13 March 2019

ડિવાઈન સ્કૂલ આસપાસ દીપડા જેવું પ્રાણી દેખાતાં ફફડાટ, જંગલખાતાનો નન્નો


નવસારીના દાંતેજ ગામની હદમાં ડિવાઈન સ્કૂલ નજીક દીપડાએ સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યાની વાતે ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે દીપડાએ હુમલો કર્યો ન હતો પરંતુ કોઈક સિક્યુરિટી ગાર્ડને મારમારીને ફરાર થઈ ગયું હતું. આ ઘટના અંગે વિજલપોર પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

નવસારીને અડીને આવેલા દાંતેજ ગામની હદમાં ડિવાઈન સ્કૂલના ગાર્ડ ઉપર દીપડાએ હુમલો કર્યાની વાત નવસારી પંથકમાં ફેલાઈ ગઈ હતી. જેને લઈ દીપડો દાંતેજ ગામ સુધી પહોંચી ગયાની વાતો વહેતી થતા લોકો માટે આ ચર્ચાનો વિષય બની ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી નવસારીના જલાલપોર, એરૂ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ધારાગીરી, નાની ચોવીસી સહિતના વિસ્તારોમાં દીપડો અવારનવાર દેખાતો રહ્યો છે. હવે દાંતેજમાં દીપડો દેખાયાની વાતે ચર્ચા જાગી છે. જોકે તે અંગે હજી સુધી પુષ્ટિ મળી નથી પરંતુ સ્કૂલના સીસીટીવી કેમેરામાં દીપડા જેવો આકાર ધરાવતું પ્રાણી જણાય આવે છે. સિક્યુરિટી ગાર્ડ ઉપર થયેલા હુમલાનો સમય પણ મળસ્કે જ જણાતા દીપડાએ હુમલો કર્યો હોવાની વાત જોરશોરથી ઉઠી હતી.

હુમલો નહીં, જાતે પડી ગયો હોવાનું નિવેદન
દાંતેજ ગામની હદમાં આવેલી ડિવાઈન સ્કૂલના ગેટ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઉમેશભાઈ બાબુભાઈ રાણા (ઉ.વ. 55, વિજલપોર, ગ્રીનપાર્ક સોસાયટી, તા. જલાલપોર) ફરજ ઉપર હતા. તે વખતે સોમવારે મળસ્કે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેને કોઈક એક-બે જણાંએ માર માર્યાનું અને જાતે પડી ગયાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. જોકે પોલીસે હાલ આ ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. વધુ તપાસ જમાદાર સુનિલસિંહ કરી રહ્યા છે.

રાણી બિલાડા જેવું પ્રાણી હોઈ શકે છે
નવસારી પંથકમાં દીપડાની વસતિ છે એ હકીકત છે પરંતુ દાંતેજ નજીક હાલ દીપડો હોવાની પુષ્ટિ થઈ નથી. સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે પરંતુ તેમાં જે દેખાય છે તેમાં રાણી બિલાડા જેવું પ્રાણી જણાય છે. આ દીપડો કે તેનું બચ્ચુ નથી. -વાય.એસ. પઠાણ, આરએફઓ, નવસારી