20 March 2019

નવસારી અનાજ ગોડાઉન બહાર ટ્રકમાંથી 5 ઘઉંના કટ્ટા ચોરાયા


નવસારીમાં આવેલી દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા અન્ય વિસ્તારોમાં વિતરણ કરવા માટે ટ્રકમાં ભરેલા અનાજના જથ્થો પૈકી 5 અનાજની ગુણી (કટ્ટા) ગત રાત્રિએ ટ્રકમાંથી કોઈ ચોરી ગયું હતું. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે ત્રણ જેટલા શકમંદોની અટક પણ કરી હોવાની માહિતી જાણવા મળી છે.

નવસારીનાં દશેરા ટેકરી વિસ્તારમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. આવેલી છે. ગતરોજ ચીખલીનાં ઈજારદાર રતન શાહ નામના ઇસમની ઈજારો ધરાવતી ટ્રકમાં માલ ભરીને ગોડાઉનના કેમ્પસમાં મૂકી હતી. તેમાં ગતરાત્રિ દરમિયાન અજાણ્યા ઈસમોએ ટ્રક પર ચઢીને પાંચ અનાજની ગુણો ચોરી હતી. ટ્રકનું કરતા આ વાતની જાણ થઇ હતી.

આ બાબતે સોમવારે રાત્રિના સમયે લોકોએ પોલીસને જાણ પણ કરી હતી. નવસારી પોલીસે ઘટનાસ્થળે પહોંચી 3 સ્થાનિક ઈસમોને શંકાનાં આધારે ઝડપી લીધા હતા. જોકે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું પોલીસ મથકેથી માહિતી મળી છે.