 4.80 લાખની ચોરી થયાની ઘટના નોંધાતા પોલીસ પેટ્રોલિંગના ચોરટાઓ ધજાગરા ઉડાવી રહ્યા છે.

નવસારીના છાપરા રોડ ખાતે આવેલી શૈલેષપાર્ક સોસાયટીમાં માતૃ છાયા બંગલામાં પૂર્વીબેન તેના પતિ પ્રશાંતભાઈ તથા પરિવાર સાથે રહે છે. તેણી પરમેશ ડાયમંડમાં નોકરી કરવા સવારે 9 વાગ્યે જાય છે. ગત 10મીએ તેમના ભાઈનું ઘર તિઘરા ખાતે બદલવાનું હોય પૂર્વીબેન રાત્રિના સમયે ભાઈને ત્યાં ગયા હતા. તેમના ઘરે વૃદ્ધ સાસુ સસરા ઘરે ઉપરના માળે સૂતા હતા.

બીજા દિવસે 11મીએ સવારે 9 વાગ્યે પોતાના ઘરે જતા જોયું તો તેમના બેડરૂમનો કબાટ તૂટેલો હતો અને સામાન વેરવિખેર પડેલો હતો. ઘરનાં પાછળનો દરવાજો જોતા તે તૂટેલો જણાયો હતો. જેથી તેમણે ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. તેમણે જોયું તો ઘરના પાછળના દરવાજાને ગીરમીટ જેવા હથિયાર વડે બે હોલ કરી કાણા પાડીને કોઈ ચોર ઇસમોએ ઘરમાં પ્રવેશ કર્યાનું જણાયું હતું.

તેમના બેડરૂમના કબાટમાં મુકેલી સોનાની બંગડી નંગ 6 કિંમત રૂ. 1.40 લાખ, સોનાની માળા કિંમત રૂ. 60 હજાર, સોનાનું લુઝ કિંમત રૂ. 20 હજાર, સોનાનો સેટ રૂ. 80 હજાર, 10 જોડી સોનાની બુટ્ટી કિંમત રૂ. 40 હજરા, સોનાનું મંગળસૂત્ર રૂ. 80 હજાર, બે નાની સોનાની ચેઈન રૂ. 20 હજાર, નાના લોકેટ 4 નંગ 40 હજાર મળી કુલ 24 તોલા કિંમમત રૂ. 4.80 લાખની ચોરી અજાણ્યા ઈસમો કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

ઉપરાંત આજ ફરિયાદમાં તેમની સોસાયટીમાં રહેતા અર્પિત કંસારાને ત્યાંથી પણ ચોરીનો પ્રયાસ થયાનું જણાવ્યું હતું. વધુ તપાસ ગ્રામ્ય પી.આઈ. એલ.કે.પઠાણ કરી રહ્યા છે.

એક મહિનામાં 7 જગ્યાએ ચોરીના બનાવ
નવસારીમાં છેલ્લા એક માસમાં 7 જેટલી ચોરીના બનાવો નોંધાયા છે. શહેરીજનોને ચોરીનો ડર સતાવી રહ્યો છે. પોલીસ સબ સલામત હોવાનું ગાણું ગઈ રહ્યા છે ત્યારે લોકોએ જાતે જ પોતાના ઘરની રખેવાળી કરે તેવું વાતાવરણનું નિર્માણ થયુ છે.

પેટ્રોલિંગ કડક કરવામાં આવ્યું છે
છાપરા રોડ ખાતે આવેલા બે બંગલામાં ચોરી થઇ હતી, જેમાં રાત્રિના સમયે પાછળનાં ભાગેથી ચોરોએ પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો છે. જેમાં એક બંગલામાંથી રૂ. 4.80 લાખના સોનાના દાગીનાની ચોરી થઇ છે. જયારે બીજા બંગલામાં માત્ર ચોરીનો પ્રયાસ કર્યાનું પોલીસ તપાસમાં જણાયું છે. આખી સોસાયટીમાં માત્ર એક જ બંગલામાં સીસીટીવી કેમેરા છે તે હજુ બહારગામ હોય તેના ફૂટેજ જોવાના બાકી છે. આ ચોરોએ બંગલાનાં પાછળના ભાગેથી પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટના ગ્રામ્ય અને શહેર વિસ્તારની હદમાં આવેલી છે અહીં પહેલી ચોરીની ઘટના નોંધાઈ છે.પોલીસ ની પેટ્રોલિંગ કડક કરી દેવાશે. -એલ.કે.પઠાણ, પીઆઈ, ગ્રામ્ય પોલીસ તપાસકર્તા